જીએસટીમાં થયેલો અગત્યનો ફેરફાર : વન પર્સન કંપની તરીકે જીએસટી રજિસ્ટ્રેશન

24 March, 2023 12:06 PM IST  |  Mumbai | Shrikant Vaishnav

જીએસટી રજિસ્ટ્રેશન પ્રાપ્ત કરતી વખતે ઓપીસીને પડનારી તકલીફો વિશે જાણો

પ્રતીકાત્મક તસવીર

કંપનીઝ ઍક્ટ, ૨૦૧૩ની કલમ ૨(૬૨)ની જોગવાઈ અનુસાર વન પર્સન કંપની (ઓપીસી) એને કહેવાય, જેમાં ફક્ત એક જ વ્યક્તિ સભ્ય હોય.

જીએસટી રજિસ્ટ્રેશન પ્રાપ્ત કરતી વખતે ઓપીસીને પડનારી તકલીફો

અનેક લોકોએ ઓપીસી તરીકે રજિસ્ટ્રેશન કરાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને જાણવા મળ્યું છે કે જીએસટી ઍક્ટ્સ દ્વારા નોટિફાય કરાયેલા ફોર્મના ડ્રૉપડાઉન મેનુમાં ઓપીસીનો વિકલ્પ પસંદ કરવા માટેનો કોઈ વિકલ્પ નથી. જીએસટીની વેબસાઇટ/પોર્ટલ પર પણ આવી કોઈ સુવિધા નથી.

ઉક્ત સમસ્યાનો ઉપાય

જીએસટી ખાતાએ એક સૂચના દ્વારા જણાવ્યું છે કે જો કરદાતા ઓપીસી તરીકે જીએસટી રજિસ્ટ્રેશન પ્રાપ્ત કરવા ઇચ્છતા હોય તો તેમણે જીએસટી પોર્ટલ પર ઉપલબ્ધ ડ્રૉપડાઉન મેનુમાંથી ‘અધર્સ’ વિકલ્પ પસંદ કરવો અને એમાં ટેક્સ્ટ લખવાની જગ્યાએ ‘વન પર્સન કંપની’ લખવું.

ઉપરોક્ત રીતને બાદ કરતાં જીએસટી રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા અન્ય કરદાતાઓ માટે છે એ જ રાખવામાં આવી છે. આ સુવિધા આપવામાં આવ્યા બાદ પણ ઓપીસી તરીકે જીએસટી રજિસ્ટ્રેશન કરાવવામાં કોઈ સમસ્યા નડતી હોય કે કોઈ પ્રશ્ન હોય તો જીએસટી ખાતાના સેલ્ફ હેલ્પ પોર્ટલ પર નોંધ કરાવવી અને માર્ગદર્શન મેળવવું.

ઇલેક્ટ્રૉનિક કૅશ લેજરમાં રહેલી રકમ એક જીએસટીઆઇએનમાંથી બીજા જીએસટીઆઇએનમાં મોકલવી

જીએસટીઆઇએને ઇલેક્ટ્રૉનિક કૅશ લેજરમાં રહેલી રકમ એક જીએસટીઆઇએનમાંથી બીજામાં મોકલવા માટેનો વિકલ્પ સક્રિય કર્યો છે. જેમનો પૅન નંબર સમાન હોય તેઓ પીએમટી-૦૯ ફોર્મ મારફતે આ ટ્રાન્સફર કરાવી શકે છે.

એનો અર્થ એવો થયો કે એક કરતાં વધુ રાજ્યમાં રહીને કામ કરનારી એન્ટિટી ઇલેક્ટ્રૉનિક કૅશ લેજરમાં એમને એમ પડી રહેલી રોકડને પોતાના એક જીએસટીઆઇએનમાંથી બીજામાં ટ્રાન્સફર કરી શકશે. આ રીતે સમાન પૅન ધરાવતા કરદાતા જીએસટીની જવાબદારીઓની ચુકવણી કરી શકશે.

આ વાતને એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે એબીસી પ્રાઇવેટ લિમિટેડ મહારાષ્ટ્ર, ગુજરાત અને તામિલનાડુમાં રજિસ્ટર્ડ છે. એની પાસે પૅન સમાન છે, પરંતુ જીએસટીઆઇએન અલગ-અલગ છે. આ સ્થિતિમાં એબીસી પ્રાઇવેટ લિમિટેડ મહારાષ્ટ્રના ઇલેક્ટ્રૉનિક કૅશ લેજરમાં પડી રહેલી વધારાની રકમનો ઉપયોગ ગુજરાત કે તામિલનાડુમાં કરી શકશે. આ જ રીતે કોઈ પણ એક રાજ્યમાં પડી રહેલી રકમનો ઉપયોગ બાકીનાં રાજ્યોમાં કરી શકાશે.

નિષ્કર્ષ

જીએસટી ખાતાએ આ રીતે ઇલેક્ટ્રૉનિક કૅશ લેજરમાં પડી રહેલી રકમનો ઉપયોગ કરવા માટે સારી સુવિધા પૂરી પાડી છે. મારું અંગત માનવું છે કે આ પગલું આવકાર્ય છે અને એનાથી અર્થતંત્રમાં નાણાં ફરતાં થશે અને અર્થતંત્રની ગતિશીલતા વધશે.

business news