અમેરિકાના જૉબડેટા નબળા આવતાં સોના-ચાંદીમાં ઘટ્યા મથાળેથી સુધારો

09 February, 2021 12:50 PM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકાના જૉબડેટા નબળા આવતાં સોના-ચાંદીમાં ઘટ્યા મથાળેથી સુધારો

પ્રતીકાત્મક તસવીર

‍અમેરિકાનો નૉન-ફાર્મ પે-રોલ ડેટા નબળો આવતાં અને ૧.૯ ટ્રિલ્યન ડૉલરનું રિલીફ પૅકેજ મંજૂર થવાની આશા વધતાં સોના-ચાંદી ઘટ્યા મથાળેથી સુધર્યાં હતાં જેને પગલે મુંબઈ જ્વેલરી માર્કેટમાં

સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૭૫ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૦૦૧ રૂપિયા સુધરી હતી.

વિદેશી પ્રવાહો

અમેરિકન અન-એમ્પ્લૉયમેન્ટ રેટ અને નૉન ફાર્મ પે-રોલ ડેટા નબળા આવતાં આર્થિક અનિશ્ચિતતા વધી હતી. કોરોના વાઇરસની સ્થિતિ ધીમે-ધીમે થાળે પડી રહી છે, પણ કોરોનાની આર્થિક અસરમાંથી બહાર નીકળવા માટે લાંબા સમય સુધી રિલીફ પૅકેજ આવતાં રહેશે. નબળા જૉબડેટાએ વધુ મોટાં રિલીફ પૅકેજોની શક્યતાથી ડૉલર ઘટ્યો હતો અને સોનું નીચા મથાળેથી સુધર્યું હતું. વળી અમેરિકન હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ આશા વ્યક્ત કરી હતી કે ૧.૯ ટ્રિલ્યન ડૉલરનું પૅકેજ ૧૫ ફેબ્રુઆરી પહેલાં મંજૂર થશે. નેન્સી પેલોસીની આશા બાદ સોનામાં નીચા મથાળે નવેસરથી લેવાલી નીકળી હતી. સોનાના સથવારે ચાંદી પણ વધી હતી. વર્લ્ડ માર્કેટમાં ગયા સપ્તાહે સોનાએ ૧૮૦૦ ડૉલરની સપાટી તોડી હતી, પણ સોમવારથી શરૂ થતા નવા સપ્તાહની શરૂઆતથી જ સોનું ૧૮૦૦ ડૉલરની ઉપર સતત વધી રહ્યું છે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકન અન-એમ્પ્લૉયમેન્ટ રેટ જાન્યુઆરીમાં ૦.૪ ટકા ઘટીને ૬.૩ ટકા રહ્યો હતો જે માર્કેટની ૬.૭ ટકાની ધારણા કરતાં ઘણો ઓછો હતો. અમેરિકામાં જાન્યુઆરીમાં નવી ૪૯ હજાર નવી નોકરીઓનું સર્જન થયું હતું, માર્કેટની ધારણા ૫૦ હજાર નવી નોકરીઓ ઊભી થવાની હતી. અમેરિકામાં વર્કરોનાં વેતન જાન્યુઆરીમાં પ્રતિ કલાક ૬ સેન્ટ વધીને ૨૯.૯૬ ડૉલર થયાં હતાં જે ડિસેમ્બરમાં એક ટકો વધ્યાં હતાં. અમેરિકાની એક્સપોર્ટ ડિસેમ્બરમાં ૩.૪ ટકા વધીને ૧૦ મહિનાની ઊંચાઈએ  અને ઇમ્પોર્ટ ૧.૫ ટકો વધીને એક વર્ષની ઊંચાઈએ પહોંચી હતી જેને કારણે અમેરિકાની વેપારખાધ ડિસેમ્બરમાં ઘટીને ૬૬.૬ અબજ ડૉલરે પહોંચી હતી. ચીનની ફોરેક્સ રિઝર્વ જાન્યુઆરીમાં ઘટીને ૩.૨૧૧ ટ્રિલ્યન ડૉલરે પહોંચી હતી જે ડિસેમ્બરમાં ૩.૨૧૭ ટ્રિલ્યન હતી. અમેરિકાના જૉબડેટા નબળા આવતાં સોનું વધ્યું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

કોરોના વાઇરસની લાંબા ગાળાની આર્થિક અસરમાંથી બહાર નીકળવા દરેક દેશ રિલીફ પૅકેજ અને હળવી મૉનેટરી પૉલિસી રાખવાનો પ્રયાસ લાંબા ગાળા સુધી કરશે, જેને કારણે માર્કેટમાં ઇઝી મનીનો ફ્લો પણ હજી ઓછામાં ઓછો એકથી દોઢ વર્ષ રહેશે, જેને કારણે સોનામાં ઇન્વેસ્ટરોનું આકર્ષણ જળવાયેલું રહેશે, પણ લાંબા ગાળાની ક્રાઇસિસ હળવી થઈ રહી હોવાથી સોનાનું સેફ હેવન સ્ટેટસ નબળું પડી રહ્યું છે. આથી સોનામાં સળંગ તેજીનો તબક્કો હાલ પૂરો થયો હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. આગળ જતાં તેજી માટે નવું કોઈ કારણ આવે તો જ સળંગ તેજી જોવા મળશે. ચાંદીનો વપરાશ સોલર એનર્જી અને ઇલેક્ટ્રિક કારમાં વધી રહ્યો હોવાથી ચાંદીમાં લૉન્ગ ટર્મ તેજી થવાના ચાન્સ હજી બરકરાર છે.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૭,૫૧૨

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૭,૩૨૨

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૮,૪૨૪

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news