શૅરબજારના કૂદકા; બાબુજી ધીરે ચલના

12 October, 2020 06:30 PM IST  |  Mumbai | Jayesh Chitalia

શૅરબજારના કૂદકા; બાબુજી ધીરે ચલના

ફાઈલ તસવીર

શૅરબજાર વિશે એમ કહેવાય છે જ્યારે લોકો શૅરોમાં લાલસા સાથે આડેધડ રોકાણ કરવા લાગે અને તેની પાત્રતા વિના શૅરોના ભાવ ઊછળવા લાગે ત્યારે સ્માર્ટ રોકાણકારો સમજી જાય છે કે હવે બજારમાંથી બહાર નીકળી જવાનો સમય આવી ગયો છે, જ્યારે લોકો ગભરાઈને સતત અને આડેધડ માર્કેટ છોડવાનું શરૂ કરી દે છે અને ભાવ તૂટવા લાગે છે ત્યારે હોંશિયાર ઇન્વેસ્ટરો સમજવા લાગે છે કે હવે માર્કેટમાં પ્રવેશવાનો સમય આવી ગયો છે. હાલ શૅરબજારની ચાલ યા ગતિવિધિ કંઈક આવી જ હોવાનું પ્રતિત થાય છે. અત્યારે માર્કેટમાં આડેધડ રોકાણ કરી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં જ ૧૮૦૦ પૉઇન્ટ જેટલું વધી ગયું હતું.

આરંભથી જ તેજી

ગયા સોમવારે વધુ એકવાર શૅરબજારનો આરંભ પાંચસો પૉઇન્ટ જેવા ઉછાળા સાથે થયો હતો. આપણે ગયા વખતે જે વાત કરી હતી, એ મુજબ માર્કેટ આશ્ચર્યજનક વર્તન બતાવી રહ્યું છે. આ વર્તન કે વલણનો આધાર રાહત પૅકેજની આશા છે. જોકે આરંભનો ઉછાળો યુએસના સારા સંકેત આધારિત હતો, અમુક સમય બાદ લાંબો ચાલી શકયો નહોતો, સેન્સેક્સ ૩૯૦૦૦ ઉપર જઈ પાછો ફરી ગયો હતો, જેમાં પ્રોફિટ બુકિંગે ભૂમિકા ભજવી હતી. દિવસના અંતે સેન્સેક્સ ૨૭૬ પૉઇન્ટ વધીને ૩૮૯૭૩ અને નિફ્ટી ૮૬ પૉઇન્ટ વધીને ૧૧૫૦૩ બંધ રહ્યા હતા. સ્મૉલ કૅપ સ્ટૉક્સમાં સાધારણ વધારો નોંધાયો હતો. મંગળવારે બજારે ફરી નવો ઉત્સાહ દર્શાવ્યો હતો. યુએસ પ્રેસિડન્ટની તબિયત ભારતીય શૅરબજારની તબિયત પણ સુધારી રહી હોવાનું પ્રતિત કરતી ઘટના પછી સેન્સેક્સ ૬૦૦ પૉઇન્ટનો કૂદકો મારીને ૩૯૫૭૪ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૧૫૯ પૉઇન્ટના ઉછાળા સાથે ૧૧૬૬૨ બંધ રહ્યો હતો. યુએસ સ્ટિમ્યુલસ પૅકેજની પ્રગતિના અહેવાલે સેન્ટિમેન્ટમાં સુધારો નોંધાયો હતો. સોમવારની જેમ મંગળવારે પણ માર્કેટ કેપમાં સવા લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો. યુએસને પરિણામે ગ્લોબલ માર્કેટમાં તેજીનો કરન્ટ હતો. દરમ્યાન ભારતીય સર્વિસ સેક્ટરમાં પણ અનલૉકને પગલે સપ્ટેમ્બરમાં સુધારો થયો હતો. માર્કેટ બ્રેડથ પૉઝિટિવ રહી હતી. હવે બીજા ક્વૉર્ટરના પરિણામ સારા રહેવાની આશા વધી રહી હોવાથી પણ માર્કેટને બુસ્ટ મળી રહ્યું છે. બૅન્કોના કામકાજમાં પણ વધારો નોંધાયો છે.

