શું મંદીના રીંછને કોરોના થયો હોવાથી તે આઇસોલેશનમાં ચાલ્યો ગયો છે?

15 February, 2021 12:41 PM IST  |  Mumbai | Jayesh Chitalia

શું મંદીના રીંછને કોરોના થયો હોવાથી તે આઇસોલેશનમાં ચાલ્યો ગયો છે?

પ્રતીકાત્મક તસવીર

સારાં કૉર્પોરેટ પરિણામ, નો નેગેટિવ ન્યુઝ, પ્રૉફિટ-બુકિંગ કરતાં લેવાલીનો ટ્રેન્ડ વધુ, એફઆઇઆઇની નેટ ખરીદીનો ચાલુ રહેલો પ્રવાહ વગેરે જેવાં પરિબળોએ  બજારમાં સેન્ટિમેન્ટ સકારાત્મક રાખ્યું છે. પરિણામે તેજીની ગાડી આગળ જ વધી છે, પરંતુ ધીમી જરૂર પડી છે. હવે કરેક્શન અને કૉન્સોલિડેશનની શક્યતા વધી છે

શૅરબજારની એકધારી તેજીની ચાલને જોઈને છેલ્લા કેટલાક સમયથી સવાલ ભલે વધવા  લાગ્યા છે. બજારની તેજીની ગાડી આગળ વધે ત્યારે રાજી થવા કરતાં ચિંતા વધુ થાય એવો માહોલ બની ગયો હોવા છતાં શૅરબજાર સતત નવી ઊંચાઈ હાંસલ કરતું જાય છે. ગયા  સોમવારે બજારને કરેક્શનનો લાભ મળે એવી ધારણા અને આશા બન્નેને નિરાશા મળી હતી. જોકે અતિ પૉઝિટિવ ગ્લોબલ સંકેત અને વિદેશી રોકાણકારોનો પાવરપેક્ડ રોકાણ પ્રવાહ માર્કેટની તેજીને વધુ ઊંચે લઈ ગયો હતો. સેન્સેક્સ ૬૧૭ પૉઇન્ટ કૂદીને ૫૧,૩૪૮ બંધ અને નિફ્ટી ૧૯૧ પૉઇન્ટના કૂદકા સાથે ૧૫,૧૧૫ બંધ રહ્યો હતો. જોકે મંગળવારે બજારે નાનુંસરખું કરેક્શન નોંધાવ્યું હતું, આમ તો બજારને ઘટવું નહોતું, તેમ છતાં હવે એકધારી  તેજીનો ભાર પણ બજાર ઊંચકી શકે એમ નથી, પરિણામે મંગળવારે અને બુધવારે બન્ને દિવસ કરેક્શન આવ્યા હતા. અગેઈન, આ બન્ને દિવસના કરેક્શનમાં વધઘટ સાથે ટ્રેન્ડ તો તેજીનો જ હતો. બજાર બહુ ઘટતું નહોતું અને જેટલું ઘટતું તે પણ પાછું રિકવર થઈને સાધારણ જ  માઇનસ બંધ રહેતું હતું. બુધવારે સેન્સેક્સ માત્ર ૨૦ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી માત્ર બે પૉઇન્ટ માઇનસ. આને ખરેખર તો બજારનો ઘટાડો કહેવાય પણ નહીં, મજાની વાત એ હતી કે સ્મૉલ અને મિડ કૅપ બન્ને વધીને બંધ રહ્યા હતા.   અલબત્ત, મુખ્ય ઇન્ડેકસનું લેવલ ઊંચું જ રહ્યું હતું, સેન્સેક્સ ૫૧,૦૦૦ની ઉપર અને નિફ્ટી ૧૫,૦૦૦ની ઉપર બંધ રહ્યા હતા. માર્કેટ વૉલેટાઇલ વધુ રહ્યું હતું.  

