News In Short: ભારતીય રૂપિયામાં ડૉલર સામે છ પૈસાનો સુધારો

26 May, 2022 04:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય રૂપિયો મંગળવારે ૭૭.૫૯૨૫ પર બંધ રહ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

ભારતીય રૂપિયામાં ડૉલર સામે સરેરાશ છ પૈસાનો સુધારો જોવા મળ્યો હતો. અમેરિકન ડૉલરમાં મિશ્ર માહોલ વચ્ચે ભારતીય રૂપિયો ડૉલર સામે બુધવારે ૭૭.૫૩ પર ખૂલ્યો હતો અને દિવસ દરમિયાન નબળો પડીને ૭૭.૫૭૫૦ની સપાટી પર પહોંચીને છેલ્લે ૭૭.૫૩૫૦ની સપાટી પર બંધ રહ્યો હતો. ભારતીય રૂપિયો મંગળવારે ૭૭.૫૯૨૫ પર બંધ રહ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ વિશ્વની મુખ્ય છ કરન્સી સામે ૧૦૨.૩૪ની સપાટી પર ખૂલ્યો હતો, જે મંગળવારે ૧૦૨.૩૪ પર બંધ રહ્યો હતો. ક્રૂડ તેલના ભાવ ૧૧૧ ડૉલરની ઉપર ટ્રેડ કરી રહ્યા હોવાથી રૂપિયામાં વધુ સુધારાને બ્રેક લાગી શકે છે. ફૉરેક્સ ડીલરોએ જણાવ્યું હતું કે રિઝર્વ બૅન્કે સરકારી બૅન્કો મારફતે પણ બજારમાં ડૉલરની વેચવાલી કરી હતી, જેને પગલે રૂપિયાને ટેકો મળ્યો હતો. આ તરફ શૅરબજારમાં નરમાઈ અને ક્રૂડ તેલની તેજીથી ડૉલરને ટેકો મળ્યો હતો.

મહારાષ્ટ્રમાં શેરડીનું વાવેતર આ વર્ષે ૧૪ લાખ હેક્ટરમાં થવાનો અંદાજ

મહારાષ્ટ્રમાં સતત બીજા વર્ષે પણ શેરડીનું વાવેતર વિક્રમી સપાટીએ પહોંચે એવી સંભાવના છે. મહારાષ્ટ્રના શેરડી કમિશનર શેખર ગાયકવાડે જણાવ્યું હતું કે આ વર્ષે સામાન્ય દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની આગાહી પર મહારાષ્ટ્રમાં ૨૦૨૨-૨૩ (ઑક્ટોબર-સપ્ટેમ્બર) સીઝનમાં શેરડીનો વાવેતર વિસ્તાર ૧૪ લાખ હેક્ટરમાં ટોચ પર રહેવાની શક્યતા છે. મહારાષ્ટ્રમાં આગામી વર્ષ પણ ખૂબ જ આશાસ્પદ જણાય છે. વરસાદ જો સારો રહેશે તો વિસ્તાર વધુ વધશે, એમ ગાયકવાડે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં ચાલુ સીઝન માટે સરકારે અગાઉ ૧૨.૩ લાખ હેક્ટર વાવેતર વિસ્તારનો અંદાજ મૂક્યો હતો. જોકે ૨૦૨૧માં સારા ચોમાસા અને સારા ભૂગર્ભ જળના સ્તરને કારણે એ વધીને ૧૩.૨ હેક્ટર થઈ ગયો હતો. મહારાષ્ટ્રમાં ખેડૂતો ડુંગળી, દ્રાક્ષ અને સોયાબીન તેમ જ દાડમ જેવા પાકમાંથી શેરડી તરફ વળી રહ્યા હોવાથી એની અસર પણ જોવા મળી રહી છે.
ગાયકવાડે એમ પણ કહ્યું કે શેરડીને ખેડૂતોમાં સૌથી વધુ લોકપ્રિય પાક તરીકે જોવામાં આવે છે, જે તેમને મહત્તમ વળતર આપશે. વાવેતર વિસ્તાર ઉપરાંત, રાજ્યમાં હાલની મિલોમાં ફેરફાર અને વિસ્તરણને કારણે મિલોની પિલાણ ક્ષમતામાં પણ વધારો થવાની સંભાવના છે.
ગાયકવાડે કહ્યું, ‘અમે ખાંડ મિલ માટે ૧૯૬૦ પછી ખૂબ જ મોટા વિસ્તરણ કાર્યક્રમ પર જઈ રહ્યા છીએ. ૨૦૨૨-૨૩માં મિલોની પિલાણ ક્ષમતા વધીને ૮.૫૦ ટન પ્રતિ દિવસ થવાની સંભાવના છે, જે આ સીઝનમાં ૮ ટન પ્રતિ દિન હાંસલ કરવામાં આવી છે.
રાજ્ય શેરડી માટે સારી લણણી તક્નિક માટે મશીનરી અને સાધનોને સુધારવા માટે પણ કામ કરી રહ્યું છે. હાલમાં ૮૦૦ હાર્વેસ્ટર્સથી વધીને ૪૦૦૦ થવાની સંભાવના છે. અમે જપાન સરકાર સાથે નાના હાર્વેસ્ટર મશીન માટે નજીકથી કામ કરી રહ્યા છીએ જે એક એકર અથવા એનાથી નીચેની જમીનમાં કાપણીમાં ઉપયોગી થશે.
ખાંડના ઉત્પાદન અંગે તેમણે કહ્યું કે આ સીઝનનું ૧૩૮ લાખ ટન જેટલું અથવા તો એનાથી થોડું વધારે થાય એવી ધારણા છે.

