ચાઇના, અમેરિકા અને યુરોપના ત્રિદેવ દુનિયાને મંદીમાં ડૂબવા નહીં દે

14 June, 2021 01:16 PM IST  |  Mumbai | Biren Vakil

રૂપિયો 73ના સ્તરે ટકી રહ્યો છે અને ભાવ ​ફિક્સ રેટ માર્કેટ જેવા થઈ ગયા છે

કરન્સી

અમેરિકામાં વપરાશી ફુગાવો જબરદસ્ત વધી રહ્યો છે. મે માસમાં ફુગાવો પાંચ ટકા થઈ ગયો, જે જુલાઈ ૧૯૯૨ પછીની સર્વોચ્ચ સપાટી છે. ફેડના લક્ષ્યાંક કરતાં એ ઘણો ઊંચો કહેવાય. ગ્રાઉન્ડ લેવલે તો ફુગાવો ઘણો-ઘણો અંદરસ્ટેટેડ દેખાય છે. એ સિવાય વીકલી જૉબલેસ ક્લેમમાં પણ જબરદસ્ત ઘટાડો આવીને જૉબલેસ ક્લેમ ૧૫ માસની નીચી સપાટીએ જતા રહ્યા છે. જૉબ માર્કેટની રિકવરી અભૂતપૂર્વ છે, અકલ્પનીય છે. સાથે-સાથે ધારણા કરતાં વહેલું અનલૉકડાઉન આવી જતાં અને કોરોના કાબૂમાં આવી જતાં ટ્રાવેલ, ટૂરિઝમ, લકઝરી જેવાં ફૅક્ટર બાઉન્સબૅક થયાં છે અને અર્થતંત્રની ગાડી આમ પણ રૉકેટ વેગે જઈ રહી છે એમાં ઑર સુધારો થશે. અમેરિકન જીડીપી આમ પણ ૬ ટકાનો વિકાસદર વટાવી ચૂકી છે, પણ જૉબલેસ ડેટા અને વપરાશી ફુગાવાનો ટ્રેન્ડ લક્ષમાં લઈએ તો નૉમિનલ જીડીપી ગ્રોથ આગામી બે-ત્રણ વર્ષમાં કદાચ ૮ ટકા જેવો પણ થઈ જાય. ફેડે અત્યાર સુધી વિસ્તરણકારી નાણાનીતિ અપનાવી છે. હવે બાઇડેન સરકાર રાજકોષીય નીતિમાં પણ આવું જ આક્રમક ઢીલું મૉડલ અપનાવવા માગે છે એટલે ફિસ્કલ પ્લસ મૉનિટરી એમ ડબલ બૂસ્ટર ડોઝ આવી રહ્યો છે. આ સંજોગોમાં બજારો બહેકી ન જાય તો જ નવાઈ કહેવાય. 

શૅરબજારોમાં દરેક સપ્તાહે નવા-નવા ભાવો થતા જાય છે. ટેક્નૉલૉજી શૅરોમાં ફરી પાછું મોમેન્ટમ આવ્યું છે અને ભાવમાં આટલી મોટી તેજીની સાથે અર્નિંગ ગ્રોથ એટલો જ સારો રહ્યો છે એટલે અમેરિકી શૅરો હજી પણ બહુ મોંઘા નથી લાગતા. ઘણાખરા ઓલ્ડ ઇકૉનૉમી સ્ટૉક જેવા કે માઇનિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ વગેરેમાં સારી તેજી છે. મેટલ અને સોનાની તેજીને કારણે માઇનિંગ બહુ વર્ષો પછી હૉટ ફેવરિટ બન્યા છે.