વધુ એકવાર સેન્સેક્સ ૪૦૦૦૦ ને પાર

બુધવારે પણ માર્કેટ પૉઝિટિવ ટ્રૅન્ડ સાથે શરૂ થયું હતું. નિફ્ટી આરંભના કલાકોમાં જ ૧૧૭૦૦ના લેવલને પાર કરી ગયો હતો. જોકે અંતમાં સેન્સેક્સ ૩૦૪ પૉઇન્ટ અને નિફ્ટી ૭૬ પૉઇન્ટ વધીને બંધ રહ્યા હતા. ગુરુવારે સતત છઠ્ઠા દિવસે બજારે પૉઝિટિવ માહોલ સાથે આરંભ કરી અમુક જ કલાકમાં પાંચસો પૉઇન્ટનો જમ્પ મારી દીધો હતો. આ સાથે સેન્સેકસ ફરી એકવાર ૪૦૦૦૦ની સપાટી કુદાવી ગયો હતો. કોવિડ પહેલાંના સમયમાં ૨૫ ફેબ્રુઆરીએ સેન્સેક્સ ૪૦૦૦૦ ઉપર ગયો હતો. ગુરુવારનો સુધારો રાહત પૅકેજની અને કૉર્પોરેટ પરિણામ અને ઇકૉનૉમિક રિકવરીના સારા સંકેતની આશાને આભારી કહી શકાય. ટીસીએસના ધારણા કરતાં બહેતર પરિણામની પણ સારી અસર હતી.

રિઝર્વ બૅન્કનું બુસ્ટર

શુક્રવારે જાહેર થયેલી નાણાં નીતિએ શૅરબજારને ઉત્તેજન મળે એવા સંકેત આપ્યા હતા. રિઝર્વ બૅન્કે અર્થતંત્ર માટેના આશાવાદ સાથે પ્રવાહિતાનો સપોર્ટ કરવાની ખાતરી આપી હતી, પરિણામે બજારે રેટકટ નહીં થવા છતાં પૉલિસીને આવકારી હતી. રિઝર્વ બૅન્કે હાઉસિંગ-રિઅલ એસ્ટેટ સહિત કેટલાંક ક્ષેત્ર માટે પ્રોત્સાહક પગલાં પણ જાહેર કર્યા. નોન-બેન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ માટે પણ રાહત જાહેર કરાઈ હતી. મહત્ત્વની બાબત એ ગણાય કે હાલ નેગેટિવમાં રહેતા જીડીપી ગ્રોથ રેટને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના ચોથા ક્વૉર્ટરમાં પૉઝિટિવ વળાંક પ્રાપ્ત થશે એવો વિશ્વાસ રિઝર્વ બૅન્કે દર્શાવ્યો છે. પૉઝિટિવ સેન્ટિમેન્ટ સાથે શુક્રવારે બજાર બંધ થતી વખતે સેન્સેક્સ ૩૨૬ પૉઇન્ટ વધીને ૪૦૫૦૯ બંધ રહ્યો અને નિફ્ટી ૭૯ પૉઇન્ટ વધીને ૧૧૯૧૪ બંધ રહ્યો હતો. આમ બેન્ચમાર્ક ઇન્ડેકસે કારમા કોરોના કાળમાં નવી ઊંચી સપાટી બનાવી હતી. આ સપ્તાહમાં પ્રોફિટ બુકિંગને પગલે કરેક્શન ન આવે તો ચિંતા વધી શકે. આ લેવલે પ્રવેશવામાં જોખમ ગણવું. માર્કેટનો અત્યાર સુધીનો વધારો પૅકેજની આશા, તેને પગલે પ્રવાહિતાની છૂટ અને ક્વૉર્ટરલી પરિણામની અપેક્ષાને આધારે જ રહ્યો છે. મહામારીના ગંભીર સમયમાં ઇકૉનૉમીની દશા અને દિશા સ્પષ્ટ નથી ત્યારે શૅરબજાર ચમત્કાર પર ચાલતું હોય એવો ઘાટ જોવા મળે છે.

