સેન્સેક્સ - નિફ્ટીમાં જોવાયો તીવ્ર ઉછાળો

23 April, 2020 10:34 AM IST  |  Mumbai | Stock Talk

સેન્સેક્સ - નિફ્ટીમાં જોવાયો તીવ્ર ઉછાળો

ભારતીય શૅર બજાર

એશિયા અને યુરોપનાં શૅરબજાર આજે ક્રૂડ ઑઇલના ભાવમાં ઘટાડા અને કોરોના વાઇરસની ચિંતાઓ અવગણી વધ્યા હતા અને તેની અસરથી ભારતની બજારને પણ ટેકો મળ્યો હતો, પણ આજે ભારતીય બજારમાં તેજી માટે – બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીની તેજી માટે સૌથી મોટું પરિબળ હતું ઇન્ડેક્સ હેવીવેઈટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. કંપની પોતાનું દેવું ઘટાડવા અને પોતાના બિઝનેસને વધારે મજબૂત કરવા માટે આજે એક મહત્વની જાહેરાત કરી હતી કે ફેસબુકે તેમાં હિસ્સો ખરીદ્યો હોવાથી શૅરમાં તેજી જોવા મળી હતી. આ તેજીના સહારે સેન્સેક્સ અને નિફ્ટી પણ ભારે વૃદ્ધિ સાથે બંધ આવ્યા હતા.

આજે સેન્સેક્સ ૭૪૨.૮૪ પૉઇન્ટ કે ૨.૪૨ ટકા વધી ૩૧૩૭૯.૫૫ અને નિફ્ટી ૨૦૫.૮૫ પૉઇન્ટ  કે ૨.૨૯ ટકા વધી ૯૧૮૭.૩૦ની સપાટીએ બંધ આવ્યા હતા. અન્ય ઇન્ડેક્સ અને શૅરમાં વૃદ્ધિથી સ્પષ્ટ હતું કે આજનું ટ્રેડિંગ માત્ર કેટલીક પસંદગીની કંપનીઓ ઉપર કેન્દ્રિત હતું. આજનો બજારનો ઉછાળો સાર્વત્રિક ખરીદીને આભારી નથી. બીએસઈ મિડ કૅપ અને સ્મૉલ કૅપમાં સામાન્ય વૃદ્ધિ હતી અને એવી જ રીતે વધેલા કરતાં ઘટેલા શૅરોની સંખ્યા વધારે હતી.

સેન્સેક્સ અને નિફ્ટી ઊછળ્યા હોવા છતાં વિદેશી સંસ્થાઓની વેચવાલી ચાલુ રહી હતી. આજે વિદેશી સંસ્થાઓએ ૧૩૨૬ કરોડના શૅર વેચ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાઓએ ૮૬૩ કરોડ રૂપિયાની ખરીદી કરી હતી.

નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ઉપર આજે મીડિયા, ઑટો અને એફએમસીજીની આગેવાની હેઠળ આઠ ક્ષેત્રોમાં તેજી હતી. ફાર્મા, રીઅલ એસ્ટેટ અને સરકારી બૅન્કોમાં ઘટાડો જોવા મળ્યો હતો. એક્સચેન્જ ઉપર ૧૧ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૨૨ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૦૧ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૧૯૫માં મંદીની સર્કિટ જોવા મળી હતી.

બીએસઈ ઉપર ૨૮ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૮૫ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૩૧૮ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૨૩૯માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૨.૯૬ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૨.૭૩ ટકા ઘટીને બંધ આવ્યા  હતા. બુધવારે બૉમ્બે એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઈઝેશન ૨,૧૨,૮૬૭ કરોડ વધી  ૧૨૨.૫૫ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

