2019-20માં ટૅક્સ જીડીપી રેશિયો દાયકાના તળિયે

10 June, 2020 12:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

2019-20માં ટૅક્સ જીડીપી રેશિયો દાયકાના તળિયે

પ્રતીકાત્મક તસવીર

ભારતના ટૅક્સ અને જીડીપીનો રેશિયો કોરોના ત્રાટક્યા અગાઉ જ ૨૦૧૯-૨૦માં ઘટીને દશકના તળિયે ૯.૮૮ ટકા પર આવી ગયો છે. આ ઘટાડાનું મુખ્ય કારણ કસ્ટમ ડ્યુટી અને કૉર્પોરેશન ટૅક્સ કલેક્શનમાં ઘટાડો છે, જ્યારે એક્સાઇઝ ડ્યુટીમાં સામાન્ય વધારો થયો છે.

વર્ષ ૨૦૧૯-૨૦માં કૉર્પોરેશન ટૅક્સમાં ૧૬ ટકાનો ઘટાડો, કસ્ટમ્સ ડ્યુટીમાં ૭ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે એક્સાઇઝ ડ્યુટીમાં ૩ ટકાનો વધારો થયો છે. ટૅક્સ-જીડીપી રેશિયોના સંદર્ભમાં ભારત ઓઇસીડી દેશો કરતાં ઘણો પાછળ છે, જ્યાં સરેરાશ આ પ્રમાણ ૩૪ ટકાનું છે.

આ અગાઉના વર્ષમાં ટૅક્સ અને જીડીપીનો ગુણોત્તર ૧૦.૯૭ ટકા હતો અને ૨૦૧૭.૧૮માં ૧૧.૨૨ ટકા હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વૉર્ટર દરમ્યાન આવક ઘટાડાની સંભાવના છે, કેમ કે કોરોના વાઇરસને કારણે કરવામાં આવેલ લૉકડાઉનને કારણે આર્થિક પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ હતી.

આ રેશિયોથી જાણવા મળે છે કે  સરકાર તેના ખર્ચ માટે નાણાં પૂરા પાડવામાં સક્ષમ છે કે નહીં. વિકસિત દેશોમાં તેમની જીડીપી અને ટૅક્સ રેશિયો વધારે હોય છે.  નાણાકીય વર્ષના સુધારેલા બજેટ લક્ષ્યાંકની તુલનામાં ૨૦૧૯-૨૦માં કુલ કરની આવક ૩.૩૯ ટકા ઘટી છે અને કુલ કર વસૂલાતમાં ૧.૫૦ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

કરની આવક ઘટવાથી દેશની સરકાર ઉપર નાણકીય બોજ આવી પડે છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં કેન્દ્ર સરકારે નાણાખાધ ૭.૬૭ લાખ કરોડ રૂપિયા રહેવાની ધારણા હતી તે પ્રાથમિક સરકારી આંકડા અનુસાર વધીને ૯.૩૬ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકીય વર્ષમાં દેશની નાણાખાધ વધી ગઈ છે. આથી અગ્રણી ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે ભારતનું ક્રેડિટ રેટિંગ ઘટાડ્યું હતું અને આઉટલુક નેગેટિવ કર્યું હતું.

મૂડીઝ કહે છે કે કેન્દ્ર સરકારની નાણાખાધ એક ચિંતાનો વિષય છે. આ દલીલમાં તથ્ય છે. ૨૦૧૯-૨૦માં ૩.૮ ટકાની સામે ખાધ વધીને ૪.૫૩ ટકા થઈ ગઈ છે. લૉકડાઉન અને સરકારના પૅકેજના કારણે ૨૦૨૦-૨૧માં પણ ખાધ વધવાની છે. આની સાથે કેન્દ્ર અને રાજ્યો બજારમાંથી વધારે રકમ ઉપાડશે એટલે દેવું પણ વધવાનું છે. દેશનું દેવું ૨૦૧૯માં ૭૨ ટકા હતું જે વધીને ૨૦૨૦માં ૮૪ ટકા થયું છે અને આ વર્ષે પણ તેમાં વૃદ્ધિ થવાની છે. આ સ્થિતિમાં જીડીપી વૃદ્ધિ નબળી રહે તો દેવું વધારે થશે એ પણ સત્ય જ છે.

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં બજેટ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે કુલ કરની આવકમાં ૨૦.૫ ટકાનો વધારો જરૂરી છે. જો કે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં દેશનો આર્થિક વિકાસ દર ૧૧ વર્ષના તળિયે ૪.૨ ટકા રહ્યો છે અને હવે કોરોનાના કારણે બે મહિના લાંબા લૉકડાઉનના કારણે દેશના આર્થિક વિકાસને ગંભીર ફટકો પડ્યો છે. રિઝર્વ બૅન્કના મતે આ વર્ષમાં વૃદ્ધિદર નેગેટિવ રહેશે. સોમવારે જ વર્લ્ડ બૅન્કે ભારતનો આર્થિક વિકાસ દર નેગેટિવ ૩.૨ ટકા રહે એવી આગાહી કરી છે. જો આર્થિક વિકાસ દર નબળો રહે તો કરની આવકમાં વૃદ્ધિ લગભગ અશક્ય છે.

ઇકરાના મુખ્ય અર્થશાસ્ત્રી અદીતિ નાયરે જણાવ્યું હતું કે કૉર્પોરેટ ટૅક્સ કટ અને આર્થિક મંદીના સંયુક્ત પ્રભાવથી ટોટલ ટૅક્સ કલેક્શન પર અસર પડી છે, જ્યારે સોનાના ભાવ અને ઘટતી માગને કારણે કસ્ટમ ડ્યુટીની ઓછી આવક નોંધાઈ છે. નાયરે કહ્યું અમારું અનુમાન છે કે નાણાકીય વર્ષમાં બજેટના અંદાજની તુલનામાં કેન્દ્રીય કરમાં ૩૦ ટકાનો ઘટાડો થશે.

business news indian economy