CBDTએ યુલિપ પૉલિસી વિશે ગયા બજેટમાં કરેલા ફેરફાર બાબતે કરી મહત્ત્વપૂર્ણ સ્પષ્ટતા

25 January, 2022 12:05 PM IST  |  Mumbai | Nitesh Buddhadev

બોર્ડે ૧૯ જાન્યુઆરી, ૨૦૨૨ના પરિપત્રક ક્ર. ૨ દ્વારા આવકવેરા ધારાની કલમ ૧૦ (૧૦ડી) સંબંધે માર્ગદર્શિકા બહાર પાડી છે. 

પ્રતીકાત્મક તસવીર

બધા લોકો હવે નવા બજેટની વાત કરી રહ્યા છે ત્યારે હું તમને પાછા ૨૦૨૧ના બજેટ તરફ લઈ જાઉં છું. યુનિટ લિન્ક્ડ ઇન્સ્યૉરન્સ પૉલિસી (યુલિપ)ની બાબતે એ બજેટમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા, જેના સંબંધે હાલમાં સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સીસે (સીબીડીટી) સ્પષ્ટતા કરી છે. બોર્ડે ૧૯ જાન્યુઆરી, ૨૦૨૨ના પરિપત્રક ક્ર. ૨ દ્વારા આવકવેરા ધારાની કલમ ૧૦ (૧૦ડી) સંબંધે માર્ગદર્શિકા બહાર પાડી છે. 
યુલિપમાં ભરવામાં આવતું પ્રીમિયમ આવકવેરા ધારાની કલમ ૮૦સી હેઠળ કરકપાતને પાત્ર છે તેથી અને યુલિપમાંથી મળતી રકમ કેટલીક શરતોને આધીન રહીને આવકવેરા ધારાની કલમ ૧૦ (૧૦ડી) હેઠળ કરમુક્ત છે તેથી રોકાણકારો એના પ્રત્યે આકર્ષિત થતા હતા. પાછલા વર્ષના બજેટમાં સરકારે કલમ ૧૦ (૧૦ડી)માં ફેરફાર કર્યો, જેને પગલે યુલિપનું આકર્ષણ ઘટી ગયું. 
યુલિપ માટે ચૂકવાયેલું પ્રીમિયમ જો પૉલિસીની મુદત દરમ્યાન ૨.૫ લાખ રૂપિયાથી વધારે હોય તો તેમાંથી પૉલિસીધારકની હયાતીમાં મળતી વીમાની રકમને કરમુક્તિ લાગુ નહીં પડે એવો એ ફેરફાર હતો. આ સુધારો ૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ પછી ઇશ્યુ થયેલી પૉલિસીઓ માટે લાગુ કરવામાં આવ્યો હતો. કરમુક્તિ કાઢી લેવામાં આવી તેનું પરિણામ એ આવ્યું કે યુલિપમાંથી મળતી રકમને કૅપિટલ ગેઇન્સ ગણવામાં આવશે અને તેથી તેના પર કરવેરો ચૂકવવો પડશે. યુલિપ માટે ચૂકવાયેલા કુલ પ્રીમિયમ અને યુલિપમાંથી મળેલી (વચ્ચે કરાયેલા ઉપાડ અને બોનસ સહિતની) રકમનો તફાવત કૅપિટલ ગેઇન ગણાશે. 
એક કરતાં વધારે યુલિપ હોય અને એ બધી પૉલિસીની મુદત દરમ્યાન કુલ પ્રીમિયમ ૨.૫ લાખ રૂપિયાથી વધારે નહીં હોય તો જ કરમુક્તિ મળશે એવું સરકારે જાહેર કર્યું હતું. જોકે એ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી કે જો એક કરતાં વધારે પૉલિસી લેવામાં આવી હોય અને દરેકનું પ્રીમિયમ ૨.૫ લાખથી ઓછું અને કુલ પ્રીમિયમ ૨.૫ લાખ કરતાં વધારે હોય તો શું? સીબીડીટીએ જાહેર કરેલા પરિપત્રને અનુલક્ષીને હવે ઉદાહરણ સહિત સમગ્ર મુદ્દો સમજીએ. 

