કન્સોલિડેશનના મૂડ વચ્ચે ઇન્ડેક્સ સતત ત્રીજા દિવસે પણ ઘટ્યા

19 February, 2021 12:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કન્સોલિડેશનના મૂડ વચ્ચે ઇન્ડેક્સ સતત ત્રીજા દિવસે પણ ઘટ્યા

પ્રતીકાત્મક તસવીર

શૅરબજારની તેજીને થાક લાગ્યો છે અને સરકારી ઊર્જા કંપનીઓ તથા સરકારી બૅન્કોના જોરે બજાર ટકી રહ્યું હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વૈશ્વિક બજારો, ખાસ કરીને એશિયન બજારોની નબળાઈની અસર હેઠળ ભારતીય બજારમાં પણ ઘટાડાનું વલણ ચાલુ રહેતાં ગયાં ત્રણ સત્રમાં એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સ લગભગ ૮૩૦ પૉઇન્ટ ઘટ્યો છે. ગુરુવારે ડેરિવેટિવ્ઝની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે સેન્સેક્સ ૩૭૯.૧૪ પૉઇન્ટ (૦.૭૩ ટકા) ઘટીને ૫૧,૩૨૪.૬૯ બંધ રહ્યો હતો. આ જ રીતે નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ ૮૯.૯૫ પૉઇન્ટ (૦.૫૯ ટકા)ના ઘટાડા સાથે ૧૫,૧૧૮.૯૫ બંધ રહ્યો હતો.

હાલમાં બ્લુચીપ કંપનીઓમાં પ્રૉફિટ-બુકિંગ થઈ રહ્યું છે. ગુરુવારે ઑટો, નાણાકીય સેવાઓ અને ખાનગી બૅન્કોના શૅરોમાં ઘટાડો થયો હતો. નિફ્ટી ઑટો, નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ અને નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ અનુક્રમે ૧.૩૫ ટકા, ૧.૪૮ ટકા અને ૧.૧૩ ટકા ઘટ્યા હતા. અન્ય ઘટેલા ઇન્ડેક્સમાં નિફ્ટી ફાર્મા (૦.૫૩ ટકા), નિફ્ટી રિયલ્ટી (૦.૫૨ ટકા), નિફ્ટી એફએમસીજી (૦.૪૩ ટકા), નિફ્ટી મીડિયા (૦.૭૭ ટકા) સામેલ હતા. નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ ૫.૬૦ ટકા વધ્યો હતો. આ ઉપરાંત નિફ્ટી આઇટી ૧.૩૩ ટકા અને નિફ્ટી મેટલ ૧.૩૧ ટકા વધ્યા હતા.

સેન્ટ્રલ બૅન્ક અને ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કમાં ફરી એક વાર ૨૦-૨૦ ટકાની ઉપલી સર્કિટ

નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સમાંથી સેન્ટ્રલ બૅન્ક અને ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કમાં ફરી એક વાર ૨૦-૨૦ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી. બૅન્ક ઑફ બરોડામાં ૧૩.૩૬ ટકા ઉપરાંત બૅન્ક ઑફ ઇન્ડિયા, યુનિયન બૅન્ક અને મહારાષ્ટ્ર બૅન્કમાં ૧૦-૧૦ ટકાની વૃદ્ધિ થઈ હતી. અન્ય વધેલા મુખ્ય પીએસયુ બૅન્ક સ્ટૉક્સ યુકો બૅન્ક (૭.૩૭ ટકા), પંજાબ નૅશનલ બૅન્ક (૫.૪૦ ટકા) અને ઇન્ડિયન બૅન્ક (૫.૩૨ ટકા) હતા. વધેલા આઇટી સ્ટૉક્સમાં

નૌકરી (૬.૪૮ ટકા), ટેક મહિન્દ્રા (૩.૩૯ ટકા), એમ્ફેસિસ (૨.૪૧ ટકા) અને માઇન્ડટ્રી (૧.૨૩ ટકા)

સામેલ હતા.

ઓએનજીસી ૮ ટકા વધ્યો

નિફ્ટી-૫૦ના મુખ્ય વધેલા સ્ટૉક્સ ઓએનજીસી (૭.૬૩ ટકા), ગેઇલ (૭.૧૧ ટકા), ભારત પેટ્રોલિયમ (૪.૬૯ ટકા), ઇન્ડિયન ઑઇલ (૪.૧૬ ટકા) અને એનટીપીસી (૩.૯૩ ટકા) હતા. ઘટેલામાં બજાજ ફાઇનૅન્સ (૨.૪૭ ટકા), તાતા મોટર્સ (૨.૨૧ ટકા), મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા (૨.૧૮ ટકા), કોટક બૅન્ક (૨.૦૮ ટકા) અને એચડીએફસી (૧.૯૭ ટકા) સામેલ હતા.

શૅરબજારના મુખ્ય ઇન્ડેક્સમાં વધેલા અને ઘટેલા સ્ટૉક્સનો ગુણોત્તર ઘટાડાતરફી હતો. નિફ્ટી-૫૦માંથી ૨૩ સ્ટૉક્સ વધ્યા હતા અને ૨૭ ઘટ્યા હતા, જ્યારે સેન્સેક્સમાંથી ૧૨ શૅર વધ્યા હતા અને ૧૮ ઘટ્યા હતા.

