શૅરબજાર ફુગ્ગો બનતો રહેશે તો ક્યારેય ફૂટી શકશે, સાવચેત રહેવામાં શાણપણ!

08 March, 2021 09:59 AM IST  |  Mumbai | Jayesh Chitalia

શૅરબજાર ફુગ્ગો બનતો રહેશે તો ક્યારેય ફૂટી શકશે, સાવચેત રહેવામાં શાણપણ!

બીએસઈ

શૅરબજારની કૂકરી ગાંડી થઈ છે એમ તો ન કહી શકાય, પરંતુ એ પ્રમાણભાન ભૂલી છે. છેલ્લા ૧૨ મહિનાથી તેણે રોકાણકારોના દિમાગના ૧૨ વગાડી દીધા છે. સાવ જ ન સમજાય એવું વર્તન બતાવી રહ્યું છે બજાર. આ સમય રોકાણકારો માટે જ્યાં અને જેટલું સંભવ હોય એટલું તેમના પોર્ટફોલિયોને ડાઇવર્સિફાઈ કરવાનો છે. માત્ર અને માત્ર શૅરોમાં ખોવાઈ જનાર અને આડેધડ ચાલી રહેલી તેજીમાં અટવાયેલા રહેનાર રોકાણકારોનો ફુગ્ગો ગમે ત્યારે ફૂટી શકે છે, કારણ કે બજાર પણ ફુગ્ગો બનતું જાય છે, એ ક્યારે ફૂટશે એ હાલ કહેવું કઠિન છે, પણ ફુગ્ગાની ફૂલવાની સીમા તો હોય જ છે. આટલી વાત સમજી લેનાર રોકાણકારો આ બજારમાં સંયમ અને સાવચેતી સાથે સારી કમાણી કરી શકશે તેમ જ અન્ય સાધનોમાં પણ રોકાણ કરી જોખમનું સંચાલન પણ કરી શકશે. યાદ રહે, માર્કેટ પાસે આજની તારીખમાં નક્કર બહુ ઓછું છે અને અધ્ધર ઘણું છે.

આર્થિક રિકવરીની ઝલક, બજેટનાં પગલાં, પ્રવાહિતાનો ભરપૂર પુરવઠો, ગ્લોબલ સંજોગો-સંકેતોની સતત બદલાતી સ્થિતિ, રોકાણકારોમાં તેજીને જોઈ માર્કેટ તરફ વધતું આકર્ષણ, વિદેશી રોકાણકારોનો અવિરત મૂડીપ્રવાહ, કંપનીઓનાં ક્વૉર્ટરલી સારાં પરિણામ વગેરે પરિબળો ચોક્કસ સારી બાબત છે, પરંતુ આ બાબતો સેન્ટિમેન્ટને બુસ્ટ કરે છે, હજી એમાં ફન્ડામેન્ટલ્સનાં ફળો પાક્યાં નથી. બજારનો સ્વભાવ હોય છે કે એ સમાચારોને પહેલેથી ડિસ્કાઉન્ટ કરી નાખે છે, જ્યારે એ સમાચાર ઘટના બને છે ત્યારે એની અસર ખાસ વર્તાતી નથી. અહીં ઘણી બાબતો ટૂંકજીવી (શૉર્ટ ટર્મ) હોય છે. સપ્તાહની શરૂઆત ઉછાળાથી ગયા શુક્રવારે ૨૦૦૦ પૉઇન્ટના કડાકા બાદ નવા સપ્તાહમાં માર્કેટ કરેક્શન આગળ વધારશે એવી ધારણા પાક્કી હતી. એટલું જ નહીં, કરેક્શનનો સમય પણ છે અને કરેક્શન જરૂરી પણ છે. તેમ છતાં, ગયા સોમવારે માર્કેટ પૉઝિટિવ ગૅપથી ખુલ્યું અને શરૂના બે કલાકમાં તો સેન્સેક્સ ૮૦૦ પૉઇન્ટ ઊછળી પણ ગયો હતો. ઘટાડામાં ખરીદવાનો વિચાર કરનારા ડઘાઈ ગયા અને પાછા વિચારતા રહી ગયા હતા. એટલે જ કહેવાય છે કે શૅરબજારને ટાઇમિંગથી કોઈ સમજી શકતું નથી, એ ગમે ત્યારે કંઈ પણ રિઍક્ટ કરે. આપણને નક્કી મંદી લાગતી હોય અને એ ભળતી જ તેજી કરે, જ્યારે તેજી પાક્કી લાગતી હોય ત્યારે મંદી કરી નાખે.

