પ્રોફિટ બુકિંગની ધારણા વચ્ચે શૅરબજાર નવી સર્વોચ્ચ સપાટીએ

12 January, 2021 11:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રોફિટ બુકિંગની ધારણા વચ્ચે શૅરબજાર નવી સર્વોચ્ચ સપાટીએ

પ્રતીકાત્મક તસવીર

ભારતીય અર્થતંત્રમાં સુધારાનો પ્રવાહ શરૂ થયો હોવાથી કંપનીઓનાં પરિણામો સારાં આવવાની આશા બંધાવાથી અને સાથે સાથે ૧૬ જાન્યુઆરીથી દેશમાં કોરોનાની રસી આપવાનો પ્રારંભ થવાનો હોવાથી શૅરબજારમાં ખરીદીને જોર મળતાં ઇન્ડેક્સ નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે. અમેરિકામાં નવા પ્રમુખ - જો બાઇડન આર્થિક પૅકેજને બહાલી આપશે એવી પણ ધારણા હોવાથી માનસ વધુ સુધર્યું છે. પરિણામે સોમવારે સેન્સેક્સ ૪૯૦૦૦ અને નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ ૧૪૪૦૦ની સપાટી વટાવીને અનુક્રમે ૪૯૨૬૯.૩૨ અને ૧૪૪૮૪.૭૫ બંધ રહ્યા હતા.

સેન્સેક્સ ઇન્ટ્રાડે ધોરણે ૪૯૩૦૪ પર પહોંચ્યો હતો અને દિવસના અંતે ૧ ટકો વધીને ૪૯૨૬૯.૩૨ બંધ રહ્યો હતો. આ જ રીતે નિફ્ટી-૫૦ ૧૪૪૯૮ પૉઇન્ટ સુધી વધ્યા બાદ ૦.૯૬ ટકા અર્થાત્‌ ૧૩૭.૫ પૉઇન્ટ વધીને ૧૪૪૮૪.૭૫ બંધ રહ્યો હતો.

ઑટો અને આઇટી સ્ટૉક્સમાં વૃદ્ધિ

ઇન્ડેક્સમાં આઇટી સ્ટૉક્સ ટોચના વધનારા હતા. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ ૩.૩૧ ટકા વધ્યો હતો. ટેક મહિન્દ્ર, એમ્ફેસિસ, લાર્સન ઍન્ડ ટુબ્રો ૨થી ૪ ટકા વધ્યા હતા. એનએસઈ પર ટોચના વધનારા પાંચ સ્ટૉક્સ તાતા મોટર્સ, એચસીએલ ટેક, ઇન્ફોસિસ, વિપ્રો અને એચડીએફસી હતા, જે અનુક્રમે ૧૨.૬૪, ૫.૮૯, ૪.૮૭, ૩.૯૨ અને ૩.૩૭ ટકા વધીને ૨૨૩.૨૦, ૧૦૫૩.૨૫, ૧૩૭૫.૯૫, ૪૪૭.૦૫ અને ૨૭૪૭.૧૦ બંધ રહ્યા હતા.

નિફ્ટી ઑટો ઇન્ડેક્સ ૨.૬૧ ટકા વધ્યો હતો અને બે વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. ઑક્ટોબર-ડિસેમ્બર ગાળામાં ઑટો ક્ષેત્રની આવક બે ટકા કરતાં વધારે પ્રમાણમાં વધશે એવી આશાએ એનએસઈ પર અશોક લેલેન્ડ ૩.૫૦ ટકા, બજાજ ઑટો ૨.૭૦ ટકા, મારુતિ ૨.૬૮ ટકા, એમઆરએફ ૨.૩૫ ટકા, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર ૨.૩૧ ટકા વધીને અનુક્રમે ૧૧૬.૭૫, ૩૬૨૪.૪૦, ૮૨૩૦, ૮૨,૪૯૯ અને ૭૮૮.૩૦ રૂપિયા બંધ રહ્યા હતા. આ મહિને અત્યાર સુધીમાં નિફ્ટી ઑટો ઇન્ડેક્સ ૮ ટકા વધ્યો છે, જ્યારે નિફ્ટી-૫૦ની વૃદ્ધિ ૩.૪ ટકા રહી છે. ઑટો ઇન્ડેક્સની બહારના જીએનએ એક્સલ્સ, જેકે ટાયર, ટીવીએસ શ્રીચક્ર, જમના ઑટો ઇન્ડસ્ટ્રીઝમાં ૪થી ૧૦ ટકાની વૃદ્ધિ થઈ હતી. કોરોનાકાળમાં શરૂઆતમાં મંદ પડેલી માગ હવે ઊંચકાઈ રહી હોવાથી મોટરસાઇકલ, ટ્રેક્ટર, ટ્રક અને સ્કૂટરનાં વેચાણમાં વૃદ્ધિ થઈ રહી છે.