ચાર કંપનીઓના કારણે સેન્સેક્સ અને નિફ્ટી ૬૭ ટકા વધ્યા

આજે સેન્સેક્સ અને નિફ્ટીના ઉછાળા માટે ચાર કંપનીઓ જવાબદાર હતી. રિલાયન્સના કારણે સેન્સેક્સ ૩૮૩ અને નિફ્ટી ૧૦૭, હિન્દુસ્તાન યુનિલીવરના કારણે સેન્સેક્સ ૪૭ અને નિફ્ટી ૧૨, એશિયન પેઈન્ટના કારણે સેન્સેક્સ ૩૭ અને નિફ્ટી ૧૦ અને ટીસીએસના કારણે સેન્સેક્સ ૩૪ અને નિફ્ટી ૮ પૉઇન્ટ વધ્યા હતા. આ ચાર કંપનીઓના કારણે સેન્સેક્સ ૫૦૧ અને નિફ્ટી ૧૩૭ પૉઇન્ટ ઊછળ્યા હતા.

બજારમાં જેમ કેટલીક ચોક્કસ કંપનીઓના કારણે જ તેજી જોવા મળી હતી એમ રોકાણકારોની સંપત્તિની વૃદ્ધિમાં પણ રિલાયન્સનો સિંહફાળો હતો. રિલાયન્સનું માર્કેટ કૅપ આજે એક જ દિવસમાં ૮૦,૬૯૯ કરોડ રૂપિયા વધ્યું હતું જે બજારમાં આજની કુલ વૃદ્ધિમાં ૩૮ ટકા જેટલું થાય છે.

ફેસબુકની હિસ્સેદારીથી રિલાયન્સમાં તેજી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટા કંપની રિલાયન્સ પ્લૅટફૉર્મમાં વિશ્વની અગ્રણી ટેક કંપની ફેસબુકે આજે ૪૩,૫૭૪ કરોડ રૂપિયા રોકી ૯.૯૯ ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી. રિલાયન્સ પ્લૅટફૉર્મ પોતે ડિજિટલ અૅપ બનાવે છે અને દેશમાં ૪-જી સેવાઓ ચલાવતી રિલાયન્સ જિયો ઇન્ફોકોમની માલિક છે. આ હિસ્સેદારીના વેચાણથી પ્લૅટફૉર્મનું બજાર મૂલ્ય ૪.૬૨ લાખ કરોડ રૂપિયા જેટલું ગણી શકાય. મંગળવારે બંધ રહેલા શૅરબજારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું કુલ બજાર મૂલ્ય ૭,૮૩,૫૬૮ કરોડ રૂપિયાનું હતું. આ સોદાના કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેની મીડિયા કંપનીઓના શૅરમાં ભારે તેજી આવી હતી. આજે રિલાયન્સના શૅર ૧૦.૩૦ ટકા વધી ૧૩૬૩.૩૫ રૂપિયા બંધ આવ્યા હતા. આ ઉપરાંત મીડિયા કંપનીઓ ટીવી૧૮ બ્રોડકાસ્ટ ૧૯.૮૩ ટકા વધી ૨૦.૫૫ અને નેટવર્ક૧૮ ૯.૭૯ ટકા વધી ૨૩.૫૫ બંધ રહ્યા હતા.

