15 વર્ષમાં પર્સિયન ગલ્ફના દેશોની સંપત્તિમાં 2 લાખ કરોડ ડૉલરનું ધોવાણ

08 February, 2020 10:31 AM IST  |  Washington

15 વર્ષમાં પર્સિયન ગલ્ફના દેશોની સંપત્તિમાં 2 લાખ કરોડ ડૉલરનું ધોવાણ

ડૉલર

આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ - આઇએમેફ)ના એક અંદાજ અનુસાર આવતાં ૧૫ વર્ષમાં વિશ્વના સૌથી ધનાઢ્ય ગણાતા આરબ દેશોની સંપત્તિમાં બે લાખ કરોડ ડૉલર (રૂપિયા ૧૪૨ લાખ કરોડ)નું ધોવાણ થશે. આ દેશોમાં સાઉદી અરબ, યુનાઇટેડ આરબ અમીરાત જેવા મોટા ક્રૂડ ઑઇલ ઉત્પાદક ઉપરાંત કતાર, ઓમાન અને બાહરિન જેવા દેશોનો સમાવેશ છે.

વિશ્વના કુલ ક્રૂડ ઉત્પાદનમાં પર્શિયન ગલ્ફ વિસ્તારમાં આવેલી અને ગલ્ફ કો-ઑપરેટિવ કાઉન્સિલ તરીકે ઓળખાતા આ ૬ દેશો પર આફત આવી શકે છે, કારણ કે વિશ્વભરમાં ક્રૂડ આઇલની માગ ઘટી રહી છે. માગ ઘટી રહી હોવાથી જો આ દેશો નિર્ણાયક રીતે આર્થિક સુધારાઓ હાથ ધરશે નહીં તો આગામી ૨૦૩૪ સુધીમાં પોતાની નાણાશક્તિ ગુમાવી બેસશે અને દેવું ઉઘરાવીને જીવતા થઈ જશે એવી આગાહી આઇએમએફે કરી છે. આ પછીના એક દાયકામાં તેમની ક્રૂડ ઑઇલ સિવાયની સંપત્તિ પણ પૂર્ણ રીતે થઈ જશે એવી આગાહી પણ કરવામાં આવી છે. આઇએમએફની મધ્ય એશિયા અને સેન્ટ્રલ એશિયાના વિશેષજ્ઞની બનેલી એક ટીમે આ અહેવાલ તૈયાર કર્યો છે.

ક્રૂડ ઑઇલની બજારમાં માગ અને પુરવઠામાં ધરખમ ફેરફાર આવી રહ્યા છે. એનું માળખું બદલાઈ રહ્યું છે. આ સમયમાં આ દેશોએ પોતાના આર્થિક ભાવિ માટે વ્યૂહાત્મક રીતે વિચારણા કરવી જોઈશે, એમ આઇએમએફના મધ્ય પૂર્વ અને મધ્ય એશિયાના વિભાભના વડા જીહાદ અઝુરે જણાવ્યું હતું. જે દેશોમાં આર્થિક સુધારા ચાલુ છે ત્યાં ઝડપ વધારવી પડશે. ક્રૂડ ઑઇલ સિવાયનાં ક્ષેત્રોથી આવક વધારવી, વધારે રોજગારીનું સર્જન થાય એ પ્રકારે રોકાણ કરવું અનિવાર્ય છે.

વધુ કાર્યક્ષમ બનેલી ક્રૂડ ઑઇલ સિવાયની ઊર્જાને કારણે માગ પર અસર થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય રીતે ક્રૂડ ઑઇલ ઉત્પાદકોએ આ વિશે વિચારવું પડશે. સાઉદી અરબ અને યુનાઇટેડ આરબ અમીરાત આ દિશામાં કામ કરી રહ્યા છે પણ તેમણે પોતાની ઝડપ વધારવી પડશે એમ આઇએમએફે જણાવ્યું હતું.

અખાતના ક્રૂડ ઑઇલ ઉત્પાદક દેશોએ ૨૦૦૭થી ૨૦૧૪ સુધીમાં બજેટમાં વધારે ખર્ચ કરવાની શરૂઆત કરી દીધી છે. ક્રૂડ ઑઇલના ભાવ ૨૦૧૪માં ઘટી ગયા ત્યારે તેમની ક્રૂડ ઑઇલની આવક સામે અન્ય સ્રોત ન હોવાથી બજેટમાં કાપ મૂકવો પડ્યો હતો અને તેમની ખાધ વધી રહી હોવાથી તેમની સંપત્તિ ઘટી રહી છે.

કોરોના વાઇરસ જેવી સ્થિતિમાં ક્રૂડની માગ ઘટી રહી છે એટલે અત્યારે તેમના હાથ વધારે બંધાયેલા છે. જો ક્રૂડ ઑઇલના ભાવ હજી ઘટે તો ધારણા કરતાં વહેલા પણ તેમની સંપત્તિ પર અસર થતી જોવા મળશે. હવે વિશ્વની ક્રૂડ ઑઇલની માગ ધીમે-ધીમે વધી રહી છે અને આગામી બે દાયકામાં એ ઘટવાનું શરૂ થઈ જશે.

આઇએમએફના અંદાજ અનુસાર ૨૦૪૧માં ક્રૂડ ઑઇલની માગ પ્રતિદિન ૧૧.૫ કરોડ બૅરલ સુધી પહોંચશે અને પછી ધીમે-ધીમે એમાં ઘટાડો જોવા મળશે. વિશ્વની સૌથી મોટી ક્રૂડ ઑઇલ ઉત્પાદક સાઉદી અરામ્કોના મતે પણ ક્રૂડ ઑઇલની માગ ૨૦૩૫ સુધીમાં મહત્તમ થઈ ઘટી શકે છે. ઊર્જા વધારે કાર્યક્ષમ બને અને સરકાર જો કાર્બન ટૅક્સ લાગુ કરે તો આ શરૂઆત ૨૦૩૦માં પણ થઈ શકે છે.

business news