બ્રોડ ઇન્ડાઇસીસમાં પ્રોફિટ બુકિંગ

દરમ્યાન બ્રોડ ઇન્ડાઇસીસમાં ગયા સપ્તાહની વૃદ્ધિ બાદ પ્રોફિટ બુકિંગ થતાં એસઍન્ડપી બીએસઈ મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૦૮ ટકા અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૧૭ ટકા ઘટીને અનુક્રમે ૧૯,૧૨૪.૩ તથા ૧૮,૮૭૬ બંધ રહ્યા હતા. સેન્સેક્સના ૨૦ સ્ટૉક્સ વધ્યા હતા અને ૧૦ ઘટ્યા હતા, જ્યારે નિફ્ટી-૫૦ના ૩૧ સ્ટૉક્સ વધ્યા હતા અને ૧૯ ઘટ્યા હતા.

એનએસઈ પર ઘટનારા સ્ટૉક્સમાં તાતા સ્ટીલ ૨.૫૫ ટકા, અદાણી પોર્ટ્સ ૧.૯૪ ટકા, બજાજ ફાઇનૅન્સ ૧.૯૪ ટકા, બજાજ ફિનસર્વ ૧.૮૩ ટકા તથા રિલાયન્સ ૧.૭૯ ટકા ઘટીને અનુક્રમે ૬૯૫, ૫૦૬.૯૫, ૪૯૮૩.૩૫, ૯૦૦૪ અને ૧૮૯૯ બંધ રહ્યા હતા. સેન્સેક્સના ઘટનારા મુખ્ય સ્ટૉક્સમાં પાવરગ્રિડ (૦.૨૫ ટકા), એક્સિસ બૅન્ક (૦.૮૫ ટકા), ઇન્ડસઇન્ડ બૅન્ક (૧.૦૧ ટકા), એનટીપીસી (૧.૧૫ ટકા), સ્ટેટ બૅન્ક (૧.૨૮ ટકા), કોટક બૅન્ક (૧.૬૧ ટકા), લાર્સન ઍન્ડ ટુબ્રો (૧.૭૧ ટકા) અને બજાજ ફાઇનૅન્સ (૧.૯૦ ટકા) સામેલ હતા.

એનએસઈનો ઇન્ડિયા વોલેટિલિટી ઇન્ડેક્સ ૮.૫૭ ટકા વધીને ૨૨.૩૮ થયો હતો.

બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ-૧૦૦ ઇન્ડેક્સ ૦.૮૫ ટકા, બીએસઈ ૨૦૦ ઇન્ડેક્સ ૦.૭૫ ટકા, બીએસઈ ૫૦૦ ઇન્ડેક્સ ૦.૬૭ ટકા, બીએસઈ ઓલકૅપ ૦.૬૫ ટકા, બીએસઈ સેન્સેક્સ ૫૦ ઇન્ડેક્સ ૧ ટકા અને બીએસઈ લાર્જ કૅપ ૦.૯૧ ટકા વધ્યા હતા, જ્યારે બીએસઈ મિડ કૅપ ૦.૦૮ ટકા અને બીએસઈ સ્મૉલ કૅપ ૦.૧૭ ટકા ઘટ્યા હતા.