નીચા મથાળે બૅન્કિંગમાં ખરીદી

મંગળવારે ૫.૪૨ ઘટેલા નિફ્ટી બૅન્કમાં આજે પણ શરૂઆતમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી બૅન્ક આજે ૨૫૫ પૉઇન્ટ ઘટ્યો હતો અને પછી નીચલા મથાળેથી ૭૫૫ પૉઇન્ટ વધી ગયો હતો. દિવસના અંતે નિફ્ટી બૅન્ક ૧.૫૧ ટકા વધીને બંધ આવ્યો હતો. રિઝર્વ બૅન્કે ટાર્ગેટેડ ટર્મ રેપોની શરતોમાં કેટલાક ફેરફાર કર્યા હતા. બૅન્કોને રકમના રોકાણ માટે ૩૦ના બદલે ૪૫ દિવસની છૂટ આપી હતી અને એક જ કંપનીમાં ૧૦ ટકા રોકાણ કરવાની છૂટ કાઢી નાખી હતી. આ જાહેરાત બાદ બૅન્કિંગમાં ખરીદી જોવા મળી હતી.  આજે ઇન્ડસઇન્ડ બૅન્ક ૩.૮ ટકા વધી ૪૧૬.૧, એક્સીસ બૅન્ક ૩.૦૫ ટકા વધી ૪૩૩.૫, કોટક મહિન્દ્ર બૅન્ક ૨.૬૮ ટકા વધી ૧૧૬૦.૪૦, ફેડરલ બૅન્ક ૨.૩૧ ટકા વધી ૪૪.૩૫, બંધન બૅન્ક ૨.૨૩ ટકા વધી ૧૯૯.૭, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૬૮ ટકા વધી ૧૮૭.૮૫, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૪ ટકા વધી ૩૩૬.૫, આઇડીએફસી ફર્સ્ટ ૧.૨૭ ટકા વધી ૨૪, એચડીએફસી બૅન્ક ૦.૮૮ ટકા વધી ૯૨૯.૭૫ અને પંજાબ નૅશનલ બૅન્ક ૦.૪૮ ટકા વધી ૩૧.૨૫ રૂપિયા બંધ આવ્યા હતા.

ભારે ઘટાડા બાદ ઑટોમાં વેલ્યુ બાઈંગ

આગળના બે સત્રમાં ભારે વેચવાલી બાદ આજે ઑટો કંપનીઓમાં ખરીદી જોવા મળી હતી. નીચા મથાળે ખરીદી કરી ટ્રેડર્સ દ્વારા વેલ્યુ બાઈંગના કારણે નિફ્ટી ઑટો ૨.૫૧ ટકા વધ્યો હતો. આગલા બે સત્રમાં તેમાં ૬.૬૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીઓમાં મારુતિ સુઝુકી ૩.૬૦ ટકા, એસ્કોર્ટસ ૩.૩૭ ટકા, હીરો મોટોકોર્પ ૩.૩૪ ટકા, મહિન્દ્ર અૅન્ડ મહિન્દ્ર ૨.૪૭ ટકા, બજાજ ઑટો ૨.૩૨ ટકા, અશોક લેલેન્ડ ૧.૯૩ ટકા, આઇશર મોટર્સ ૧.૫૪ ટકા અને તાતા મોટર્સ ૧.૫૪ ટકા વધ્યા હતા.

અન્ય શૅરોમાં વધઘટ

કોટક મહિન્દ્ર બૅન્ક ૬.૫૦ કરોડ શૅર વેચી મૂડી ઊભી કરશે એવી જાહેરાતથી શૅરના ભાવ ૧.૮૨ ટકા વધ્યા હતા. નફો ૬.૬ ટકા અને વેચાણ ૧૦.૮ ટકા ઘટ્યા પછી પણ સિમેન્ટ કંપની એસીસીના શૅર આજે ૮.૩૩ ટકા વધ્યા હતા. સ્ટીલનું ઉત્પાદન વધારે અને વેચાણ ૧૪.૬ ટકા ઘટ્યું હોવા છતાં તાતા સ્ટીલના શૅર આજે ૦.૯૪ ટકા વધ્યા હતા. આઇડીબીઆઇ સાથેના વીમા કંપનીઓના સંયુક્ત સાહસમાં હિસ્સો વધારશે એવી જાહેરાત સાથે ફેડરલ બૅન્કના શૅર ૨.૩૦ ટકા વધ્યા હતા. એસબીઆઇ લાઇફ ઇન્સ્યુરન્સના શૅર ડેરિવેટિવ્ઝ સેગ્મેન્ટમાં મે મહિનાથી ઉપલબ્ધ બનશે એવી જાહેરાત સાથે કંપનીના શૅર આજે ૪.૯૭ ટકા વધ્યા હતા. 

business news sensex nifty bombay stock exchange national stock exchange