ભારતમાં સોનાની જૂનમાં આયાત 85.8 ટકા ઘટી, છ મહિનામાં 71 ટકાનો કડાકો

03 July, 2020 11:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતમાં સોનાની જૂનમાં આયાત 85.8 ટકા ઘટી, છ મહિનામાં 71 ટકાનો કડાકો

ગોલ્ડ

ભારતીય બજારમાં છેલ્લા આઠ મહિનાથી ઊંચા ભાવ અને એના કારણે ઘરેણાંની ખરીદી પર પડેલી માઠી અસરના કારણે સોનાની આયાત સતત ઘટી રહી છે. કૅલેન્ડર વર્ષ ૨૦૧૯માં સોનાની આયાત આગલા વર્ષ કરતાં ૧૨ ટકા ઘટી ૮૩૧ ટન રહ્યા બાદ કૅલેન્ડર વર્ષ ૨૦૨૦ના પ્રથમ છ મહિનામાં પણ એમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. પ્રથમ ત્રણ મહિના દરમિયાન ઊંચા ભાવ અને પછી કોરોના વાઇરસના કારણે લાદવામાં આવેલા લૉકડાઉનની અસરથી બીજા ક્વૉર્ટરમાં બજારો બંધ રહેતાં અને ગ્રાહકો ખરીદીથી દૂર રહેતાં આયાત ઘટી છે.

જૂન ૨૦૨૦માં ભારતની સોનાની આયાત ૮૬ ટકા ઘટી ગઈ છે. વિશ્વના સોનાના બીજા ક્રમના સૌથી મોટા આયાતકાર અને વપરાશકર ભારતમાં જૂન મહિનામાં માત્ર ૧૧ ટન સોનાની આયાત થ‍ઈ જે આગલા વર્ષે ૭૭.૭૩ ટન રહી હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. મૂલ્યની દૃષ્ટિએ ભારતમાં સોનાની આયાત આ વર્ષે જૂનમાં ૬૦.૮૭ કરોડ ડૉલર હતી જે આગલા વર્ષે ૨.૭ અબજ ડૉલર હતી.

લૉકડાઉનના ત્રણ મહિનામાં માર્ચમાં આયાત ૭૩ ટકા ઘટી ૨૫ ટન, એપ્રિલમાં ૯૯.૯ ટકા ઘટી માત્ર ૫૦ કિલો, મે મહિનામાં ફરી ૯૯ ટકા ઘટી ૧.૪ ટન રહી હતી.

કૅલેન્ડર વર્ષ ૨૦૧૯માં ભારતમાં સ્થાનિક સોનાના ભાવ ૧૮ ટકા જેટલા વધી ગયા હતા. દેશનો આર્થિક વિકાસ ઘટી રહ્યો અને લોકોની આવક પર અસર પડી હોવાથી માગ ઘટી હતી. આ વર્ષે છ મહિનામાં આયાત પર વધારે મોટો ફટકો પડ્યો છે. વર્ષ ૨૦૨૦ના પ્રથમ છ મહિનામાં કુલ આયાત માત્ર ૧૫૭.૧૬ ટન રહી છે જે ગયા વર્ષે ૫૪૧.૯૦ ટન રહી હતી એટલે કે ૭૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

દેશમાં લૉકડાઉનના કારણે હાજર બજારો બંધ હતાં. જેમ્સ ઍન્ડ જ્વેલરીનું ઉત્પાદન બંધ હતું. આ ઉપરાંત વિમાની સેવાઓ પણ માત્ર આવશ્યક ચીજો પૂરતી માર્યાદિત હતી એટલે સોનાની આયાતને જંગી ફટકો પડ્યો છે. કૅલેન્ડર વર્ષ ૨૦૨૦માં મૂલ્યની દૃષ્ટિએ ભારતે માત્ર ૭.૯૧ કરોડ ડૉલર સોનાની આયાત પાછળ ખર્ચ્યા છે જે ગયા વર્ષે ૮.૭૫ અબજ ડૉલર હતા. સોનાની આયાત ઘટવાના કારણે ભારતની ટ્રેડ ડેફિસિટમાં પણ ઘટાડો થશે.

business news