૨૦-૨૦ના ઘટાડા સામે

૨૨૦નો ઉછાળો

ગુરુવારે માર્કેટે ફરી રિકવરી નોંધાવી હતી, બજારને જાણે મંદી પચતી ન હોય એવો ઘાટ જોવા મળતો રહ્યો છે. આગલા બે દિવસમાં માત્ર ૨૦-૨૦ પૉઇન્ટ ઘટેલો સેન્સેક્સ એક જ દિવસમાં ૨૨૦ પૉઇન્ટ વધીને બંધ રહ્યો હતો. એશિયન અને યુરોપિયન માર્કેટના સારા સંકેત અને કૉર્પોરેટ પરિણામ મુખ્ય પરિબળ બન્યા હતા, એકલા રિલાયન્સની તેજીએ બજારને ઊંચકી લીધું હતું. નિફ્ટી ૬૬ પૉઇન્ટ વધીને બંધ રહ્યો હતો. વિદેશી રોકાણકારોની નેટ ખરીદીનો પ્રવાહ ચાલુ રહ્યો હોવાનું કારણ પણ રિકવરીને ટેકો આપતું રહ્યું હતું. ભારતીય રોકાણકાર વર્ગ પણ હાલ બુલિશ વધુ છે. ઘટાડાને તેઓ તક માનીને ખરીદી કરવા લાગે છે. જ્યારે કે ફોરેન ઇન્વેસ્ટરો તો દરેક લેવલે બાયર્સ બની રહ્યા છે. અલબત્ત, આપણે ગયા વખતે કરેલી વાત મુજબ માર્કેટનું આમ એકધારું વધવું જોખમી પણ ગણાય.  

સપ્તાહ તો પૉઝિ‌િટવ બંધ

શુક્રવારે માર્કેટ વૉલેટાઈલ રહ્યા બાદ ફ્લૅટ બંધ રહ્યું હતું. ગ્લોબલ સંકેત પૉઝિટિવ હતા. ખાસ કરીને યુએસમાં કોવિડ નિમિત્તે આવનાર રિલીફ પૅકેજ મંજૂર થવાની આશા ઊભી હતી, જ્યારે કે બીજી તરફ યુએસ-ચીન વચ્ચેના તનાવની ચિંતાના પણ નિર્દેશ હતા. સેન્સેક્સ ૧૩ પૉઇન્ટ પ્લસ રહીને ૫૧,૫૦૦ ઉપર બંધ રહ્યો અને નિફ્ટી માત્ર ૧૦ પૉઇન્ટ માઇનસ સાથે ૧૫,૧૦૦ ઉપર બંધ રહ્યો હતો. સત્ર દરમ્યાન સેન્સેક્સ ૨૫૦ પૉઇન્ટ નીચે જઈ પાછો ફર્યો હતો. આમ માર્કેટ ઘટી-ઘટીને પાછું રિકવર થઈ જાય છે, જાણે કે મંદીના રીંછને કોરોના થયો હોય અને તે આઇસોલેશનમાં ચાલ્યો ગયો હોય. વધુમાં બજાર માટે એક સારા સમાચાર-સંકેત એ હતા કે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (રિટ) અને ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની ડેટ સિક્યૉરિટીઝમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોને રોકાણ કરવાની છૂટને પગલે નાણાપ્રવાહ વધશે. બજાર માટે નેગેટિવ ન્યુઝ તો હાલ કોઈ નથી, પરંતુ પૉઝિટિવ ન્યુઝનો પ્રવાહ ચાલુ રહ્યો છે.

પ્રૉફિટ-બુકિંગ આવી શકે

આગામી દિવસોમાં નવા પૉઝિટિવ પરિબળ દેખાતાં નથી, જોકે નેગેટિવ પરિબળ પણ નજર નથી પડતાં. ભારતીય બજારની ચાલ ગ્લોબલ સંજોગો પર આધાર રાખશે, બજાર વધવાની ધીમી પડેલી ગતિ તેને કરેક્શન તરફ અને એ પછી કૉન્સોલિડેશન તરફ લઈ જાય એવા એંધાણ છે. પ્રૉફિટ-બુકિંગ બજારના ઘટાડાનું કારણ બની શકે.  

