ચીનમાં કોરોનાના કેસ વધતાં તેમ જ ચીન-તાઇવાન વચ્ચે ટેન્શનથી સોના-ચાંદી વધ્યાં

07 April, 2021 03:02 PM IST  |  Mumbai | Mayur Mehta

બ્રિટનમાં કોરોનાના કેસ ઘટતાં ૧૨ એપ્રિલથી સંપૂર્ણ લૉકડાઉન ઉઠાવી લેવાનો નિર્ણય કરાતાં પાઉન્ડ સામે ડૉલર ઘટ્યો

પ્રતીકાત્મક તસવીર

ચીનમાં કોરોનાના કેસ વધીને બે મહિનાની ઊંચાઈએ પહોંચતાં તેમ જ ચીન-તાઇવાન વચ્ચે ટેન્શનથી વર્લ્ડ માર્કેટમાં સોના-ચાંદીના ભાવ વધ્યા હતા. લંડન મેટલ એક્સચેન્જમાં કોપરના ભાવ નવેસરથી ઊછળતાં તેની અસરે ચાંદી પણ વધી હતી, જેને પગલે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૫૦ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૪૬૦ રૂપિયા વધી હતી.

વિદેશી પ્રવાહો

ચીનમાં કોરોનાના નવા ૩૨ કેસ સોમવારે જોવા મળ્યા હતા જે છેલ્લા બે મહિનાના સૌથી વધુ કેસ હતા તેમ જ ચાઇનીઝ જેટ ફાઇટર પ્લેન તાઇવાનના ડિફેન્સ ઝોનમાં ઘૂસી જતાં ચીન અને તાઇવાન વચ્ચે ટેન્શન વધ્યું હતું. આ ઉપરાંત બ્રિટનમાં કોરોનાના કેસ એક તબક્કે વધીને રોજના ૮થી ૧૦ હજાર વધતા હતા તે ઘટીને હાલ ૨૦૦૦થી ૨૫૦૦ થતાં ગવર્નમેન્ટે ૧૨ એપ્રિલથી લૉકડાઉન સંપૂર્ણપણે ઉઠાવી લેવાની જાહેરાત કરાઈ હતી. બ્રિટનના નિર્ણયની અસરે કરન્સી બાસ્કેટમાં ડૉલર નબળો પડતાં ઘટ્યો હતો, ઉપરાંત બાઇડનની કૉર્પોરેટ તેમ જ ફોરેન ઇન્કમ પર ટૅક્સ વધારવાની દરખાસ્તનો રિપબ્લિકન પાર્ટી દ્વારા વિરોધ થવાની ધારણાએ બૉન્ડ યીલ્ડમાં ઘટાડો જોવા મળ્યો હતો. ચીનમાં કોરોનાના કેસ વધવાની અસરે સોનું વર્લ્ડ માર્કેટમાં વધીને એક સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યું હતું. જોકે ચાંદી રેન્જબાઉન્ડ રહી હતી અને પ્લેટિનમ-પૅલેડિયમ ઘટ્યાં હતાં.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ ગુડ્ઝ ઓર્ડર ૧૦ મહિના પછી પ્રથમ વખત ઘટ્યા હતા, ફેબ્રુઆરી મહિનામાં ૦.૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો, વળી માર્કેટની ધારણા ૦.૫ ટકાના ઘટાડાની હતી તેના કરતાં ઘટાડો વધુ થયો હતો. જોકે અમેરિકાનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ માર્ચમાં વધીને ૬૩.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૫૫.૩ પૉઇન્ટ હતો અને ટ્રેડની ધારણા ૫૯ પૉઇન્ટની હતી, સર્વિસ સેક્ટરના ગ્રોથમાં એક મહિનામાં આવેલો ઉછાળો અત્યાર સુધીનો સૌથી મોટો રહ્યો હતો. ચીનનો સર્વિસ સેક્ટરનો કેઝીન ગ્રોથ ઇન્ડેક્સ માર્ચમાં વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ ૫૪.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૫૧.૫ પૉઇન્ટ હતો, સર્વિસ અને મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ વધતાં કમ્પોઝીટ ઇન્ડેક્સ પણ વધ્યો હતો. જપાનનું હાઉસહોલ્ડ સ્પેન્ડિંગ સતત ત્રીજે મહિને ફેબ્રુઆરીમાં ૬.૬ ટકા ઘટ્યું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

અમેરિકાના સ્ટ્રૉન્ગ જૉબડેટા અને ઇકૉનૉમિક રિકવરીની અસરે સોનું ચાલુ સપ્તાહે ઘટશે તેવી લગભગ બધાની ધારણા હતી, પણ સોમવારે-મંગળવારે સોનામાં સુધારો જોવા મળ્યો છે. કોરોના વાઇરસનું જન્મસ્થાન આખું જગત જેને માને છે તે ચીનમાં કોરોનાના કેસ સોમવારે એકાએક વધીને બે મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા. ચીનમાં આફ્રિકન સ્વાઇન ફીવરનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. ભારતમાં કોરોનાના કેસ જોતજોતામાં એક લાખ નજીક પહોંચી ગયા છે. ભારત-ચીન વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ છે, આ બે દેશોમાં કોરોનાના કેસનો વધારો નવી ક્રાઇસીસ ઊભી થવાનો સંકેત આપે છે. જોકે યુરોપ અને અમેરિકામાં કોરોનાના કેસ સોમવારે ઘટ્યા હતા. જર્મનીના હેલ્થ મિનિસ્ટરે જાહેરાત કરી હતી કે મેના આરંભે જર્મનની ૨૦ ટકા વસ્તી ફાસ્ટ વૅક્સિનેશનને કારણે ઇમ્યુન થઈ જશે. અમેરિકા અને ઇરાન વચ્ચે ૨૦૧૫માં થયેલા ન્યુક્લિયર ડીલ બાબતે ફરી મંત્રણાનો દોર ચાલુ થઈ રહ્યો છે. વર્લ્ડના દરેક ખૂણે હાલ ઘટનાક્રમ ઝડપથી બદલાઈ રહ્યા છે, નવા ડેવલપમેન્ટને કારણે દરેક ફાઇનૅન્શિયલ માર્કેટના સેન્ટિમેન્ટ દરરોજ બદલાઈ રહ્યા છે જેને કારણે સોનામાં શૉર્ટ ટર્મ અનિશ્ચિત વધ-ઘટ જોવા મળશે. હાલ આકાર લઈ રહેલી ઘટનાઓનું ભવિષ્ય અને તેના પરિણામો દિશાહીન હોઈ સોનાનું લૉન્ગ ટર્મ ભાવિ અનિશ્ચિત છે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૫,૪૧૦

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૫,૨૨૮

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૫,૪૨૨

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news