૨૦૨૧-’૨૨માં ભારતના વિકાસનો દર ૮.૩ ટકા રહેશે : વર્લ્ડ બૅન્ક

13 January, 2022 01:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતમાં બીજા મોજાને કારણે થયેલું આર્થિક નુકસાન હવે ભરપાઈ થઈ ચૂક્યું છે.

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં બીજા મોજાને કારણે થયેલું આર્થિક નુકસાન હવે ભરપાઈ થઈ ચૂક્યું છે અને ઉત્પાદન રોગચાળા પૂર્વેની સ્થિતિમાં આવી ગયું છે
વર્લ્ડ બૅન્કે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતનો વૃદ્ધિદર ૮.૩ ટકાના દરે વધવાની ધારણા યથાવત્ રાખી છે. ગયા જૂનમાં પણ આ જ અંદાજ આપવામાં આવ્યો હતો. 
આ વૈશ્વિક સંસ્થાએ મંગળવારે બહાર પડાયેલા તેના વૈશ્વિક આર્થિક અંદાજમાં જણાવ્યું છે કે અર્થતંત્રમાં કૉન્ટ્રૅક્ટ આધારિત સર્વિસિસ પુનઃ શરૂ થવી જોઈએ. સરકારે નાણાકીય અને રાજકોષીય ટેકો ચાલુ રાખવો જોઈએ, પણ એમાં ઉત્તરોત્તર ઘટાડો કરવામાં આવવો જોઈએ. 
ઉક્ત અહેવાલમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ માટેનો વૃદ્ધિદર વધીને અનુક્રમે ૮.૭ ટકા અને ૬.૮ ટકા રહેશે. રોકાણનું વાતાવરણ સુધરવાનો અંદાજ હોવાથી તથા ઉત્પાદન આધારિત સવલતની યોજના અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વધનારા રોકાણ એ બધાં પરિબળોને અનુલક્ષીને વિકાસદર વધવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે.  
દક્ષિણ એશિયામાં કોવિડ-19ના બીજા મોજાને પગલે સ્વાસ્થ્ય અને આર્થિક પ્રવૃત્તિઓમાં આંચકો લાગ્યા બાદ હવે આર્થિક પ્રવૃત્તિ વધી રહી હોવાનું અહેવાલમાં કહેવામાં આવ્યું છે. ભારતમાં બીજા મોજાને કારણે થયેલું આર્થિક નુકસાન હવે ભરપાઈ થઈ ચૂક્યું છે અને ઉત્પાદન રોગચાળા પૂર્વેની સ્થિતિમાં આવી ગયું છે. જોકે વૈશ્વિક અર્થતંત્રમાં કોવિડ વેરિઅન્ટની અસરને પગલે તથા ફુગાવો, કરજ અને આવકની અસમાનતા વધવાને કારણે મંદી પ્રવેશી રહી છે. વૈશ્વિક વિકાસદર ૨૦૨૧ના ૫.૫ ટકાથી ઘટીને ૨૦૨૨માં ૪.૧ ટકા અને ૨૦૨૩માં ૩.૨ ટકા રહેશે એવો અંદાજ છે. વખત જતા ઘટનારી માગને કારણે તથા સરકારે આપેલો નાણાકીય અને રાજકોષીય ટેકો પાછો ખેંચાવાને લીધે આ પરિસ્થિતિ સર્જાશે, એમ તેમાં ઉમેરવામાં આવ્યું છે.

business news