સ્ટેટ બૅન્ક અને રિલાયન્સમાં વૉલ્યુમ વધારે રહ્યું

ગુરુવારે વૉલ્યુમની દૃષ્ટિએ વધેલા સ્ટૉક્સમાં સ્ટેટ બૅન્ક, રિલાયન્સ, ટાઇટન, આઇસીઆઇસીઆઇ બૅન્ક, ટીસીએસ, ઓએનજીસી, એશિયન પેઇન્ટ, ભારતી ઍરટેલ, ટેક મહિન્દ્રા, ઇન્ડસઇન્ડ બૅન્ક, કોટક બૅન્ક, એચડીએફસી બૅન્ક, બજાજ ફાઇનૅન્સ, ઇન્ફોસિસ અને તાતા સ્ટીલ મોખરે હતા.

મિડ કૅપ અને સ્મૉલ કૅપમાંથી બૅન્ક ઑફ ઇન્ડિયા, યુનિયન બૅન્ક, ટોરન્ટ પાવર, બલરામપુર ચીની મિલ્સ, ઇન્ડિયામાર્ટ ઇન્ટરમેશ અને આઇડીબીઆઇ ૫થી ૧૦ ટકા વધ્યા હતા. સ્ટરલાઇટ ટેક્નૉલૉજીઝ, આઇઓએલ કેમિકલ્સ, ગ્રેફાઇટ ઇન્ડિયા, ડૉ. લાલ પૅથ લૅબ, અપોલો હૉસ્પિટલ્સ અને ધાની સર્વિસિસ બ્રોડર માર્કેટમાં ઘટનારા મુખ્ય શૅર હતા, જેમાં ૩થી ૫ ટકાનો ઘટાડો થયો હતો.

વિશ્લેષકોનું કહેવું છે કે બજાર કન્સોલિડેશનના મૂડમાં છે. જોકે વૃદ્ધિનું વાતાવરણ ફરી જામવાની શક્યતા છે. અમેરિકામાં બોન્ડની ઊપજ વધી ગઈ હોવાથી વૈશ્વિક બજારમાં હાલમાં નરમાશ દેખાઈ રહી છે અને એની અસર ભારત પર પણ થઈ છે. જોકે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)નો નાણાપ્રવાહ હજી આવી રહ્યો છે. ગુરુવારે એફઆઇઆઇએ નેટ ૯૦૩ કરોડ રૂપિયાની ખરીદી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ૧૨૧૭.૩૪ કરોડ રૂપિયાની વેચવાલી કરી હતી. નોંધનીય છે કે આ મહિને ફક્ત ૧૨મી તારીખે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ વેચવાલી કરી હતી.

બજારમાં સ્મૉલ કૅપ સ્ટૉક્સ ડિમાન્ડમાં રહ્યા હતા. એસઍન્ડપી બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૬૭ ટકા વધ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ પણ ૦.૬૯ ટકા વધ્યો હતો.

ડેરિવેટિવ્ઝ રિપોર્ટ

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ગુરુવારે કુલ ૩,૦૫,૩૮૯.૪૨ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૬૯,૭૨૭ સોદાઓમાં ૨૪,૭૦,૦૦૦ કૉન્ટ્રૅક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૯,૮૬,૨૯૧ કૉન્ટ્રૅક્ટ્સના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટ્સમાં ૧૦.૪૫ કરોડ રૂપિયાના ૫૩ સોદામાં ૮૮ કૉન્ટ્રૅક્ટ્સનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કૉલ ઑપ્શનના ટ્રેડ થયેલા ૫૯,૨૩૦ સોદામાં ૨૧,૯૩,૦૮૩ કૉન્ટ્રૅક્ટ સાથે ૨,૭૬,૭૫૪.૮૨ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઑપ્શનના ટ્રેડ ૧૦,૪૪૪ સોદામાં ૨,૭૬,૮૨૯ કૉન્ટ્રૅક્ટ સાથે ૨૮,૬૨૪.૧૫ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.

ટેક્નિકલ દૃષ્ટિએ

નિફ્ટીમાં સતત ત્રીજા સત્રમાં વેચવાલી હતી. કલાકના ધોરણે બનતા ચાર્ટ પર ૪૦ કલાકની એક્સપોનેન્શિયલ મૂવિંગ ઍવરેજનું જંક્શન તૂટ્યું હતું અને નીચો બોલિન્જર બૅન્ડ બન્યો હતો, જે ટૂંકા ગાળાનો સપોર્ટનો ઝોન છે. આના પરથી ટૂંકા ગાળામાં નબળાઈ રહેવાની ધારણા છે. દૈનિક હિલચાલ પણ ઘટાડાતરફી છે. ઇન્ડેક્સ હાલ ૧૫,૦૦૦-૧૫,૪૩૦ની કન્સોલિડેશનની રૅન્જમાં આવી ગયો હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. જો ૧૫,૦૦૦નું સ્તર તૂટશે તો મંદી ઘેરી બનશે. ઉપરમાં ૧૫,૨૫૦ની સપાટી હવે મોટું રેઝિસ્ટન્સ બની ગઈ છે.

વૈશ્વિક બજારો

નૅસ્ડૅકમાં બુધવારે ૦.૫૮ ટકાનો ઘટાડો થયો હતો. લગભગ આટલો જ ઘટાડો ગુરુવારે યુરોપના એફટીએસઈમાં નોંધાયો હતો. એશિયન માર્કેટમાં હૅન્ગસૅન્ગ અને કોસ્પી દોઢ-દોઢ ટકા ઘટ્યા હતા.

business news