વૈશ્વિક ખાંડમાં તેજી : ભાવ વધીને ૬ સપ્તાહની ટોચે

28 September, 2022 04:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાયદામાં ડિલિવરેબલ માલની અછત હોવાથી વાયદો ઊંચકાઈ રહ્યો છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

વૈશ્વિક ખાંડબજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે અને ભાવ છ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. વૈશ્વિક ભાવ ઊંચકાયા હોવાથી ઘરઆંગણે પણ તહેવારો દરમ્યાન ભાવ વધી શકે છે, જોકે ભારતમાં નવી સીઝન ચાલુ થવાની તૈયારીમાં અને પૂરતો સ્ટૉક હોવાથી બહુ મોટી તેજી દેખાતી નથી.

આઇસીઈ ખાતે કાચી ખાંડનો ઑક્ટોબર વાયદો ૨.૨ ટકા વધીને સોમવારે ૧૮.૭૦ ડૉલરની સપાટી પર પહોંચ્યો હતો, જે છ સપ્તાહની સૌથી ઊંચી સપાટી હતી. વાયદામાં ડિલિવરેબલ માલની અછત હોવાથી વાયદો ઊંચકાઈ રહ્યો છે. ટેક્નિકલી ભાવ વધી રહ્યા છે અને છેલ્લા એક સપ્તાહમાં ભાવ છ ટકા વધી ગયા છે. લંડન મેટલ એક્સેચન્જ ખાતે સફેદ ખાંડનો વાયદો ૫૩૯.૬૦ ડૉલરની સપાટી પર પહોંચ્યો હતો.

વૈશ્વિક ખાંડમાં તેજી થવાને પગલે ભારતીય બજારમાં પણ તેજી અસર થઈ શકે છે. તહેવારો શરૂ થઈ ગયા છે અને હવે છેક દિવાળી સુધી તહેવારો ચાલુ રહેવાના છે, જેને પગલે સરેરાશ ખાંડની માગ સારી રહેશે.

ખાંડના એક અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ખાંડની નિકાસ માટેની નીતિ ક્યારે કેવી જાહેર કરે છે તેના ઉપર ખાંડની તેજી-મંદીનો મોટો આધાર રહેલો છે. વર્તમાન સંજોગોમાં સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાઈ રહ્યો છે. બહુ તેજી થશે તો સ્ટૉકિસ્ટો પાસે પડેલો માલ બજારમાં આવી શકે છે. મિલો પાસે પણ પૂરતો સ્ટૉક પડ્યો છે.

business news commodity market