જૂનું સોનું વેચીને રોકડી કરવાની વૃત્તિ 7 વર્ષની ટોચે : ભારતમાં 119 ટન

31 January, 2020 10:28 AM IST  |  Mumbai

જૂનું સોનું વેચીને રોકડી કરવાની વૃત્તિ 7 વર્ષની ટોચે : ભારતમાં 119 ટન

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ

વિશ્વના બે સૌથી મોટા આયાતકાર ભારત અને ચીનને કારણે ડિસેમ્બરના અંતે કૅલેન્ડર વર્ષ ૨૦૧૯ના ચોથા ક્વૉર્ટરમાં જગતમાં સોનાની માગ ઘટી હતી. બન્ને દેશમાં ઊંચા ભાવ અને નબળો આર્થિક વિકાસ જેવાં પરિબળને કારણે ચોથા ક્વૉર્ટરમાં માગ ઘટી હતી એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આજે બહાર પડેલા અહેવાલમાં જણાવાયું છે.

ચીનમાં ગયા વર્ષની સરખામણીએ સોનાની માગ ૧૦ ટકા ઘટીને ૧૫૯૭.૭ ટન રહી હતી, જ્યારે સમગ્ર વર્ષની માગ ૭ ટકા ઘટીને ૬૩૭.૩ ટન રહી છે. બીજી તરફ ભારતમાં સોનાની માગ ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૧૭ ટકા હતી જે ૧૪૯ ટન રહી હતી એમ કાઉન્સિલે જણાવ્યું હતું.  આ બન્ને દેશને કારણે સમગ્ર વિશ્વમાં ચોથા ક્વૉર્ટરમાં માગ ૧૯ ટકા ઘટી ૧૦૪૫.૨ ટન રહી હતી, જેમાં ઘરેણાંની માગ ૧૦ ટકા ઘટીને ૫૮૪.૫ ટન અને બિસ્કિટની માગ એક ટકો ઘટી હતી. ઘરેણાંની માગ છેલ્લાં આઠ વર્ષમાં સૌથી ઓછી જોવા મળી છે.

કૅલેન્ડર વર્ષ ૨૦૧૯માં વૈશ્વિક સોનાની માગ ૪૩૫૫.૭ ટને પહોંચી છે, જે ગયા વર્ષની તુલનાએ એક ટકો ઘટી છે. પૂરું થયેલું વર્ષ બે અલગ-અલગ હિસ્સાનું મિશ્રણ હતું, જેમાં પ્રથમ ૬ મહિનામાં મોટા ભાગનાં ક્ષેત્રમાં વૃદ્ધિ જોવા મળી હતી. એનાથી વિરુદ્ધ બીજા ૬ મહિનામાં મોટા પાયે નરમાઈ જોવા મળી હતી.

વિવિધ દેશોની મધ્યસ્થ બૅન્કોની સોનાની માગ બીજા અર્ધવાર્ષિકગાળામાં ૩૮ ટકા ઘટી હતી. એનાથી વિરુદ્ધ પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ૬૫ ટકાનો વધારો જોવા મળ્યો હતો. વાર્ષિક લેવાલી ૬૫૦.૩ ટને પહોંચી છે, જે છેલ્લાં ૫૦ વર્ષની બીજી સર્વોચ્ચ સપાટી છે અને ૨૦૧૮ની તુલનામાં ફક્ત ૬ ટન જ ઓછું છે.

ગ્રાહકોએ ૭ વર્ષમાં સૌથી વધુ સોનું વેચ્યું

સોના આધારિત એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ઈટીએફ)નો ઇનફ્લોમાં સામાન્ય ટ્રેન્ડ જોવા મળ્યો હતો, જેમાં વર્ષના પ્રથમ ૯ મહિનામાં પ્રોડક્ટના હોલ્ડિંગમાં રોકાણ વધ્યું હતું. ત્રીજા ત્રિમાસિક ગાળામાં આ ક્રમાનુસાર વધારો ૨૫૫.૫ ટને પહોંચ્યો હતો. ત્યાર બાદ ઇનફ્લો ઘટીને ૨૬.૪ ટન (જે આગલા વર્ષની તુલનામાં ૭૭ ટકા ઓછું)ની સાથે ચોથા ત્રિમાસિક ગાળામાં મોમેન્ટમમાં ઘટાડો નોંધાયો હતો. સોનાનો વાર્ષિક પુરવઠો બે ટકા વધીને ૪૭૭૬ ટને પહોંચ્યો હતો. આ વિકાસ સંપૂર્ણપણે રિસાઇક્લિંગ એટલે કે ઊંચા ભાવે લોકો હાથ પર પોતાનું સોનું વેચતા જોવા મળ્યા છે. કારણ કે ખાણનું ઉત્પાદન એક ટકો ઘટીને ૩૪૩૬.૭ ટને પહોંચ્યું છે. કુલ રિસાઇકલ સોનાનો પુરવઠો વર્ષ દરમ્યાન ૧૩૪૦.૧ ટન રહ્યો છે જે ગયા વર્ષ કરતાં ૧૧ ટકા અને છેલ્લાં સાત વર્ષમાં સૌથી વધુ છે. ભારતમાં સરેરાશ ભાવ ૨૪ ટકા જેટલા ઊંચા રહ્યા હોવાને કારણે એશિયામાં સૌથી વધુ સોનું ભારતીયોએ વેચ્યું હતું. ભારતમાં ૨૦૧૯માં ગયા વર્ષ કરતાં ૧૧ ટકા વધુ ૧૧૯.૫ ટન સોનું વેચવા કાઢ્યું હતું જે પણ છેલ્લાં સાત વર્ષમાં સૌથી વધારે જોવા મળ્યું છે.

માર્કેટ ઇન્ટેલિજન્સ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના પ્રમુખ એલિસ્ટર હેવિટ જણાવે છે કે ૨૦૧૯ દરમ્યાન સોના આધારિત ઈટીએફની માગમાં તેજી આવી હતી, કારણ કે રોકાણકાર પોતાના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા ઇચ્છતા હતા અને અન્ય બજારોની અનિશ્ચિતતાઓથી બચવા માટે હેઝ કરવા માગે છે. ફ્યુચર પોઝિશનિંગમાં જબરદસ્ત તેજી સાથે આ રોકાણને કારણે ડૉલર અને સોનાની કિંમતોમાં તેજી આવી અને એ ૬ વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ. પરંતુ રોકડ રોકાણમાં આવેલી તેજીને કારણે આવનારા દિવસોમાં અમને વિશ્વાસ છે કે સોનું સુરક્ષિત રોકાણ હોવાની ખૂબી રોકાણકારોના દિમાગમાં છવાયેલી રહેશે, કેમ કે તેમને વૈશ્વિક તણાવ, ઓછી કમાણી અને ઇક્વિટીમાં મૂલ્યોનો સામનો કરવો પડશે.

business news