બજાર પર ઘટાડાનું વલણ આગળ વધ્યું

19 January, 2021 11:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બજાર પર ઘટાડાનું વલણ આગળ વધ્યું

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક બજારની નરમાશ અને દેશમાં પ્રૉફિટ બુકિંગના વલણને કારણે તથા દર વર્ષની જેમ કેન્દ્રીય બજેટને અનુલક્ષીને પ્રવર્તતી અનિશ્ચિતતાના વાતાવરણમાં શૅરબજાર પરની આખલાની પકડ સોમવારે વધુ ઢીલી પડતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત બીજો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ચીનમાં વધેલા કોરોના વાઇરસના કેસને પગલે સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જે શૅરબજાર પર પણ ગંભીર અસર કરી રહ્યું છે.

નોંધનીય છે કે કંપનીઓનાં સારાં પરિણામો અને અર્થતંત્રમાં આવેલા સુધારાની અસરને બજારે પચાવી લીધાં છે. પરિણામે, બજારમાં બીજા કોઈ મોટા પરિબળના અભાવે કન્સોલિડેશનનો જ માર્ગ ખુલ્લો રહ્યો હતો, જે સતત બે સત્રોમાં આગળ વધ્યો છે.

સોમવારે બજાર આખો દિવસ નરમ રહ્યું હતું. મોટા ભાગનાં ક્ષેત્રોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈ એનર્જી (૧.૧૦ ટકા) અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ (૦.૭૭ ટકા)ને બાદ કરતાં બધાં જ ક્ષેત્રોમાં વેચવાલી થઈ હતી અને બાકીના બધા સેક્ટોરલ ઇન્ડાઇસિસ ઘટાડે બંધ રહ્યા હતા.

૩૦ સ્ટૉક્સનો એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સ ૪૭૦.૪૦ પૉઇન્ટ (૦.૯૬ ટકા) ઘટીને ૪૮,૫૬૪.૨૭ બંધ રહ્યો હતો. આ જ રીતે નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ ૧૫૨.૪૦ પૉઇન્ટ (૧.૦૬ ટકા) ઘટીને ૧૪,૨૮૧.૩૦ પૉઇન્ટ બંધ રહ્યો હતો.

બીએસઈમાં રિલાયન્સ, એચડીએફસી બૅન્ક, આઇટીસી, ઇન્ફોસિસ, સ્ટેટ બૅન્ક, તાતા સ્ટીલ, ટીસીએસ, બજાજ ફાઇનૅન્સ, લાર્સન ઍન્ડ ટુબ્રો, એચસીએલ ટેક, ઇન્ડસઇન્ડ બૅન્ક અને આઇસીઆઇસીઆઇ બૅન્ક સહિતના સ્ટૉક્સમાં વૉલ્યુમ ટર્નઓવર વધી ગયું હતું.

નિફ્ટીમાં શુક્રવારનો ઘટાડો આગળ વધતાં સોમવારે શરૂઆત નબળી રહીને ૧૪,૪૫૩ના સ્તરે થઈ હતી અને પછી એમાં તીવ્ર ઘટાડો આવ્યો હતો. એને ૧૪,૨૨૨ના સ્તરે સપોર્ટ મળ્યો હતો. છેલ્લા એક કલાકમાં પ્રૉફિટ બુકિંગ તીવ્ર બનતાં ઇન્ડેક્સ દિવસના નીચલા મથાળે બંધ રહ્યો હતો. શુક્રવારની તુલનાએ સોમવારે વૉલ્યુમ ઓછું હતું.

એનએસઈ પર બ્રોડર માર્કેટમાં નિફ્ટી મિડ કૅપ-૫૦ ઇન્ડેક્સ ૨.૫૯ ટકા પડ્યો હતો. આ જ રીતે નિફ્ટી સ્મૉલ કૅપ-૧૦૦ ઇન્ડેક્સ ૧.૭૭, નિફ્ટી સ્મૉલ કૅપ-૫૦ ઇન્ડેક્સ ૧.૬૭ ટકા ઘટ્યો હતો. નિફ્ટી મેટલ ૪.૦૮, નિફ્ટી સીપીએસઈ ૩.૨૨ ટકા, નિફ્ટી ફાર્મા ૨.૭૭ ટકા, નિફ્ટી પીએસઈ ૨.૬૧ ટકા, નિફ્ટી ઑટો ૨.૧૩ અને નિફ્ટી બૅન્ક ૧.૩૫ ટકા ઘટ્યા હતા. ઇન્ડિયા વૉલેટિલિટી ઇન્ડેક્સ પણ ૧.૬૦ ટકા વધીને ૨૪.૪૦ પહોંચ્યો હતો.

