હાલના સંજોગોમાં જેટલું સારુ થાય એવું સારુ કરવાનો પ્રયાસ બજેટમાં દેખાયુ

17 February, 2020 12:04 PM IST  |  Mumbai | Khyati Mashroo - Vasani

હાલના સંજોગોમાં જેટલું સારુ થાય એવું સારુ કરવાનો પ્રયાસ બજેટમાં દેખાયુ

બજેટ 2020

દેશમાં અર્થતંત્રની સ્થિતિ નાજુક છે એથી તેને બેઠું કરવા માટે સરકારે બજેટમાં કોઈ મોટાં પગલાં ભર્યાં વગર છૂટકો નથી એવી બજારમાં આશા હતી. હવે બજેટ આવી ગયા પછી જો તમે કોઈને પૂછશો કે આગામી એક વર્ષમાં આર્થિક સ્થિતિ સુધરી જાય એવું કોઈ મોટું પરિવર્તન આવશે તો ઘણા લોકોનો જવાબ સ્પષ્ટપણે ‘ના’ હશે.

નાણાં મંત્રાલયનાં સૂત્રોનું કહેવું છે કે ઘણા મોટા પ્રમાણમાં લોકો કરની બચત કરવા માટે અલગ અલગ કારણસર નાણાં બચાવી શકતાં નથી. કરબચત માટે પ્રોવિડન્ટ ફન્ડ, પેન્શન ફન્ડ, હાઉસિંગ લોન પરનું વ્યાજ, વીમાનું પ્રીમિયમ વગેરે જેવાં કરબચતનાં સાધનો માટે નાણાં વાપરી શકાય એટલાં પૈસા તેમની પાસે બચતા નહીં હોવાથી એ લોકો કરબચતનો લાભ લઈ શકતા નથી અને તેમણે વધારે કરવેરો ચૂકવવો પડે છે. આવી સ્થિતિમાં તેમને મદદરૂપ થવા માટે સરકારે વ્યક્તિગત આવક વેરામાં વૈકલ્પિક કરમાળખું રજૂ કર્યું છે. કરબચત માટેના વિકલ્પોનો ઉપયોગ નહીં કરી શકનારા લોકો હવે વૈકલ્પિક કરમાળખાનો લાભ લઈને આવક વેરાના ઘટાડેલા દરનો લાભ લઈ શકે છે.

બીજું પરિવર્તન એ આવ્યું છે કે આવક વેરા ખાતાના કાર્યાલયમાં ગયા વગર જ કરદાતા પોતાનાં અનેક કામ પતાવી શકે છે અને અનેક નિયમોનું પાલન કરી શકે છે.

દેશના અર્થતંત્રમાં અત્યારે માગ વધારવાની જરૂર છે તેથી સરકાર તે માટેનાં મોટાં પગલાં ભરશે એવું બધાને લાગતું હતું. રાજકોષીય ખાધ વધાર્યા વગરનાં એ પગલાં હશે એવી બધાની માન્યતા હતી. આપણી મોટાભાગની વસતિ હજી ગામોમાં છે અને તેથી ગ્રામજનોનો ખર્ચ વધે એ જરૂરી છે. હાલના સંજોગોમાં ગ્રામીણ ખર્ચ ૨.૯ લાખ કરોડ રૂપિયાથી ઘટીને ૨.૮૩ લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે, તેની પાછળનું કારણ સમજાતું નથી.

બીજી બાજુ અમુક લોકોનું કહેવું હતું કે સરકાર વપરાશ વધારવાને બદલે રોકાણ વધારવા પર લક્ષ આપશે અને તેના દ્વારા અર્થતંત્રમાં ગતિશીલતા લાવવાનો પ્રયત્ન કરશે. આથી જ જોઈ શકાય છે કે સરકારે મૂડીગત ખર્ચ વધે એવાં કોઈ મોટાં પગલાં ભર્યાં નથી. તેણે કરવેરાને લગતી જોગવાઈઓ દ્વારા ૪૦,૦૦૦ કરોડ રૂપિયા લોકોના હાથમાં રહેવા દેવાનું જાહેર કર્યું છે. જોકે આ પગલું પણ બેધારી તલવાર જેવું છે. તેણે ઘણાબધા એક્ઝમ્પ્શન્સ રદ કરી દીધાં હોવાથી દેશમાં બચત અને રોકાણનું વાતાવરણ બગડે એવી શક્યતા છે.

સોવરિન વેલ્થ ફન્ડસને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રૉજેક્ટ્સમાં રોકાણ કરવાની પરવાનગી આપવામાં આવી એ પણ સારું પગલું છે. કેટલાક બીજા ફેરફારોને લીધે નાના રિટેલરો, વેપારીઓ તથા સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના એકમોને રાહત મળશે.

નિર્મલા સીતારમણે રજૂ કરેલા ૨૦૨૦-’૨૧ના બજેટમાં કૃષિ, સિંચાઈ તથા ગ્રામીણ વિકાસ, જળસંચય અને સ્વચ્છતા, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ જેવાં ક્ષેત્રો પર વિશેષ લક્ષ આપવામાં આવ્યું છે. તેની સાથે જ બજેટમાં મહિલાઓ અને બાળ કલ્યાણ, સંસ્કૃતિ અને પર્યટન તથા પર્યાવરણ અને વાતાવરણના રક્ષણ જેવી બાબતોને મહત્ત્વ આપવામાં આવ્યું છે.

એકંદરે હાલના સંજોગોમાં જેટલું સારું થાય એટલું સારું કરવાનો પ્રયાસ બજેટમાં જોવા મળે છે.

business news budget 2020