રૂપિયો ઇતિહાસના સૌથી નીચા સ્તરે: ચલણબજારમાં ડૉલર સર્વોપરી

20 March, 2020 12:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રૂપિયો ઇતિહાસના સૌથી નીચા સ્તરે: ચલણબજારમાં ડૉલર સર્વોપરી

ભારતીય રૂપિયો

કોરોના વાઇરસને કારણે વિશ્વ આર્થિક મંદી તરફ આગળ ધપી રહ્યું છે એવી દહેશતથી જ્યાં થયાં એ વેચાણ કરી નફો બાંધી વિદેશી રોકાણકારો ડૉલરમાં રોકડી કરી રહ્યા છે. આ સાથે વિશ્વના ૬ અગ્રણી ચલણ સામેનો ડૉલર ઇન્ડેક્સ ૧૦૦ની ઉપરની સપાટી ત્રણ વર્ષમાં પ્રથમ વખત પાર કરી ગયો છે. ડૉલરનું મૂલ્ય વધતાં અને વિદેશી સંસ્થાઓની વેચવાલીને કારણે ભારતનો રૂપિયો ઇતિહાસમાં પ્રથમ વખત ૭૫ની સપાટીથી નીચે સરકી ગયો હતો. ભારત જેવા આયાત પર અને રોકાણ માટે વિદેશી ફન્ડ્સ પર નભતા દેશ માટે ડૉલર સામે રૂપિયો નબળો પડે તો આર્થિક વિકટ પરિસ્થિતિ ઊભી કરી શકે છે. આ ઉપરાંત ડૉલર સામે પાઉન્ડ ૩૦ વર્ષ, ઑસ્ટ્રેલિયન ડૉલર સામે ૧૭ વર્ષ, સાઉથ કોરિયાના વોન સામે ૧૧ વર્ષ અને ન્યુ ઝીલૅન્ડ ડૉલર સામે પણ ૧૧ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે.

ભારતીય રૂપિયો ૭૫ને પાર

વિદેશી મૂડીપ્રવાહ શૅર અને ડેટ માર્કેટમાંથી સતત ભારતની બહાર જઈ રહ્યો છે એટલે ડૉલરની વિક્રમી અનામત, ક્રૂડ ઑઇલના ભાવ વિક્રમી નીચા ભાવ છતાં ભારતીય ચલણ રૂપિયો આજે ડૉલર સામે ૭૫.૩૧ની ઇતિહાસની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો હતો. અગાઉ ઑક્ટોબર ૨૦૧૮માં ડૉલર સામે રૂપિયો ૭૪.૪૭ અને ત્રણ દિવસ અગાઉ ચાલુ ટ્રેડિંગમાં ૭૪.૫૦ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે દિવસના અંતે રૂપિયો ૭૫.૦૮ની સપાટીએ બંધ આવ્યો હતો, જે પણ બંધની દૃષ્ટિએ ઇતિહાસની સૌથી નીચી સપાટી છે.

રૂપિયો ત્રણ મહિનામાં પાંચ ટકા ઘટ્યો

આજે ડૉલર સામે રૂપિયો ૭૬ પૈસા કે ૧.૦૨ ટકા ઘટી ગયો છે જે દોઢ મહિનામાં એક જ દિવસમાં નોંધાયેલો સૌથી મોટો ઘટાડો છે. કેલૅન્ડર વર્ષ ૨૦૧૯ના અંતે ડૉલર સામે રૂપિયો ૭૧.૩૮ની સપાટીએ બંધ આવ્યો હતો. ત્રણ મહિનાથી ઓછા સમયમાં રૂપિયો ૩૬૧ પૈસા કે પાંચ ટકા ઘટી ગયો છે. જોકે ઉલ્લેખ જરૂરી છે કે તા. ૨૭ ફેબ્રુઆરી સુધી ડૉલર સામે રૂપિયો ૭૧થી ૭૨ની સપાટી વચ્ચે અથડાયો હતો. આ દિવસે ૭૧.૫૬ની સપાટી પછી તે સતત ઘટી રહ્યો છે અને ઘટવા માટે સૌથી મોટું કારણ છે કે ભારતમાંથી વિદેશી રોકાણકારો શૅરમાં અને સરકારી જામીનગીરીઓમાંથી પોતાનું રોકાણ વેચી દેશની બહાર જઈ રહ્યા છે.