દેશમાં ખનિજ બ્લૉક્સની હરાજી યથાવત્ : ૧૮૬ ખાણ વેચાણમાં

ગયા વર્ષે ૪૬ અને ચાલુ વર્ષે બે મહિનામાં ૨૮ બ્લૉક્સની હરાજી પૂર્ણ થઈ

દેશમાં ખનિજ બ્લૉક્સની હરાજી સ્થિર થઈ છે, કારણ કે અત્યાર સુધીમાં ૧૮૬ ખાણ વેચાણ માટે મૂકવામાં આવી છે. ૧૮૬ ખનિજ બ્લૉકમાંથી  છેલ્લા બે મહિનામાં ૨૮ ખાણની હરાજી કરવામાં આવી હતી અને નાણાકીય વર્ષ ૨૦૨૨માં ૪૬ ખાણનું સફળતાપૂર્વક વેચાણ કરવામાં આવ્યું હતું એમ ખાણ વિભાગનાં જૉઇન્ટ સેક્રેટરી વીણાકુમારી ડેરમલે જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે ૧૮૬  ચોક્કસ બ્લૉકની ફાળવણી હરાજી દ્વારા કરવામાં આવે છે. મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આમાંથી ૪૬ (ખનિજ બ્લૉક્સ) ગયા વર્ષે (હરાજી માટે) હતા અને આ નાણાકીય વર્ષમાં અમે પ્રથમ બે મહિનામાં ૨૮ બ્લૉક્સની હરાજી પૂર્ણ કરી છે. દેશમાં હરાજી સ્થિર છે તેમ ‘ઇન્ડિયા સ્વીડન માઇનિંગ ડે’ દરમ્યાન તેમણે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારો હરાજીમાંથી આવકનો ખૂબ જ સારો હિસ્સો મેળવી રહી છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે જે રાજ્યો આખી પ્રક્રિયામાં પ્રારંભિકથી હતા અને તેઓ ખરેખર ખુશ હતા.

ભારતમાંથી કાગળની નિકાસ ૮૦ ટકા વધી ઑલટાઈમ હાઈ પહોંચી

દેશમાંથી કાગળની કુલ નિકાસ ૧૩,૯૬૩ કરોડ રૂપિયાના વિક્રમી સ્તરે થઈ

ભારતમાંથી કાગળ અને પેપર બોર્ડની નિકાસ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં લગભગ ૮૦ ટકા વધી હતી, જે ૧૩,૯૬૩ કરોડ રૂપિયાના વિક્રમને સ્પર્શી ગઈ હતી, એમ ઉદ્યોગ સંસ્થા ઇન્ડિયન પેપર મૅન્યુફૅક્ચરર્સ અસોસિએશને જણાવ્યું હતું.
ડિરેક્ટરેટ જનરલ ઑફ કમર્શિયલ ઇન્ટેલિજન્સ અૅન્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટાને ટાંકીને અસોસિએશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે નિકાસવૃદ્ધિ કાગળના વિવિધ ગ્રેડમાં ફેલાયેલી છે. મૂલ્યની દૃષ્ટિએ, કૉટેડ પેપર અને પેપર બોર્ડની નિકાસમાં ૧૦૦ ટકા, અનકૉટેડ રાઇટિંગ અને પ્રિન્ટિંગ પેપરમાં ૯૮ ટકા, ટિશ્યુ પેપરમાં ૭૫ ટકા અને ક્રાફ્ટ પેપરમાં ૩૭ ટકાનો વધારો થયો છે.

મોંઘવારી : જીએસટીના ફેરફારમાં વિલંબ થશે

દેશમાં ઝડપથી વધતા ફુગાવાના કારણે જીએસટીનાં દર તર્કસંગત બનાવવામાં વિલંબ થવાની સંભાવના છે એમ સૂત્રોએ જણાવ્યું હતું. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નાં દર પાંચ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકાના ચાર ટેક્સ સ્લેબમાં સામાન અને સેવાઓ પર કર લાવે છે. આ ટેક્સ સ્લેબને ઘટાડીને સંભવતઃ ત્રણ દર કરવા માટે વિચારણા કરવામાં આવી રહી હતી, એક કવાયત જેમાં કેટલીક વસ્તુઓમાં ટેક્સ વધારવાનો અને અન્યમાં ઘટાડો સામેલ હશે, પરંતુ ફુગાવાનો દર સર્વકાલીન ઉચ્ચ સ્તરે શાસન સાથે, આવી કવાયતમાં વિલંબ થવાની સંભાવના છે, સૂત્રોએ જણાવ્યું હતું.

સરકાર પોતાનું દેવું નહીં વધારે

કેન્દ્ર સરકાર દ્વારા હાલ કોઈ વધારાનું દેવું કરવાનું આયોજન નથી અને ચાલુ નાણાકીય વર્ષમાં નિર્ધારિત ઋણ લક્ષ્યાંકને વળગી રહેશે તેમ એક સરકારી સૂત્રએ બુધવારે જણાવ્યું હતું. પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં કાપ મૂક્યા બાદ સરકારે એક લાખ કરોડ રૂપિયાની આવક ગુમાવી હતી. આ આવકનો ખાડો વધારાના ઉધારથી ભરવામાં આવતો જોવા મળ્યો હતો. પરંતુ એક સરકારી સૂત્રએ જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ વધારાનું ઉધાર લેવાની યોજના નથી.

business news goods and services tax