અન્ય ઍસેટ બજારોમાં ખાસ કરીને ટૉક ઑફ ટાઉન બીટકૉઇન માટે આ સપ્તાહ પણ ફરી એક વાર ઝાટકા સમાન હતું. તાજેતરમાં નિયામી બીટકૉઇન કૉન્ફરન્સ બહુ જાજરમાન રહી હતી, ગ્લૅમરથી ભરપૂર રહી હતી, પણ એમાં બીટકૉઇનને કોઈ ફાયદો થયો નહીં. એલન મસ્કે બીટકૉઇન નેગેટિવ ટ્વીટ કર્યા બાદ રોકાણકારોનો મોહભંગ થઈ રહ્યો છે. રીટેલ ઇન્વેસ્ટરો હજી નશામાં છે. આ સપ્તાહે રેગ્યુલેટરી ઝાટકા સમાન નિર્ણય એવો છે કે બૅન્ક ઑફ ઇન્ટરનૅશનલ સેટલમેન્ટે બીટકૉઇનને સટ્ટાકીય માધ્યમ ગણાવ્યું છે અને એને ઍસેટ ન ગણી શકાય એમ કહ્યું છે. જો બીટકૉઇનના ભાવ ઘટી જાય અથવા તો બીટકૉઇન નેસ્તનાબૂદ થઈ જાય તો એ સંજોગોમાં શું થઈ શકે એની કલ્પના કરવી મુશ્કેલ છે.

મુખ્ય કરન્સીની વાત કરીએ તો ડૉલર સ્ટાર પર્ફોર્મર રહ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ ૯૦.૫૮ બંધ રહ્યો હતો અને યુરો અને પાઉન્ડ માટે સપ્તાહ કમજોર હતું. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે વ્યાજદર શૂન્ય સ્તરે જાળવી રાખ્યા હતા. ઈસીબીના એક નંબર ક્લાસે હાલના સંજોગો જોતાં હજી લાંબો સમય વ્યાજદર શૂન્ય રાખવા પડશે. ઈસીબીના ડોવીસ વિધાન પછી યુરો ૧.૨૧ નીચે જતો રહ્યો હતો. પાઉન્ડમાં પણ નરમાઈ હતી. ડેલ્ટા વેરિયન્ટના કેસ વધતાં ૨૧ જૂનથી શરૂ થનારું અનલૉકડાઉન પૂરેપૂરું અમલી નહીં બની શકે એટલે પણ થોડી વેચવાલી હતી. જોકે એકંદરે યુરોપમાં કોરોના ઘણો કાબૂમાં છે અને આર્થિક ગતિવિધિ ઘણી તેજ છે. બહુ લાંબા સમય પછી યુરોપિયન માઇનિંગ શૅરોમાં દમદાર તેજી છે. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટર, ફૅશન, લક્ઝરી હાઈ-એન્ડ પ્રૉપર્ટી વગેરેમાં જોરદાર તેજી છે. ટૂંકમાં એવું કહી શકાય કે યુરોપ બે દાયકા પછી મંદીમાંથી બહાર નીકળ્યું છે. વૈશ્વિક સ્તરે જોઈએ તો ચીન, અમેરિકા અને યુરોપ ત્રણેય એકસાથે તેજીમાં હોય એવું કદાચ ૨૫-૩૦ વર્ષે બની રહ્યું છે. એ જોતાં વિકાસશીલ દેશો - ખાસ કરીને એશિયા અને લૅટિન અમેરિકાના જે દેશોને કોરોનાનો માર પડ્યો એની માઠી અસર વિકસિત બજારોની તેજીને કારણે ઘણી ઓછી થશે. સાદી ભાષામાં કહીએ તો ચાઇના, અમેરિકા અને યુરોપના ત્રિદેવ દુનિયાને મંદીમાં ડૂબવા નહીં દે અને વૈશ્વિક બજારો માટે અચ્છે દિન ચાલુ રહેશે. ભારત અને બ્રાઝિલને આનો લાભ ૨૦૨૨-’૨૩માં દેખાશે. ભારતીય શૅરબજારો સર્વોચ્ચ સપાટીએ ચાલી રહ્યાં છે એ પણ સૂચવે છે કે વૈશ્વિક વિદેશી રોકાણકારોને ભારતીય બજારોમાં પૂરતો ભરોસો છે. 

રૂપિયાની વાત કરીએ તો બધું જ રાબેતા મુજબનું છે. રૂપિયો ૭૩ના સ્તરે ટકી રહ્યો છે અને કેટલાંય સપ્તાહોથી ભાવ લગભગ ફિક્સ રેટ માર્કેટ જેવા થઈ ગયા છે.

business news