સેન્સેક્સમાંથી રિલાયન્સ ૨.૩૭  ટકા, ટાઇટન ૧.૮૬ ટકા, એચડીએફસી બૅન્ક ૧.૧૫ ટકા અને આઇટીસી ૦.૭૬ ટકાને બાદ કરતાં બાકીના સ્ટૉક્સ ૦.૦૪ ટકાથી લઈને ૫.૫૮ ટકા ઘટ્યા હતા. ટોચના ઘટનારા સ્ટૉક્સમાં તાતા સ્ટીલ ૫.૫૮ ટકા, ઓએનજીસી ૪.૫૯ ટકા, સન ફાર્મા ૩.૭૪ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૩.૭૧ ટકા, પાવરગ્રિડ ૩.૫૦ ટકા, બજાજ ફાઇનૅન્સ ૩.૪૪ ટકા, બજાજ ફિનસર્વ ૩.૨૧ ટકા, સ્ટેટ બૅન્ક ૩.૧૯ ટકા, એનટીપીસી ૨.૯૯ ટકા અને ઍક્સિસ બૅન્ક ૨.૭૯ ટકા ઘટ્યા હતા.

સોમવારે ‘એ’ ગ્રુપની ૧ કંપનીને ઉપલી સર્કિટ અને ૪ કંપનીને નીચલી સર્કિટ લાગી હતી, જ્યારે ‘બી’ ગ્રુપની ૨૨ કંપનીઓને ઉપલી અને ૪૨ કંપનીઓને નીચલી સર્કિટ સહિત બધાં ગ્રુપની ૬૧૨ કંપનીઓમાંથી ૩૧૦ કંપનીઓને ઉપલી અને ૩૦૨ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી. બીએસઈ પર ‘એ ગ્રુપમાં વધેલા ટોચના સ્ટૉક્સમાં ન્યુ લૅન્ડ લૅબ (૧૨.૫૩ ટકા), સુપ્રીમ પેટ્રો (૭.૭૩ ટકા), યુનાઇટેડ ફોસ્ફરસ (૭.૩૯) ટકા, કેઈઆઇ ઇન્ડસ્ટ્રીઝ (૫.૭૮ ટકા) અને તાતા એલેક્સી (૫.૩૩ ટકા) સામેલ હતા, જ્યારે માસ્ટેક (૧૧.૧૦ ટકા), એમએસટીસી (૯.૩૯ ટકા), તાતા સ્ટીલ એલપી (૮.૪૧ ટકા), રેમકો ઇન્ડસ્ટ્રીઝ (૭.૧૭ ટકા) અને શોભા ઇન્ડસ્ટ્રીઝ (૭.૧૭ ટકા) ટોચના ઘટનારા સ્ટૉક્સ હતા.

ડેરિવેટિવ્ઝ રિપોર્ટ

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સોમવારે કુલ ૨,૨૨,૨૨૭.૮૪ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૫૨,૨૫૦ સોદાઓમાં ૧૯,૦૦,૮૨૨ કોન્ટ્રેક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૮,૩૭,૬૬૬ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સમાં ૭.૫૩ કરોડ રૂપિયાના ૪૦ સોદામાં ૬૭ કોન્ટ્રેક્ટ્સનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કૉલ ઑપ્શનના ટ્રેડ થયેલા ૩૫,૨૮૮ સોદામાં ૧૪,૦૨,૯૨૬ કોન્ટ્રેક્ટ સાથે ૧,૭૦,૫૦૯.૩૧ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઑપ્શનના ટ્રેડ ૧૬,૯૨૨ સોદામાં ૪,૯૭,૮૨૯ કોન્ટ્રેક્ટ સાથે ૫૧,૭૧૧ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.

ટેક્નિકલ દૃષ્ટિએ

સાપ્તાહિક ચાર્ટ પર દોજી કૅન્ડલ રચાયા બાદ દૈનિક ચાર્ટ પર સેન્સેક્સ અને નિફ્ટીમાં બેરિશ કૅન્ડલ રચાઈ છે.

બજાર કેવું રહેશે?

બજાર ૧૪,૩૫૦/૪૮,૮૦૦ના મહત્ત્વપૂર્ણ સપોર્ટની નીચે બંધ રહ્યું હોવાથી

આગામી એક-બે દિવસમાં ૧૪,૧૦૦/૪૮,૧૦૦ સુધીનો ઘટાડો આવી શકે છે. ઉપરમાં ૧૪,૩૫૦/૪૮,૮૦૦ અને પછી ૧૪,૪૬૦/૪૯,૧૫૦ મોટાં રેઝિસ્ટન્સ છે.

સોમવારે અમેરિકામાં માર્ટિન લ્યુથર કિંગ હોલિડેને પગલે બજાર બંધ રહ્યાં હોવાથી મંગળવારે ભારતીય બજારને ત્યાંનો કોઈ અંદાજ મળશે નહીં. આવામાં બજાર રૅન્જ બાઉન્ડ રહી શકે છે. વૉલેટિલિટી ઇન્ડેક્સ ઊંચે જવાથી દિવસ દરમિયાન મોટી ઊતર-ચડ જોવા મળી શકે છે.

business news