યુએઈ મારફત એફપીઆઇના રોકાણનો માર્ગ

ભારતીય શૅરબજારની તેજીને બળ આપનારા એક સમાચાર મુજબ સરકાર હવે યુએઈ (યુનાઇટેડ આરબ અમિરાત)ને મોરેશ્યસ અને સિંગાપોરનો દરજ્જો આપવા માગે છે, જેથી યુએઈ કેટેગરી-વન ફંડ ગણાશે, જેને પરિણામે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો આ માર્ગે મોરેશ્યસ અને સિંગાપોરની જેમ રોકાણ કરી શકશે. તેઓ ભારતીય માર્કેટમાં પાર્ટીસિપેટરી નોટ‍્સ સહિતના સાધન મારફત રોકાણ લાવી શકશે. કેન્દ્ર સરકાર તરફથી યુએઈને આ દરજ્જો આપવાની સૂચના સેબીને અપાઈ છે.  

ભારતીય શૅરબજારનો ફાસ્ટેસ્ટ ગ્રોથ

ભારતીય સ્ટૉક માર્કેટ હાલ તેના શ્રેષ્ઠ સમયમાંથી પસાર થઈ રહ્યું છે એવું કહેવા માટે આપણી પાસે નક્કર આંકડા રૂપી પુરાવા છે. માર્કેટ વેલ્યુના સંદર્ભમાં ભારતીય માર્કેટ વિશ્વમાં છઠ્ઠા સ્થાને આવી ગયું છે. તે કૅનેડા, જર્મની અને સાઉદી અરબ, સાઉથ કોરિયાથી આગળ નીકળી ગયું છે. આનો મોટો યશ સરકારના બજેટને અને આર્થિક રિકવરીની ઝડપ તેમ જ કોરોના દરમ્યાન લેવાયેલા પુનરુત્થાનના પગલાં તેમ જ રોકાણકારોના વધતા રસનો, ખાસ કરીને વિદેશી રોકાણકારોના પ્રવાહને આપી શકાય. ભારતીય સ્ટૉક માર્કેટનું માર્કેટ કૅપ ૨.૭ લાખ કરોડ ડૉલર જેટલું થઈ ગયું છે. વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોએ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં (૮ ફેબ્રુઆરી સુધીમાં) આશરે ૪ અબજ ડૉલરથી વધુ રોકાણ ભારતીય માર્કેટમાં કર્યું છે, જે બ્રાઝિલ બાદ બીજા ક્રમે છે. જો તમને ઇન્વેસ્ટર તરીકે એ સવાલ થતો હોય કે આ બધા આંકડાથી મને શું? તો એનો જવાબ એ છે કે આ રોકાણના આંકડા, ભારતનું ગ્લોબલ સ્તરે વધતું મહત્ત્વ અને ભારતીય અર્થતંત્ર પરના વધતા વિશ્વાસનું પ્રતીક છે. 

રાજકીય પરિબળો અવરોધ ન બનવા જોઈએ

જો વિદેશી રોકાણકારો આટલો બધો ભરોસો ભારતીય કંપનીઓ-માર્કેટ પર રાખે છે તો ભારતીય રોકાણકાર તરીકે આપણે શા માટે આ વિષયમાં નક્કર વિચાર અને વિવેક સાથે આ ગ્રોથ સ્ટોરીનો લાભ ન લઈએ? આ વખતના બજેટના અમલીકરણ સાથે વિકાસની ગાડી જે ગતિ પકડવાની છે તેને ધ્યાનમાં રાખતા રોકાણકારો આગામી ત્રણથી પાંચ વર્ષનો સમય માર્કેટને ચોક્કસ આપી શકે અને આપવો જોઈએ.

ખાસ વાત

ઇન્ડેકસના અને ઇન્ડેકસમાં વેઇટેજ ધરાવતા ચોક્કસ સ્ટૉક્સના ભાવવધારા પાછળ ડેરિવેટિવ્ઝ માર્ગે ચાલતી સટ્ટાકીય પ્રવૃત્તિ પણ જવાબદાર હોવાનું ચર્ચામાં છે. આમ ખરેખર હોય તો તે બજાર માટે ગમે ત્યારે જોખમ સર્જી શકે છે. નિયમન સંસ્થા સેબીએ આ બાબતે તકેદારી લેવી જોઈએ.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

business news jayesh chitalia