સ્થાનિક સ્તરે આગલા સપ્તાહના અંતિમ દિવસે જીડીપીના આંકડા પૉઝિટિવ આવ્યા બાદ સોમવારે પર્ચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સમાં સુધારો નોંધાતાં પૉઝિટિવ અસર થઈ હતી, જે આર્થિક રિકવરીની સાક્ષી પૂરતું પરિબળ ગણાય. ઉત્પાદન વધી રહ્યું છે, માલોની ખપત વધી રહી છે. બીજી બાજુ યુરોપ માર્કેટમાં પણ બૉન્ડ માર્કેટ વધતી અટકીને ઇક્વિટી માર્કેટ સુધરી હતી. કોવિડ-19નો વૅક્સિન કાર્યક્રમ જોશપૂર્વક ચાલી રહ્યો છે. સોમવારે ટોચની ખાનગી બૅન્કોની તેજીના આધારે અને ઇન્ફોસિસને સહારે સેન્સેક્સ ૫૦,૦૦૦ને વટાવી પાછો ફર્યો હતો. જોકે બજારના અંતે એ ૭૫૦ પૉઇન્ટની ઊંચી રિકવરી સાથે ૪૯,૮૫૦ બંધ રહ્યો અને નિફ્ટી ૨૩૨ પૉઇન્ટના સુધારા સાથે ૧૪,૭૬૧ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ હતી કે આ તેજી બ્રોડબેઝ્ડ બનતી ગઈ છે, જેને લીધે સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉક્સમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો, જેને સારી-તંદુરસ્ત નિશાની કહી શકાય.

માર્કેટને ગોલ્ડન ફિગર ગમે છે

મંગળવારે પણ બજારે સુધારા અને સખત વૉલેટિલિટી સાથે શરૂઆત કરી સેન્સેક્સને ૫૦,૦૦૦ની ઉપર લઈ જવાની ભૂમિકા ભજવી હતી. લાગે છે આ ગોલ્ડન આંકડો માર્કેટને પસંદ પડી ગયો છે યા માફક આવી ગયો છે. એશિયન માર્કેટમાં ઇન્ફ્લેશનનો ભય ઓછો થતાં માર્કેટમાં બુલિશ ટ્રેન્ડ બન્યો હતો. સ્થાનિક સ્તરે ક્રિસિલે ભારતીય ઇકૉનૉમીની રિકવરી માટે અને ધિરાણમાં પણ વધારો થવાનો આશાવાદ વ્યક્ત કરતાં વધુ એક પૉઝિટિવ પરિબળ સામે આવ્યું હતું, જેને પરિણામે સેન્સેક્સ ૪૪૭ પૉઇન્ટ વધીને ૫૦,૦૦૦ ઉપર બંધ, જ્યારે નિફ્ટી ૧૫૭ પૉઇન્ટના વધારા સાથે ૧૫,૦૦૦ નજીક બંધ રહ્યો હતો.

ફરી વાર ૫૧,૦૦ અને ૧૫,૦૦૦

બુધવારે પણ માર્કેટ ઉછાળા સાથે ખુલ્યું હતું. નિફ્ટી પુનઃ એક વાર ૧૫,૦૦૦ ક્રૉસ કરી ગયો હતો. વૅક્સિનેશન ઝુંબેશ, પૉઝિટિવ ઉત્પાદન ડેટા, ગ્રોથ અને બુલિશ સેન્ટિમેન્ટ સાથે વિદેશી રોકાણકારોની નેટ લેવાલી ચાલુ રહી હતી. સેન્સેક્સ છેલ્લા અમુક સમયમાં જ ઝડપથી ૧૧૪૮ પૉઇન્ટ વધીને ૫૧,૦૦૦ ઉપર તેમ જ નિફ્ટી ૩૨૬ પૉઇન્ટ વધીને ૧૫,૦૦૦ ઉપર બંધ રહ્યો હતો. મહત્ત્વની વાત એ હતી કે માર્કેટ સર્વાંગી તેજીમાં રહ્યું છે. અર્થાત્ સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉક્સ બન્નેમાં તેજીનો દોર ચાલુ રહ્યો હતો. ખાસ તો રિલાયન્સ અને ખાનગી બૅન્કોના જોરે ઇન્ડેકસ ઊછળ્યો હતો. દરમ્યાન નવા ખૂલી રહેલા ઇશ્યુને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આમ માર્કેટ ભરપૂર પ્રવાહિતા સાથે ખરીદીમાં જ મહત્તમ રસ લઈ રહ્યું છે.

