19 October, 2025 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતની ગોલ્ડ રિઝર્વ ઇતિહાસમાં પહેલી વાર ૧૦૦ બિલ્યન ડૉલરને પાર કરી ગઈ હતી. શુક્રવારે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના ફૉરેન એક્સચેન્જ રિઝર્વ ડેટાની જાહેર થયેલી વિગતો પ્રમાણે સોનાના ભાવમાં વૈશ્વિક ફુગાવાને કારણે ભારતના ગોલ્ડ રિઝર્વની કિંમતે પણ ઐતિહાસિક આંકડો પાર કર્યો હતો. ૧૦ ઑક્ટોબરે પૂરા થયેલા અઠવાડિયામાં ગોલ્ડ રિઝર્વની કિંમતમાં ૩.૫૯૫ બિલ્યનનો વધારો થયો હતો, જેને કારણે એની કુલ કિંમત ૧૦૨.૩૬૫ બિલ્યન ડૉલર (એટલે કે ૮.૮ લાખ કરોડ રૂપિયા) પહોંચી ગઈ હતી. જોકે આ સમયમાં ભારતની ઓવરઑલ ફૉરેન એક્સચેન્જ રિઝર્વ ૨.૧૮ બિલ્યન ઘટીને ૬૯૭.૭૮૪ બિલ્યન રહી હતી.
પાછલા એક દશકમાં ભારતના કુલ વિદેશી ભંડોળમાં ગોલ્ડ રિઝર્વનો હિસ્સો ૭ ટકાથી ધીમે-ધીમે વધીને બમણાથી પણ વધુ ૧૫ ટકા જેટલો થયો છે. જોકે આ વર્ષે RBIએ ગોલ્ડની ખરીદી ધીમી કરી દીધી હતી. ૨૦૨૫ના નવમાંથી માત્ર ૪ મહિનામાં RBIએ સોનાની ખરીદી કરી હતી. ૨૦૨૪માં RBIએ ૯ મહિનામાં ૫૦ ટન જેટલું સોનું ખરીદ્યું હતું, જેની સામે આ વર્ષે માત્ર ૪ ટન ગોલ્ડ ખરીદ્યું હતું.