વધુ પડતા ઊછળેલા સ્ટૉકસથી સાવચેતી

આ દિવસોમાં એક યા બીજા કારણસર ઘણા સ્ટૉકસ ૧૦૦ ટકાથી ઉપર વધી ગયા છે, તો અનેક સ્ટૉક્સમાં ટૂંક સમયમાં ૩૦થી ૫૦ ટકાની વૃદ્ધિ થઈ છે. આવા સ્ટૉક્સ સામે વધુ સાવેચત રહેવાની જરૂર છે. ખાસ કરીને ડબલ થઈ ગયેલા ભાવ જેમણે તેનો લાભ લઈ લીધો એમની માટે સારા સમાચાર છે, પરંતુ હવે જે ખરીદવા માગતા હોય તેમની માટે ચિંતા અને જોખમનો વિષય ગણાય.

મહત્તમ પ્રવાહિતાના જોરે ચાલી રહેલા માર્કેટમાં રોકાણકારોએ સાવચેત રહેવાની જરૂર વિશેષ બનતી જાય છે. પેનિક થવા કરતાં પ્રિપર્ડ અને અલર્ટ રહેવું વધુ સલાહભર્યું છે. કયા લેવલથી પ્રોફિટ બુકિંગ કરી લેવું એ સમજવાની આવડત ધરાવનાર સ્માર્ટ ઇન્વેસ્ટર વિનર રહેશે. બીજા ક્વૉર્ટરના પરિણામ સારા રહેવાની આશાએ જેમના ભાવ વધી રહ્યા છે એવા શૅર્સમાં જો ધાર્યું પરિણામ ન આવ્યું તો વેચવાલી આવી શકે છે.

કપરા સમયમાં મૂડીસર્જનનો વિક્રમ

એપ્રિલથી સપ્ટેમ્બરના આ છ મહિનામાં, ખાસ કરીને કોવિડ-19ના આ કપરા સમયમાં ભારતીય કંપનીઓએ ઇક્વિટી મારફત ૧.૪૯ લાખ કરોડ રૂપિયા ઊભા કર્યા છે. કંપનીઓને મળી રહેલી આ સફળતાનો આધાર નીચા વ્યાજદર અને ભરપૂર પ્રવાહિતા હોવાનું સમજાય છે. માત્ર સપ્ટેમ્બર અંતના એક ક્વૉર્ટરમાં પણ જોવામાં આવે તો ઇક્વિટી માર્કેટે ૮૨,૭૫૬ કરોડ રૂપિયાનું કલેકશન કર્યું છે, જે પ્રાઇમરી માર્કેટના ઇતિહાસમાં એક ક્વૉર્ટરમાં ઊભી કરાયેલી મૂડીની દૃષ્ટિએ સૌથી ઊંચું છે. ચાલુ નાણાકીય વર્ષના બાકીના છ મહિનામાં પણ ઊંચી રકમ ઊભી કરાય એવી શક્યતા છે.

યુએસ ચૂંટણી અને ભારતીય માર્કેટ

છેલ્લા અમુક સમયથી ભારતની નજર યુએસ પ્રેસિડન્ટ ઇલેકશન પર પણ મંડાઈ છે, જે નવેમ્બરમાં યોજાવાનું છે. અત્યાર સુધીનો અભ્યાસ કહે છે, યુએસ ચૂંટણીમાં કોઈ પણ પરિણામ આવે ભારતને તેની વિપરીત અસર થતી નથી, ઉપરથી ભારતીય માર્કેટ ઇલેક્શન પહેલાં અને બાદ પણ નોંધપાત્ર વધ્યું હોવાનું પાંચમાંથી ચાર કેસમાં નોંધાયું છે. આ વધારો ૩ ટકાથી ૧૪ ટકા જેટલો રહ્યો હતો. જોકે આ વખતે ભારતમાં એવું બન્યું છે કે ઇલેકશન પહેલાં માર્કેટ ઓલરેડી વીતેલા છ મહિનામાં પચાસ ટકા જેવું ઊંચું ગયું છે. ભારતીય માર્કેટ જિઓપોલિટિકલ સિચ્યુએશનથી અસર જરૂર પામે છે, પણ તેની અસર લાંબી કે બહુ ગંભીર રહેતી નથી.

business news sensex nifty bombay stock exchange national stock exchange jayesh chitalia