મુંબઈમાં સોનું-ચાંદી સતત ત્રીજા દિવસે વધ્યાં, ત્રણ દિવસમાં સોનું ૮૫૮ અને ચાંદી ૧૩૬૭ રૂપિયા વધ્યાં

27 April, 2024 07:47 AM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકાનો ગ્રોથરેટ બે વર્ષના તળિયે પહોંચતાં રેટકટની શક્યતા વધતાં સોનું વધ્યું

પ્રતીકાત્મક તસવીર

અમેરિકી ગ્રોથરેટ બે વર્ષના તળિયે પહોંચતાં ફેડ દ્વારા ઇન્ટરેસ્ટ રેટ ઘટાડો વહેલો શરૂ કરવામાં આવે એવી શક્યતા વધતાં વર્લ્ડ માર્કેટમાં સોનું વધ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૫૪ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૪૭૬ રૂપિયા વધ્યો હતો. મુંબઈમાં સતત ત્રીજે દિવસે સોના-ચાંદીના ભાવ વધ્યા હતા. છેલ્લા ત્રણ દિવસમાં સોનાનો ભાવ ૮૫૮ રૂપિયા અને ચાંદીનો ભાવ ૧૩૬૭ રૂપિયા વધ્યો હતો.

વિદેશ પ્રવાહ

વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૩૫૨.૪૦ ડૉલર થયા બાદ શુક્રવારે સાંજે ૨૩૪૪થી ૨૩૪૫ ડૉલરની રેન્જમાં હતું. સોનું વધતાં ચાંદી પણ વધી હતી, પણ પ્લૅટિનમ અને પૅલેડિયમ ઘટ્યાં હતાં. 
જપાનની સેન્ટ્રલ બૅન્કે બે દિવસની પૉલિસી મીટિંગના અંતે ઇન્ટરેસ્ટ રેટ ઝીરોથી ૦.૧ ટકા જાળવી રાખવાની જાહેરાત કરી હતી. જપાનની કરન્સી યેનનું મૂલ્ય ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખવાના નિર્ણય બાદ વધુ ગગડીને ૩૪ વર્ષની નવી નીચી સપાટીએ ૧૫૬ ડૉલરે પહોંચ્યું હતું.

અમેરિકી ડૉલર ઇન્ડેક્સ જપાનના ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખવાના નિર્ણય બાદ ૦.૦૩ ટકા વધીને ૧૦૫.૬૩ પૉઇન્ટે પહોંચ્યો હતો.

અમેરિકાના નવા અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ ૨૦મી એપ્રિલે પૂરા થયેલા સપ્તાહના અંતે ૫૦૦૦ ઘટીને ૨.૦૭ લાખે પહોંચ્યા હતા જે છેલ્લા બે મહિનાના સૌથી નીચા હતા અને માર્કેટની ૨.૧૪ લાખની ધારણા કરતાં નીચા હતા. એ​ક્ઝિ​સ્ટિંગ અનએમ્પ્લૉયમેન્ટ નંબર્સ પણ ૭૩૬૩ ઘટીને ૨.૦૧ લાખે પહોંચ્યા હતા.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

અમેરિકાના ફર્સ્ટ ક્વૉર્ટરના ગ્રોથરેટના ઍડ્વાન્સ એસ્ટિમેટમાં ૧.૬ ટકા ગ્રોથ આવતાં ઇકૉનૉમિક વર્તુળોમાં હલચલ મચી હતી, કારણ કે ૨૦૨૩ના ચોથા ક્વૉર્ટરમાં ગ્રોથરેટ ચાર ટકા હતો અને માર્કેટની ધારણા ૨.૫ ટકાની હતી. વળી ગ્રોથરેટ છેલ્લાં બે વર્ષનો સૌથી નીચો આવતાં અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને તાત્કાલિક પ્રેસ-કૉન્ફરન્સ બોલાવીને ગ્રોથરેટ આગળ જતાં વધશે એવી હૈયાધારણા અમેરિકન પબ્લિકને આપવી પડી હતી. જેનેટ યેલેને ઇન્ફ્લેશન પણ આગામી મહિનાઓમાં ઝડપથી નીચું આવશે એવું જણાવ્યું હતું. અમેરિકન પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ નબળો આવ્યા બાદ ગ્રોથરેટ બે વર્ષની નીચી સપાટીએ આવતાં ફેડને ઇન્ટરેસ્ટ રેટ ઘટાડા માટે નવેસરથી વિચારવું પડશે. એક સપ્તાહ અગાઉ ફેડના ઑફિશ્યલ્સની કમેન્ટ અને અમેરિકાના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટા બાદ ૨૦૨૪માં ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય નહીં લેવાય એવી શક્યતામાં આ બે ડેટા આવ્યા બાદ ધરમૂળથી ફેરફાર થયો છે. આ ફેરફારને અનુરૂપ ફેડના કોઈ ઑફિશ્યલ્સની ઇન્ટરેસ્ટ રેટમાં વહેલો ઘટાડો કરવાની કોઈ કમેન્ટ આવશે તો સોનામાં ફરી મજબૂતી જોવા મળશે. 

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૨,૪૪૮
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૨,૧૫૮
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૧,૩૭૪
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news gold silver price