ભારતીય ઘઉંની નિકાસ નવી સીઝનમાં છ લાખ ટન ઘટવાનો અંદાજ

22 July, 2021 02:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુએસડીએના મતે ઘઉંની નિકાસ ૨૦૨૧-૨૨માં ૨૩ લાખ ટન થશે

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક ઘઉં બજારમાં હાલ સરેરાશ તેજી ચાલુ રહી છે, પરંતુ આગામી માર્કેટિંગ સીઝન વર્ષ ૨૦૨૧-૨૨માં ઘઉંની નિકાસ છેલ્લા વર્ષની તુલનાએ છ લાખ ટન ઘટવાનો અંદાજ યુએસડીએ (યુનાઇટેડ સ્ટેક ડિપાર્ટમેન્ટ ઑફ ઍગ્રીકલ્ચર)એ વ્યક્ત કર્યો છે.

યુએસડીએના માસિક અહેવાલમાં ભારતીય ઘઉંની નિકાસ વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૩ લાખ ટન થવાનો અંદાજ છે જે ૨૦૨૦-૨૧માં ૨૯ લાખ ટનની થઈ હતી. આમ છ લાખ ટન ઘટી શકે છે. જોકે સંસ્થાએ જૂન મહિનાના અંદાજની તુલનાએ જુલાઈના અંદાજમાં ત્રણ લાખ ટનનો વધારો પણ કર્યો છે. જૂન મહિનામાં માત્ર ૨૦ લાખ ટનની જ નિકાસ થવાનો અંદાજ મૂક્યો હતો. ભારતમાંથી વર્ષ ૨૦૧૯-૨૦માં માત્ર ૫.૯૫ લાખ ટનની નિકાસ થઈ હતી, જેની તુલનાએ નિકાસ વધી રહી છે.

યુએસડીએના મતે ભારતમાં ઘઉંનું ઉત્પાદન ૨૦૨૧-૨૨માં ૧૦.૮૦ કરોડ ટન થવાનો અંદાજ છે, જે ગત વર્ષે ૧૦.૭૮ કરોડ ટન થયું હતું. વર્ષ ૨૦૧૯-૨૦માં ઘઉંનું ઉત્પાદન ૧૦.૩૬ કરોડ ટનનું થયું હતું.

વૈશ્વિક બજારમાં ઘઉંના ભાવ હાલ બે મહિનાની ટોચે પહોંચ્યા છે. સરેરાશ ઘઉંની બજારમાં હાલ ભાવ ઊંચા છે અને જો અમેરિકા, રશિયા સહિતના દેશોમાં વાતાવરણ નહીં સુધરે તો પાક ઓછો થશે અને ભાવ ઊંચા રહેશે તો ભારતીય નિકાસ વધી પણ શકે છે.

business news