દા.ત. રવિ શાહ પાસે આ પ્રમાણેની યુલિપ પૉલિસીઓ છે :

ધારો કે યુલિપ ૧, ૨, ૩ અને ૪માં વીમાની રકમ અનુક્રમે ૧૧ લાખ, ૧૭ લાખ, ૧૯ લાખ અને ૧૨ લાખ રૂપિયા છે. યુલિપ ૧માંથી મળનારી રકમ આવકવેરા ધારાની કલમ ૧૦ (૧૦ડી) હેઠળ કરમુક્ત રહેશે, કારણ કે એ પૉલિસી ૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ની પહેલાં ઇશ્યુ કરવામાં આવી છે. 
રવિ શાહ યુલિપ ૧ માટે નાણાકીય વર્ષ ૨૦૩૦-૩૧માં કરમુક્તિનો ક્લેમ કરે છે. સરકારે બજેટમાં કરેલી જાહેરાતને પગલે થોડી અસ્પષ્ટતા હતી. હવે પરિપત્રકમાં કહેવામાં આવ્યા મુજબ જે પૉલિસીઓનું કુલ પ્રીમિયમ ૨.૫ લાખ કરતાં ઓછું હશે એમના માટે રવિ શાહ કરમુક્તિનો ક્લેમ કરી શકશે. આમ તેઓ ફક્ત યુલિપ ૩ માટે કરમુક્તિનો ક્લેમ કરી શકે છે અથવા તો યુલિપ ૨ અને યુલિપ ૪ એ બન્ને માટે કરમુક્તિનો ક્લેમ કરી શકે છે, કારણ કે એ બન્નેનું કુલ પ્રીમિયમ ૨.૫ લાખ રૂપિયાથી વધારે થતું નથી. યુલિપ ૨ અને યુલિપ ૪ માટે કરમુક્તિનો ક્લેમ કરવાનું એમના માટે વધારે લાભદાયક ઠરશે, કારણ કે એ બન્ને મળીને એમને વીમાની મોટી રકમ મળે છે અને કેપિટલ ગેઇન્સ ટૅક્સથી બચી શકાય છે.

હવે ધારો કે સમીર મહેતાએ અહીં જણાવ્યા પ્રમાણેની યુલિપ પૉલિસીઓ લીધી છે :

ધારો કે સમીરભાઈને યુલિપ ‘અ’માંથી ૧ એપ્રિલ, ૨૦૩૧ના રોજ ૧૪ લાખ રૂપિયા મળવાના છે અને તેઓ આ રકમ માટે નાણાકીય વર્ષ ૨૦૩૧-૨૨માં કરમુક્તિનો ક્લેમ કરે છે. એમને ૧ એપ્રિલ, ૨૦૩૨ના રોજ યુલિપ ‘બ’માંથી ૧૮ લાખ રૂપિયા મળવાના છે. આ રકમ કરપાત્ર બનશે, કારણ કે યુલિપ ‘અ’ અને ‘બ’ મળીને કુલ વાર્ષિક પ્રીમિયમ ૨.૫ લાખ કરતાં વધારે થાય છે અને એમણે યુલિપ ‘અ’માંથી મળેલી રકમ માટે પાછલા વર્ષે જ કરમુક્તિ ક્લેમ કરી લીધી છે. 
ખરી રીતે તો સમીરભાઈએ નાણાકીય વર્ષ ૨૦૩૧-૩૨માં કરમુક્તિનો ક્લેમ કરવો ન જોઈએ. જો તેઓ વર્ષ ૨૦૩૨-૩૩માં ક્લેમ કરે તો યુલિપ ‘બ’નું પ્રીમિયમ ૨.૫ લાખ કરતાં ઓછું એટલે કે ૧.૫ લાખ રૂપિયા હોવાને લીધે એમને કરમુક્તિનો લાભ મળી શકે છે. સમીરભાઈ યુલિપ ‘અ’ સંબંધે ૧૪ લાખ રૂપિયા માટે કરમુક્તિનો લાભ લે એના કરતાં એમણે યુલિપ ‘બ’માં મળનારા ૧૮ લાખ માટે લાભ લેવો જોઈએ.

business news