મુંબઈમાં માર્ચની તુલનાએ એપ્રિલમાં રહેણાક મિલકતોનું રજિસ્ટ્રેશન 42 ટકા ઘટ્યું

04 May, 2021 12:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં રહેણાક મિલકતોનું રજિસ્ટ્રેશન માર્ચની તુલનાએ ૪૨ ટકા ઘટીને ૧૦,૧૩૬ યુનિટ થયું હતું. કોરોનાના રોગચાળાના બીજા મોજાને લીધે તથા સ્ટૅમ્પ ડ્યુટીના ઘટાડાની સમયમર્યાદા પૂરી થવાને કારણે ઘરની માગ પર પ્રતિકૂળ અસર થઈ હોવાનું નાઇટ ફ્રાન્ક ઇન્ડિયાએ જણાવ્યું

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં રહેણાક મિલકતોનું રજિસ્ટ્રેશન માર્ચની તુલનાએ ૪૨ ટકા ઘટીને ૧૦,૧૩૬ યુનિટ થયું હતું. કોરોનાના રોગચાળાના બીજા મોજાને લીધે તથા સ્ટૅમ્પ ડ્યુટીના ઘટાડાની સમયમર્યાદા પૂરી થવાને કારણે ઘરની માગ પર પ્રતિકૂળ અસર થઈ હોવાનું નાઇટ ફ્રાન્ક ઇન્ડિયાએ જણાવ્યું છે. 

ઘણા લોકોએ સ્ટૅમ્પ ડ્યુટીનો વધારો થવા પહેલાં સ્ટૅમ્પ ડ્યુટી ભરી દીધી હતી અને રજિસ્ટ્રેશન પહેલી એપ્રિલ પછી કરાવ્યું હતું. આને કારણે રજિસ્ટ્રેશન ટકી રહ્યું છે, અન્યથા ઘટાડો ૯૦ ટકા કરતાં વધુ હોત. નાઇટ ફ્રાન્ક ઇન્ડિયાએ જણાવ્યા મુજબ ચર્ચગેટથી દહિસર અને કોલાબાથી મુલુંડ વચ્ચેના વિસ્તારોમાં માર્ચમાં ૧૭,૪૪૯ યુનિટનું અને એપ્રિલમાં ૧૦,૧૩૬ યુનિટનું રજિસ્ટ્રેશન થયું હતું. એપ્રિલમાં જ થયેલા વેચાણનું રજિસ્ટ્રેશન થયું હોય એવું ફક્ત ૭ ટકા કિસ્સામાં બન્યું હતું. બાકી બધાં રજિસ્ટ્રેશન અગાઉ ચૂકવાયેલી સ્ટૅમ્પ ડ્યુટી માટેનાં હતાં. નાઇટ ફ્રાન્ક ઇન્ડિયાના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર શિશિર બૈજલે કહ્યું હતું કે રાજ્ય સરકારે ફરીથી સ્ટૅમ્પ ડ્યુટીના ઘટાડા જેવી સવલત આપવા વિશે વિચાર કરવો જોઈએ.

business news