કટોકટીથી બચવા અર્થતંત્રમાં વધારે નાણાપ્રવાહની જરૂરિયાત છે

17 May, 2019 11:11 AM IST  |  મુંબઈ

કટોકટીથી બચવા અર્થતંત્રમાં વધારે નાણાપ્રવાહની જરૂરિયાત છે

 દેશનું અર્થતંત્ર જ્યારે મંદ પડ્યું છે, નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ (એનબીએફસી) માટે નાણાંની જરૂરિયાત વધી છે ત્યારે કટોકટી નિવારવા માટે વધારે રોકડનો પ્રવાહ જરૂરી બન્યો હોવાનું દેશના નાણાબજારની સૌથી મોટી કંપનીઓમાંથી એકે આજે જણાવ્યું હતું.

જાન્યુઆરી, ૨૦૧૯થી દેશના મની માર્કેટ (બૉન્ડ અને કૉલ મની માર્કેટ કે જેમાં બૅન્કો અને નાણાસંસ્થાઓ પોતાની તાત્કાલિક રોકડની જરૂરિયાત માટે કામકાજ કરે છે)માં રોકડની તીવ્ર અછત છે અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા હસ્તક્ષેપ કરી તેમાં નાણાપ્રવાહ ઠાલવે છે. એક અંદાજ અનુસાર સરેરાશ રૂ. ૪૮,૫૦૦ કરોડની અછત અત્યારે બજારમાં છે. ચૂંટણી ચાલી રહી હોવાથી સરકારી ખર્ચ પણ ઘટી ગયો હોવાથી આ સ્થિતિ હજુ જૂનના અંત સુધી ચાલે તેવો અંદાજ છે.

બૅન્ક સિવાય એનબીએફ્સી કૉર્પોરેટ ક્ષેત્રની ટૂંકા ગાળાની નાણાજરૂરિયાત સંતોષી રહી છે. આઇએલઍન્ડએફએસના સ્કૅમમાં ઘણી કંપની અને બૅન્કોનાં નાણાં ફસાયાં છે. આ કટોકટીના કારણે એનબીએફસીનો વ્યાજખર્ચ વધ્યો છે. આ સિવાય બીજા કૉર્પોરેટ પણ એક યા બીજાં કારણોસર દેવું પરત કરી રહ્યા નથી અથવા કરી શકે એમ નથી. એનબીએફસી માટે અત્યારે નાણાપ્રવાહ ઘટી રહ્યો છે. આ સ્થિતિમાં ઑઇલ કંપનીઓ, સ્ટીલ ઉત્પાદકો અને ખનીજ ઉત્પાદકોની નાણાજરૂરિયાત બીજું કોઈ સંતોષી શકે એમ નથી. જો એનબીએફસીની નાણાજરૂરિયાત પૂરી નહિ થાય તો સ્થિતિ બગડી જશે, એમ કોટક મહિન્દ્ર ઍસેટ મૅનેજમેન્ટનાં ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઑફિસર લક્ષ્મી ઐયર જણાવે છે.

કૅલેન્ડર વર્ષ ૨૦૧૯માં આજ સુધી માત્ર ૧૦ જ દિવસ બજારમાં નાણાપ્રવાહિતા વધારે રહી છે. બાકીના દરેક દિવસે બજારમાં માગ કરતા પુરવઠો ઓછો હોવાથી રિઝવર્‍ બૅન્ક બજારમાંથી ડેટની ખરીદી કે કરન્સી સ્વાપ કરી (ચલણની અદલાબદલી) કરી ડૉલર સામે રૂપિયો ઠાલવી રહી છે, પરંતુ આ સ્થિતિ પર્યાપ્ત નથી એમ ઐયર માને છે.

અગાઉ એક ઇન્ટરવ્યુમાં દેશના કૉર્પોરેટ અર્ફેસ સચિવ ઇન્જેતી શ્રીનિવાસે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે રોકડની અછત અને એનબીએફસીની નાણાં ધીરવાની ઘટી રહેલી શક્તિ કોઈ મોટી દુર્ઘટના માટેની યોગ્ય સ્થિતિ છે.

આ પણ વાંચોઃ મોદી સરકાર નહીં આવે તો બજાર ૧૫ ટકા સુધી ઘટી શકે એવો યુબીએસનો મત

દેશમાં અત્યારે લગભગ ૧૦,૧૯૦ એનબીએફસી કામ કરી રહી છે અને તેમનું કુલ ધિરાણ લગભગ રૂપિયા ૨૦ લાખ કરોડ જેટલું છે, જે બૅન્કોના કુલ ધિરાણ સામે પાંચમા ભાગનું છે. નાણાકટોકટીના કારણે એનબીએફસીનું ધિરાણ ડિસેમ્બર, ૨૦૧૮ના અંતે ૨૩ ટકા ઘટી ગયું છે, જેમાં સૌથી વધુ ઘટાડો કમર્શિયલ ક્ષેત્રની અપાતી લોનમાં જોવા મળ્યો છે.

business news