રિફાઇનરી ઉદ્યોગને બચાવવા પામતેલની આયાત-ડ્યુટીમાં વધારો કરો

14 January, 2022 12:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘સી’એ ક્રૂડ અને રિફાઇન્ડ પામતેલ વચ્ચેનો ડ્યુટીનો ગાળો વધારવાની માગણી કરી

પ્રતીકાત્મક તસવીર

દેશમાં રિફાઇન્ડ પામતેલની વધતી આયાત સ્થાનિક રિફાઇનરી ઉદ્યોગ અને રોજગારી માટે મૃત્યુઘંટ સમાન છે. કેન્દ્ર સરકાર દ્વારા ડિસેમ્બરમાં ડ્યુટી ઘટાડવાને કારણે આગામી દિવસોમાં રિફાઇનરી ઉદ્યોગને મોટી અસર થવાની ભીતિ દેશના અગ્રણી તેલીબિયાં સંગઠન એવા સૉલ્વન્ટ એક્સટ્રૅક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (સી)એ વ્યક્ત કરી છે.
સી દ્વારા તાજેતરમાં કેન્દ્રીય ગ્રાહક બાબતોના અને ખાદ્ય મંત્રાલયના સચિવ સુધાંશુ પાંડેને પત્ર લખીને રજૂઆત કરી છે કે કેન્દ્ર સરકારે ૨૦ ડિસેમ્બરથી ડ્યુટી ઘટાડી એ પહેલાં ક્રૂડ પામતેલ અને રિફાઇન્ડ પામતેલની આયાત-ડ્યુટી વચ્ચેનો તફાવત ૧૧ ટકા હતો, જે ઘટાડીને ૫.૫ ટકા કર્યો છે. એને પગલે દેશની ક્રૂડ પામતેલની રિફાઇનરીઓને મોટી અસર પડી છે.
તેમણે કહ્યું કે હાલમાં ઇન્ડોનેશિયાથી પામતેલમાં નિકાસ પર ટૅક્સ અને લેવી મળીને ક્રૂડ પામતેલ ઉપર ૩૭૫ ડૉલર પ્રતિ ટન અને રિફાઇન્ડ પામોલીનના ભાવ ૨૪૮ ડૉલર પ્રતિ ટન થાય છે. બન્ને તેલ વચ્ચેની ડ્યુટીનો તફાવત ૫.૫ ટકાનો હોવાથી હાલમાં ક્રૂડ પામતેલની તુલનાએ રિફાઇન્ડ પામોલીનની આયાત સસ્તી પડે છે. પરિણામે દેશમાં રિફાઇન્ડ પામતેલની આયાતમાં મોટો વધારો થયો છે.
સરકારના આ નિર્ણયને પગલે દેશની રિફાઇનરી ઉદ્યોગને અસર થવાની સાથે દેશના તેલીબિયાં ઉગાડતા ખેડૂતોને પણ લાંબા ગાળે અસર થઈ શકે છે. દેશમાં રિફાઇનરી ઉદ્યોગને અસર થવાથી તેલીબિયાંનો વપરાશ ઘટશે. પરિણામે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે બન્ને તેલ વચ્ચેની ડ્યુટી ફરી ધારીને ૧૧ ટકા કરવા અને રિફાઇન્ડ પામતેલને ફરી એક વાર નિયંત્ર‌િત કૉમોડિટીમાં નાખવા વિનંતી છે. જો તાત્કાલિક અમલ ન થઈ શકે તો ઓછામાં ઓછા પહેલી એપ્રિલથી તો ફ્રી કૅટેગરીમાંથી મુક્ત કરવી જોઈએ, જેથી રાયડાની નવી આવકો શરૂ થાય ત્યારે એને બહુ ઓછી અસર થશે.
ઉલ્લેખનીય છે કે ચાલુ સીઝન વર્ષના પહેલા બે મહિના નવેમ્બર-ડિસેમ્બરમાં રિફાઇન્ડ પામતેલની આયાત ગયા વર્ષની તુલનાએ અનેકગણી વધારે થઈ છે. રિફાઇન્ડ પામતેલની બે મહિનામાં કુલ ૮૨૨૬૭ ટનની આયાત થઈ છે, જે ગયા વર્ષે આ બે મહિના દરમ્યાન માત્ર ૧૨૯૦૦ ટનની થઈ હતી.

business news