ભારત બૉન્ડ ITF રોકાણકારોને નિશ્ચિત વળતર & નાણાંની પ્રવાહિતાનો લાભ આપશે

16 December, 2019 03:17 PM IST  |  Mumbai | Khyati Mashru - Vashani

ભારત બૉન્ડ ITF રોકાણકારોને નિશ્ચિત વળતર & નાણાંની પ્રવાહિતાનો લાભ આપશે

બોન્ડ ઇટીએફ

દેશમાં પહેલી વાર બૉન્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (બૉન્ડ ઈટીએફ) આવ્યું છે. ભારત બૉન્ડ ઈટીએફ નામની તેની યોજના હજી ૨૦ ડિસેમ્બર સુધી ખુલ્લી રહેવાની છે. સરકારે જણાવ્યા મુજબ સિક્યૉરિટીઝ માર્કેટની નિયમનકારી સંસ્થા સેબીએ તેના માટે લીલી ઝંડી આપી દીધી છે.

તો ચાલો, આપણે તેના વિશે વિગતે વાત કરીએ
એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ) એક પ્રકારનું મ્યુચ્યુઅલ ફન્ડ છે. તેમાં ફરક એટલો હોય છે કે એ ફન્ડનું એક્સચેન્જમાં ટ્રેડિંગ કરી શકાય છે. ઈટીએફ કોઈ એક ઇન્ડેક્ષને અનુસરતાં હોય છે. બૉન્ડ ઈટીએફની વાત કરીએ તો, આ ઈટીએફ બૉન્ડમાં રોકાણ કરશે અને પછીથી એક્સચેન્જ પર તેનું લિસ્ટિંગ થયા બાદ તેમાં ટ્રેડિંગ કરી શકાશે. આવાં ફન્ડ પેસિવલી મૅનેજ્ડ ફન્ડની શ્રેણીમાં આવતા હોય છે, અર્થાત્ તેમાં ઇન્ડેક્સને અનુસરવામાં આવતા હોઈ સક્રિય સંચાલન કરવાની જરૂર રહેતી નથી. ઈટીએફની ખરીદી અને વેચાણ શૅરબજારના કામકાજના કલાકો દરમ્યાન કરી શકાય છે.

હવે ભારત બૉન્ડ ઈટીએફ પર આવીએ. આ ઈટીએફ ભારત સરકાર પ્રેરિત છે. કેન્દ્ર સરકારની માલિકીની કંપનીઓ માટે નાણાં ઉપલબ્ધ થઈ રહે એ તેની પાછળનો ઉદ્દેશ્ય છે. નાના રોકાણકારો ઉપરાંત હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ અને સંસ્થાકીય રોકાણકારો તેમાં રોકાણ કરી શકશે. આ ઈટીએફનું સંચાલન એડલવીઝ ઍસેટ મૅનેજમેન્ટ કંપની કરવાની છે. નોંધનીય છે કે આની પહેલાં સરકાર ૨૨ સરકારી કંપનીઓના સ્ટૉક્સના ઇન્ડેક્ષ પર આધારિત ‘ભારત ૨૨ ઈટીએફ’ શરૂ કરી ચૂકી છે. નાના રોકાણકારોને તેના ભાવમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. ગત ૪ ડિસેમ્બરે કેન્દ્રીય પ્રધાનમંડળે ભારત બૉન્ડ ઈટીએફ માટેનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. તેમાં રોકાણકારોને ભારત સરકારની કંપનીઓની ૩ વર્ષ અને ૧૦ વર્ષ એમ બે મુદતની સિક્યૉરિટીઝમાં રોકાણ કરવાની તક મળી છે. આ સરકારી કંપનીઓમાં નાબાર્ડ, હુડકો, એનએચએઆઇ, પીએફસી, આરઈસી, પીજીસીઆઇએલ, આઇઆરએફસી, એનએચપીસી, એનટીપીસીનો સમાવેશ થાય છે.

સરકારે વર્તમાન વર્ષનું બજેટ રજૂ કરતી વખતે જ જાહેર કર્યું હતું કે સરકારી કંપનીઓનું ડેટ ઈટીએફ લવાશે. હાલમાં નાણાપ્રધાને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રોકાણકારોને ફિક્સ્ડ ડિપૉઝિટ કરતાં વધુ દરે વળતર મેળવવાની તક આપવામાં આવી રહી છે.

અહીં જણાવવું રહ્યું કે રોકાણકારો લઘુતમ ૧૦૦૦ રૂપિયાનું રોકાણ આ બૉન્ડ ઈટીએફમાં કરી શકશે. ‘ભારત બૉન્ડ ઈટીએફ એપ્રિલ ૨૦૨૩’ની પાકતી તારીખ એપ્રિલ ૨૦૨૩ રહેશે. આ ઈટીએફ માત્ર ‘એએએ’ રેટિંગ ધરાવતા બૉન્ડમાં રોકાણ કરી શકશે.

ભારત બૉન્ડ ઈટીએફમાં રોકાણ કરવાથી રોકાણની પ્રવાહિતા જળવાઈ રહે છે. એક્સચેન્જમાં ટ્રેડિંગ શક્ય હોવાથી ગમે ત્યારે ખરીદી-વેચાણ થઈ શકે છે. તેમાં વળતર લગભગ નિશ્ચિત સ્વરૂપનું હોય છે અને સમગ્ર વ્યવહાર પારદર્શક રીતે થઈ શકે છે. બૉન્ડની તુલનાએ કરબચતનો લાભ પણ વધારે મળે છે. બૉન્ડ ઈટીએફને ઇન્ડેક્ષેશનનો લાભ મળે છે.

khyati@plantrich.in

business news