ભારત સરકાર ભાગેડુ કૌભાંડીઓને પકડવામાં નિષ્ફળ

20 November, 2020 04:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારત સરકાર ભાગેડુ કૌભાંડીઓને પકડવામાં નિષ્ફળ

નિરવ મોદી

જનહિત અરજી (RTI) દ્વારા ચોંકાવનારી માહિતી સામે આવી છે કે ભારત સરકાર છેલ્લા સાડા છ વર્ષમાં કુલ 72 ભાગેડુ આર્થિક ગુનેગારોમાંથી ફક્ત બે જ લોકોને પકડી શકી છે.

ગયા વર્ષે 4 જાન્યુઆરી, 2019ના રોજ સરકારે 27 એવા બિઝનેસમેનના નામ જાહેર કર્યા જે બૅન્ક લોનની ચૂકવણી કરવામાં ડિફોલ્ટ થયા હતા અથવા અન્ય આર્થિક ગુના કર્યા હતા. આ રેકોર્ડ વર્ષ 2015થી તે વખતના વર્તમાન સમય સુધીનો હતો.

એક વર્ષ બાદ 5 ફેબ્રુઆરી, 2020ના રોજ રાજ્ય કક્ષાના નાણા પ્રધાન એસ.પી.શુક્લાએ લોકસભામાં 72 એવા નામ જાહેર કર્યા હતા જેમણે નાણાકીય કૌભાંડ કર્યા હતા અને હાલ વિદેશમાં છે. તે વખતે તેમણે કહ્યું હતું કે આ 72 લોકોને ફરી ભારતમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

મુંબઈના આરટીઆઈ કાર્યકર્તા જીતેન્દ્ર ગાડગેને જનહિત અરજી સામે જે જવાબ મળ્યે તે હિસાબે વિદેશ મંત્રાલયમાં અરજી કરી કે તેમને એવા ભાગેડુ આર્થિક ગુનેગારોની યાદી આપે જેમને ફરી ભારતમાં લાવવામાં આવ્યા છે. જોકે સરકાર ફક્ત બે જ નામ આપી શકતા તેમને પણ અચંબો થયો હતો. આ મે જણમાં વિનય મિત્તલ અને સની કાલરાનો સમાવેશ છે.

ગાડગેએ આઈએએનએસને કહ્યું કે, જનહિત અરજીમાં મળેલા જવાબમાં અન્ય કોઈ લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો જ નથી. જ્યારે ભાગેડુ આર્થિક ગુનેગારોમાં ઘણી મોટી હસ્તીઓનો સમાવેશ છે. લોકસભામાં આપેલી યાદીમાં વિજય માલ્યા, નિરવ મોદી, નિશલ મોદી, મેહુલ ચોક્સી, લલિત મોદી, નીતિન જે.સંદેશરા, દિપ્તી ચેતનકુમાર સંદેશરાનો સમાવેશ છે.

ઉપરાંત, સની કાલરા, સંજય કાલરા, એસ.કે.કાલરા, આર્તી કાલરા, વર્ષા કાલરા, ઉમેશ પરીખ, કમલેશ પરીખ, નિલેશ પરીખ, આશિષ જોબનપુત્ર, પ્રિતી આશિષ જોબનપુત્ર, હિતેશ એન.પટેલ, મયુરી પટેલ, રાજીવ ગોયલ, અલ્કા ગોયલ, પુશ્પેશ બૈડ, જતિન મહેતાસ એકલવ્ય ગર્ગ, સાભ્યા શેઠ અને રિતેશ જૈનનો  સમાવેશ છે.

સરકારનું કહેવું છે કે અન્ય દેશો સાથે દ્વિ-પક્ષિય કરાર હોવાથી આવા કેસોમાં ઘણા કાયદાકીય અડચણો આવે છે. દરેક દેશના પોતાના પણ સ્થાનિક કાયદા હોય છે, બીજી બાજુ ભાગેડુ ગુનેગારોની સંખ્યામાં પણ એક વર્ષમાં ત્રણ ગણો વધારો થયો છે.

સની કાલરા અને વિનય મિતલને ફરી ભારત લવાયા છે. મિત્તલ વર્ષ 2018માં ઈન્ડોનેશિયા ભાગી ગયો હતો કારણ કે તે સાત બૅન્કોમાં રૂ.40 કરોડ જેટલી લોન ચૂકવવામાં નિષ્ફળ ગયો હતો. પંજાબ નેશનલ બૅન્કમાં પણ રૂ.10 કરોડના લોનનું કૌભાંડ કર્યા બાદ સીબીઆઈ માર્ચ 2020માં તેને ભારતમાં લઈ આવી હતી.

business news