કરેક્શન આવતું રહે એ સારું

જોકે ગુરુવારે બજારે ફરી કરેક્શનનાં દર્શન કરાવ્યાં. મજાની વાત એ છે કે હાલમાં તો ૫૦૦થી ૧૦૦૦ પૉઇન્ટની વધઘટ કૉમન થવા લાગી છે. ગુરુવારે કરેક્શનમાં નોંધનીય વાત એ જોવા મળી કે સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉક્સમાં તેજીનો ટ્રેન્ડ ચાલુ રહ્યો હતો. અર્થાત્ જે કંઈ કડાકા યા ઉછાળા છે એ લાર્જ કૅપ યા ઇન્ડેક્સ સ્ટૉક્સના વધુ રહ્યા હતા. પ્રૉફિટ-બુકિંગ ઉપરાંત અમેરિકન બૉન્ડ યીલ્ડની અસરથી સેન્સેક્સ ૫૯૯ પૉઇન્ટ તૂટીને અને નિફ્ટી ૧૬૫ પૉઇન્ટ ઘટીને બંધ રહ્યા હતા. શુક્રવારે બજારે ભારે વધઘટ સાથે કરેક્શન ચાલુ રાખ્યું હતું. બૉન્ડ માર્કેટના ઊપજને કારણે ગ્લોબલ માર્કેટ ઘટતાં ભારતીય બજાર પણ નીચે ગયું હતું. વિદેશી રોકાણકારો અહીંથી ભંડોળ પાછું ખેંચતાં વેચવાલીને પગલે સેન્સેક્સ ૪૪૦ પૉઇન્ટ અને નિફ્ટી ૧૪૨ પૉઇન્ટ નીચે આવ્યા હતા. જોકે સેન્સેક્સે ૫૦,૦૦૦ની ઉપર બંધ જાળવી રાખ્યો હતો, જ્યારે નિફ્ટી ૧૫,૦૦૦થી સાધારણ નીચે ગયો હતો. માર્કેટ કૅપમાં સવાબે લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું. આમ સપ્તાહમાં પ્રથમ ત્રણ દિવસ માર્કેટ વધ્યું અને બાકીના બે દિવસ ઘટ્યું હતું. ખરેખર તો આને કરેક્શન કહેવાય નહીં. તેમ છતાં, ઘટાડો આવકાર્ય છે. બજાર પાસે કોઈ નક્કર ટ્રિગર ન હોવાથી એનું ધ્યાન ગ્લોબલ સંજોગો-સંકેતો પર છે અને એની ચાલને એ ફૉલો કરે છે. અમુક રાજ્યોમાં ચૂંટણી આવી રહી હોવાથી સરકાર તરફથી અવસર જોઈ કોઈ પૉઝિટિવ જાહેરાત થાય તો નવાઈ નહીં. પેટ્રોલ-ડીઝલના ભાવ ચિંતા અને વિવાદનો વિષય રહ્યા છે, એ મામલે કંઈક રાહત અપેક્ષિત છે. દરમ્યાન નવા ઇશ્યુમાં રોકાણની તક લઈ શકાય. દરેક મોટા કડાકામાં ઇન્ડેક્સ સ્ટૉક્સમાં ખરીદી કરી શકાય. આગામી સપ્તાહમાં અમેરિકન ફેડરલ રિઝર્વની મીટિંગનું પરિબળ કામ કરશે. બાકી કભી વધ અને કભી ઘટ ચાલુ રહેશે.

મહિલાઓ સ્માર્ટ ઇન્વેસ્ટર શા માટે હોય છે?

આજે મહિલા દિન નિમિત્તે ઇન્વેસ્ટર તરીકે મહિલા ઇન્વેસ્ટરની વાત કરીએ. બચત-રોકાણની બાબતે તેમની પાસેથી ઘણું શીખવા-સમજવા જેવું હોય છે. છેલ્લા એકાદ દાયકાથી મહિલાઓ શૅરબજારમાં વધુ સક્રિય થઈ છે, ઇન્વેસ્ટર તરીકે અને ટ્રેડર તરીકે પણ. જોકે તેમનામાં ઝટપટ નાણાં કમાઈ લેવાની, સટ્ટો કરવાની મનોવૃત્તિ નહીંવત્ યા ઓછી હોય છે. મહિલાઓનો બેઝિક સ્વભાવ કરકસરનો હોવાથી તેઓ સંયમપૂર્વક અને સાવચેતી સાથે રોકાણ કરવાની નીતિ ધરાવે છે. જેમ ઘરખર્ચ બાબતે મહિલા બજેટિંગ કરીને ઓછી આવકમાં પણ મૅનેજ કરી લે છે એમ રોકાણજગતમાં મહિલા જોખમ લેવામાં કોઈ અતિરેક કરતી નથી, તેના માનસમાં જુગારવૃ‌ત્ત‌િ નહીંવત હોય છે. મહિલાઓ આજે ફાઇનૅન્શિયલ સેક્ટરમાં પણ અગ્રેસર થવા લાગી છે, જ્યાં એક સમયે પુરુષોનું જ વર્ચસ્વ રહેતું હતું. મહિલા દિન નિમિત્તે મહિલાઓને પ્રણામ.

sensex nifty business news bombay stock exchange national stock exchange jayesh chitalia