ભારતમાં વિદેશી ફન્ડ્સનું માર્ચમાં ૧૦ અબજ ડૉલરનું વેચાણ

ભારતીય બજારમાં – શૅર અને ડેટ સિક્યૉરિટીઝમાં – વિદેશી સંસ્થાઓએ માર્ચ મહિનામાં ૭૯,૭૧૭ કરોડ રૂપિયા કે ૧૦.૭૩ અબજ ડૉલરનું વેચાણ કર્યું છે. આટલી મોટી માત્રામાં ભારતમાંથી ડૉલરનો પ્રવાહ બહાર ખેંચાઈ રહ્યો હોવાથી રૂપિયામાં દરેક મથાળે વેચવાલી આવે છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ બે અબજ ડૉલર સામે રૂપિયાનું સ્વેપ કર્યું છે અને હજુ એક આવું સ્વેપ બાકી છે. આ સ્વેપ થકી ડૉલરની લિક્વિડિટી બજારમાં વધારી રૂપિયાને ઘટતો અટકાવવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે પણ તેમાં કોઈ સફળતા મળી નથી.

એશિયાઈ ચલણો ગબડ્યાં, કોરિયન વોન ૧૧ વર્ષના તળિયે

વૈશ્વિક નાણાબજારમાં જોવા મળી રહેલી વ્યાપક ઊથલપાથલના કારણે ડૉલર ઇન્ડેક્સ ત્રણ વર્ષની ઊંચી સપાટીએ હતો અને તેની અસરથી એશિયાનાં ચલણોમાં પણ ભારે નબળાઈ જોવા મળી હતી. આજે દક્ષિણ કોરિયાનો વોન ૧૧ વર્ષની નીચી સપાટીએ હતો. ડૉલર વધતા એશિયાના ઊભરતા અર્થતંત્રના શૅરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી અને બૉન્ડ પણ વેચાયા હતા. ઇન્ડોનેશિયાનો રૂપિયો પણ આજે વર્ષ ૧૯૯૮ પછીની સૌથી નીચી સપાટીએ ગબડી પડ્યો હતો. કોરિયાનો વોન એક તબક્કે ૪ ટકા ઘટી ૧૨૯૬ની સપાટીએ હતો. આ સમયે સેન્ટ્રલ બૅન્કે ડૉલરનું વેચાણ શરૂ કર્યું હોવાથી તેમાં થોડો સુધારો જોવા મળ્યો હતો.
અન્ય ચલણોમાં યેન ૦.૭૪ ટકા, સિંગાપોર ડૉલર ૦.૫૧ ટકા, તાઇવાન ડૉલર ૦.૫૫ ટકા, કોરિયન વોન ૩.૫૯ ટકા, થાઇલૅન્ડનો બહાત ૦.૫૭ ટકા, ચીનનો યુઆન ૦.૪૪ ટકા, ઇન્ડોનેશિયાનો રૂપિયો ૧.૩૦ ટકા, મલેશિયાનો રીંગિટ ૦.૭૩ ટકા ઘટ્યા હતા તો સામે ફિલિપાઇન્સનો પેસો ૧.૦૬ ટકા વધ્યો હતો. બજારના સૂત્રોએ જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં આર્થિક મંદીના ડરથી વિદેશી સંસ્થાઓએ માત્ર એશિયામાં ૩.૮૮ અબજ ડૉલરના સરકારી બૉન્ડ વેચી નાખ્યા છે જેની અસરથી ચલણો નબળાં પડી રહ્યાં છે.

ઑસ્ટ્રેલિયાનો ડૉલર આજે અમેરિકન ડૉલર સામે ૧૭ વર્ષની નીચી સપાટીએ અને ન્યુ ઝીલૅન્ડનો ડૉલર ૧૧ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો. ક્રૂડ ઑઇલની નિકાસ પર નભતા નૉર્વેના ચલણ ક્રોનનું મૂલ્ય ડૉલર સામે પાંચ વર્ષમાં સૌથી નીચું પહોંચી ગયું હતું. સ્વિસ ફ્રાન્ક સામે ડૉલર ૦.૪ ટકા તો સાઉથ આફ્રિકાના રેન્ડ સામે એ ૧.૮ ટકા વધ્યો હતો.

business news