બીએસઈ આઇપીઓ ઇન્ડેક્સ ૦.૬૯ ટકા અને બીએસઈ એસએમઈ આઇપીઓ ૦.૨૦ ટકા ઘટ્યો હતો. સેક્ટરલ ઇન્ડાયસીસમાં સીડીજીએસ ૦.૭૧ ટકા, એફએમસીજી ૧.૦૯ ટકા, ફાઇનૅન્સ ૦.૪૩ ટકા, હેલ્થકૅર ૦.૪૩ ટકા, આઇટી ૩.૬૩ ટકા, ટેલિકોમ ૦.૪૬ ટકા, યુટિલિટીઝ ૦.૧૪ ટકા, ઑટો ૨.૫૬ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૨૪ ટકા, ઑઇલ અૅન્ડ ગૅસ ૦.૩૩ ટકા, રિયલ્ટી ૦.૬૭ ટકા અને ટેક ૩.૧૧ ટકા વધ્યા હતા, જ્યારે પાવર ૦.૯૯ ટકા, મેટલ ૧.૧૫ ટકા, કેપિટલ ગુડ્સ ૧.૧૨ ટકા, બેન્કેક્સ ૦.૩૭ ટકા, ઇન્ડસ્ટ્રિયલ્સ ૦.૦૬ ટકા, એનર્જી ૧.૨૮ ટકા અને બેઝિક મટિરિયલ્સ ૦.૬૯ ટકા ઘટ્યા હતા.

બીએસઈ પર ‘એ’ ગ્રુપની ૫ કંપનીઓને ઉપલી સર્કિટ લાગી હતી, જ્યારે ‘બી’ ગ્રુપની ૫૫ કંપનીઓને ઉપલી અને ૪૧ કંપનીઓને નીચલી સર્કિટ સહિત બધા ગ્રુપની ૬૭૪ કંપનીઓમાંથી ૪૪૭ કંપનીઓને ઉપલી અને ૨૨૭ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી.

ડેરિવેટિવ્ઝ રિપોર્ટ

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સોમવારે કુલ ૨,૦૨,૫૭૧.૮૫ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૫૦,૨૫૦ સોદાઓમાં ૧૭,૧૫,૩૩૧ કૉન્ટ્રૅક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૫,૪૧,૪૫૨ કૉન્ટ્રૅક્ટસના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટસમાં ૧૦.૯૧ કરોડ રૂપિયાના ૫૫ સોદામાં ૯૬ કૉન્ટ્રૅક્ટસનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કોલ ઓપ્શનના ટ્રેડ થયેલા ૪૬,૫૫૪ સોદામાં ૧૫,૮૪,૦૨૫ કૉન્ટ્રૅક્ટ સાથે ૧,૮૮,૯૫૭.૦૩ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઓપ્શનના ટ્રેડ ૩૬૪૧ સોદામાં ૧,૩૧,૨૧૦ કૉન્ટ્રૅક્ટ સાથે ૧૩,૬૦૩.૯૧ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.

ટેક્નિકલ દૃષ્ટિએ

નિફ્ટી-૫૦માં દૈનિક ચાર્ટ પર સ્મૉલ બુલિશ કેન્ડલ રચાઈ છે, જે ડ્રેગન ફ્લાય દોજી પૅટર્ન દર્શાવે છે. આ પૅટર્ન ટ્રેડરોની અનિશ્ચિતતા દર્શાવે છે. ઇન્ડેક્સને ૧૪,૫૦૦ના સ્તરે પ્રથમ અવરોધ છે. વોલેટિલિટી ઇન્ડેક્સ વધ્યો હોવાથી હવે એ ૨૦ની નીચે જશે તો તેજીને સાથ આપશે. ઉપલા મથાળે તેજી અને મંદીની ટક્કર થવાનો અંદાજ છે.

બજાર કેવું રહેશે

જો નિફ્ટી ઇન્ડેક્સ ૧૪૩૮૩-૧૪૩૬૭ની રૅન્જમાં રહેશે તો પ્રોફિટ બુકિંગ થવાનો અંદાજ છે. આ લખાય છે ત્યારે અમેરિકામાં ડાઉ ફ્યુચર્સમાં ઘટાડો થયો હોવાથી ભારતીય બજારમાં મંગળવારે વોલેટિલિટી વધુ રહેવાની ધારણા છે.

business news