6Gની પહેલ ભારતનો આત્મવિશ્વાસ: ટેલિકૉમ ટેકમાં ભારત મોટો નિકાસકાર દેશ

23 March, 2023 03:22 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 6G વિઝન ડૉક્યુમેન્ટનું અનાવરણ કરતી વખતે નિવેદન આપ્યું

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દેશના 6G વિઝન ડૉક્યુમેન્ટનું અનાવરણ કર્યું અને કહ્યું કે 5G રોલઆઉટના છ મહિનામાં 6Gની આસપાસની પહેલ ભારતનો વિશ્વાસ દર્શાવે છે.

તેમણે કહ્યું કે ટેલિકૉમ ટેક્નૉલૉજીનો માત્ર ઉપભોક્તા હોવાને કારણે ભારત હવે એ ટેક્નૉલૉજીનો મોટો નિકાસકાર બનવા માટે ઝડપથી આગળ વધી રહ્યો છે.

5G રોલઆઉટના છ મહિનાની અંદર આજે આપણે 6G વિશે વાત કરી રહ્યા છીએ. આ ભારતનો આત્મવિશ્વાસ દર્શાવે છે. આજે અમે વિઝન ડૉક્યુમેન્ટને સામે લાવ્યા છીએ. આ 6Gના રોલઆઉટ માટે એક મોટો આધાર બનશે એમ મોદીએ કહ્યું.

ટેલિકૉમ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ વિઝન ડૉક્યુમેન્ટ જણાવે છે કે જ્યારે 5G ટેક્નૉલૉજી ૧૦ હજાર એમબીપીએસની મહત્તમ સ્પીડને ફટકારવાની ક્ષમતા સાથે ૪૦-૧૧૦૦ એમબીપીએસની સ્પીડનું વચન આપે છે ત્યારે 6G એક ટેરાબાઇટ પ્રતિ સેકન્ડની ઝડપ સાથે અલ્ટ્રા-લો લેટન્સી ઑફર કરશે જે 5Gની ટૉપ સ્પીડ કરતાં એક હજાર ગણી વધારે છે.

આ કાર્યક્રમમાં વડા પ્રધાને ઇન્ટરનૅશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન એરિયા ઑફિસ અને ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું, જે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઑફ ટેલિમેટિક્સ કૅમ્પસમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. એને સંપૂર્ણ રીતે ભારત દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે.

business news airtel vodafone idea narendra modi