રૂની નિકાસ ચાલુ વર્ષના પહેલા ત્રણ મહિનામાં ગયા વર્ષની તુલનાએ ૨૫ ટકા ઘટી

14 January, 2022 12:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑક્ટોબરથી ડિસેમ્બર ક્વૉર્ટરમાં માત્ર ૧૫ લાખ ગાંસડીની જ નિકાસ થઈ

પ્રતીકાત્મક તસવીર

દેશમાં રૂના આસમાની ઊંચા ભાવની અસર નિકાસ-વેપારો ઉપર પણ થઈ છે. ચાલુ સીઝન વર્ષના પહેલા ત્રણ મહિના દરમ્યાન રૂની નિકાસમાં ગયા વર્ષની તુલનાએ ૨૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. રૂના વર્તમાન ભાવ જોતાં સમગ્ર
વર્ષ દરમ્યાન નિકાસ-વેપારો ઓછા જ થાય એવી સંભાવના છે. છેલ્લા થોડા દિવસથી નવા નિકાસ-વેપારો સાવ અટકી ગયા છે.
રૂની નિકાસ સાથે સંકળાયેલા એક બ્રોકરે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં રૂના ઊંચા ભાવને પગલે નિકાસ-વેપારો ઠંડા છે. વર્તમાન ભાવથી કોઈને ભારતીય રૂ લેવું નથી, કારણ કે ન્યુ યૉર્કની તુલનાએ ભારતીય રૂના ભાવ પ્રીમિયમમાં છે.
રૂની નિકાસ ઑક્ટોબરથી ડિસેમ્બર દરમ્યાન કુલ ૧૫ લાખ ગાંસંડીની થઈ છે, જે ગયા વર્ષે આ જ સમયગાળામાં ૨૦ લાખ ગાંસડીની થઈ હતી. આમ નિકાસમાં ૨૫ ટકાનો વધારો થયો છે. ચાલુ સીઝનમાં મોટા ભાગની નિકાસ બંગલાદેશમાં જ થઈ છે. ચીન, ઇન્ડોનેશિયા અને વિયેટનામમાં થોડી જ નિકાસ થઈ છે. વર્તમાન સમયમાં ચીનમાં કોઈ નિકાસ-વેપાર થતા નથી.
રૂમાં ઊંચા ભાવને પગલે જાન્યુઆરી મહિનામાં ભારતીય નિકાસકારોએ માત્ર ત્રણ લાખ ગાંસડીના જ ફૉર્વર્ડ વેપાર કર્યા છે. ચાલુ મહિનામાં કૉટન એમસીએક્સ વાયદો વધીને ૩૬૩૯૦ રૂપિયાની ઑલટાઇમ હાઈની સપાટીએ પહોંચ્યો હતો. એ મુજબ ખાંડીનો ભાવ ૭૫,૦૦૦ રૂપિયાની આસપાસ થાય છે.
દેશમાં રૂનો પાક ધારણાથી ઓછો અને નવી આવકો એકદમ ઓછી થઈ હોવાથી ભાવ ઊંચકાયા છે. બીજી તરફ ટેક્સટાઇલ્સ સેક્ટરની માગ ખૂબ સારી છે અને એની નિકાસ પણ વધારે હોવાથી ડોમેસ્ટિક વપરાશ પણ વધ્યો છે. કૉટન કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા પાસે પણ આ વર્ષે બહુ ખાસ કહી શકાય એવો સ્ટૉક પડ્યો નથી.
રૂની વર્તમાન ભાવ અને સ્ટૉકની સ્થિતિ જોતાં ચાલુ સીઝન વર્ષમાં માંડ ૪૦થી ૪૫ લાખ ગાંસડીની નિકાસ થાય એવો અંદાજ છે, જે ગયા વર્ષે ૭૫થી ૭૮ લાખ ગાંસડીની થઈ હતી. આમ નિકાસમાં ૪૦થી ૫૦ ટકાનો ઘટાડો થાય એવી સંભાવના છે.

business news