ઑગસ્ટમાં ભારતની પામતેલ આયાત 10 મહિનામાં સૌથી નીચે

09 September, 2020 02:46 PM IST  |  Mumbai | Mumbai correspondent

ઑગસ્ટમાં ભારતની પામતેલ આયાત 10 મહિનામાં સૌથી નીચે

પામતેલ

વિશ્વના ટોચના ખાદ્ય તેલ આયાતકાર ભારતની ઑગસ્ટ મહિનાની પામતેલની આયાત ઘટી ૧૦ મહિનામાં સૌથી નીચે રહી હોવાનો અંદાજ એક અગ્રણી ખાનગી સંસ્થાએ આપ્યો છે. પામતેલની આયાત ભારતમાં ઘટે તો વિશ્વના નિકાસકાર દેશો ઇન્ડોનેશિયા અને મલેશિયામાં હાજરમાં સ્ટૉક વધી શકે છે અને એના કારણે ભાવ પર દબાણ જોવા મળી શકે એવી શક્યતા નકારી શકાય નહીં.

જીજીએન રિસર્ચના મતે લૉકડાઉન ખુલ્યા પછી જુલાઈમાં પામતેલની આયાત વધી હતી. એ સમયે ત્રણ મહિનાના લૉકડાઉન બાદ હાજરમાં સ્ટૉક ઊભો કરવા માટે અને સ્થાનિક તેલીબિયાંનું બજારમાં આગમન થાય ત્યાં સુધી પુરવઠો જાળવી રાખવા માટે ખરીદી થઈ હોય એવી શક્યતા છે. જીજીએનના મતે ઑગસ્ટમાં ભારતની આયાત ૧૧ ટકા ઘટી ૭.૩૪ લાખ ટન રહી છે, જે ઑગસ્ટ ૨૦૧૯માં ૮.૫૨ લાખ ટન હતી.

પામતેલનો ઉપયોગ માત્ર ખાદ્ય તેલ તરીકે જ નહીં, પણ શેમ્પુ, સાબુ અને આઇસક્રીમની બનાવટમાં પણ થાય છે. લૉકડાઉન બાદ વૈશ્વિક અર્થતંત્ર ખૂલી રહ્યું હોવાથી છેલ્લા ત્રણ મહિનામાં તેલનો ભાવ મલેશિયામાં ૨૨ ટકા જેટલો વધ્યો હતો. બજારમાં એવી ધારણા હતી કે આયાતકાર દેશોની ખરીદી નીકળશે.

ભારતમાં પામતેલની આયાત ઘટવા માટે સ્થાનિક રીતે ખરીફ તેલીબિયાંનું જંગી વાવેતર ઉપરાંત રેસ્ટોરાંની પ્રવુત્તિ પર નિયંત્રણ હોવાનું પણ છે. રેસ્ટોરાંમાં આ તેલનો વ્યાપક ઉપયોગ થાય છે અને એ બંધ હોવાથી એની માગ ઘટી છે.

દરમિયાન, ઑગસ્ટમાં સોયાબીન તેલની આયાત પણ જુલાઈના ૪.૮૪ લાખ ટન સામે ઘટી ૩.૯૧ લાખ ટન, સનફ્લાવરની આયત ૨.૦૮ લાખ ટન સામે ઘટી ૧.૫૮ લાખ ટન રહી હોવાનો અંદાજ છે. 

business news