‘જીવનરક્ષક ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ’ની આયાત પર આઇજીએસટીનો વરવો વિવાદ

04 June, 2021 01:12 PM IST  |  Mumbai | Shailesh Sheth

પાછલાં લગભગ બે વર્ષથી સમગ્ર વિશ્વને ભરડામાં લઈ ચૂકેલા કોવિડ-19ના સકંજામાંથી ભારત પણ બચી શક્યું નથી. વાસ્તવમાં, આ પ્રાણઘાતક વાઇરસની દ્વિતીય લહેર આપણા દેશ માટે વધારે ખતરનાક સાબિત થઈ રહી છે.

જીએસટી

પાછલાં લગભગ બે વર્ષથી સમગ્ર વિશ્વને ભરડામાં લઈ ચૂકેલા કોવિડ-19ના સકંજામાંથી ભારત પણ બચી શક્યું નથી. વાસ્તવમાં, આ પ્રાણઘાતક વાઇરસની દ્વિતીય લહેર આપણા દેશ માટે વધારે ખતરનાક સાબિત થઈ રહી છે. ખાસ કરીને પ્રાણવાયુની અછતને કારણે પ્રાણ ગુમાવનારા કોવિડના દરદીઓની સંખ્યા નાનીસૂની નથી. 

આ સંજોગોમાં એક જીવનરક્ષક ઉપકરણ તરીકે અચાનક ઑક્સિજન કૉન્સન્ટ્રેટરનું મહત્ત્વ સૌને સમજાયું છે. દેશ કેવળ ઑક્સિજન સિલિન્ડર્સ જ નહીં, ઑક્સિજન કૉન્સન્ટ્રેટરની અછતનો પણ સામનો કરી રહ્યો છે અને ત્યારે આ ઉપકરણની આયાત પર આધાર રાખ્યા વગર છૂટકો નથી. 
આ પરિપ્રેક્ષ્યમાં કોવિડની સામે બાથ ભીડવા માટે કેવળ જીવનરક્ષક દવાઓ જ નહીં, ઑક્સિજન કૉન્સન્ટ્રેટર જેવાં ઉપકરણોની આયાત સંબંધી પણ સરકારની કરવેરા નીતિ પર સૌનું ધ્યાન ખેંચાય એ સ્વાભાવિક છે.

કેન્દ્ર સરકારે ૨૦૨૧ની ૨૪ એપ્રિલે કસ્ટમ્સ નોટિફિકેશન નંબર ‘૨૮/૨૦૨૧-કસ્ટમ્સ’ ઇશ્યુ કરીને ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સની આયાતને કસ્ટમ્સ ડ્યુટી અને ‘હેલ્થ સેસ’માંથી સંપૂર્ણ માફી આપી હતી. આ નોટિફિકેશન ૨૦૨૧ની ૩૧ જુલાઈ સુધી અમલમાં રહેવાનું છે.

પરંતુ વ્યક્તિગત વપરાશ માટે આયાત કરવામાં આવતા ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ પર ૨૮ ટકાના દરે અને ધંધાકીય વપરાશ માટે આયાત કરવામાં આવતા આ ઉપકરણ પર ૧૨ ટકાના દરે આઇજીએસટી લાગુ પડતો હતો. આ અતાર્કિક અને ગેરવાજબી ભેદભાવને કારણે ચોમેર ઊહાપોહ જાગ્યો હતો. વિદેશથી ભેટ તરીકે આ ઉપકરણ મેળવી શકનાર નસીબદાર વ્યક્તિએ ૨૮ ટકાના દરે આઇજીએસટી ચૂકવવો પડે એ બાબત ગળે ના ઊતરે એટલી વાહિયાત હતી. અંતે, કેન્દ્ર સરકારે આ મુદ્દે વધતા વિરોધને ધ્યાનમાં રાખીને ૨૦૨૧ની ૧ મેએ અન્ય એક નોટિફિકેશન નંબર ‘૩૦/૨૦૨૧-કસ્ટમ્સ’ ઇશ્યુ કરીને વ્યક્તિગત વપરાશ માટે આયાત કરવામાં આવતાં ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ પર આઇજીએસટીનો ૧૨ ટકાનો રાહતમાત્ર દર નિર્ધારિત કર્યો હતો. 

અન્યત્ર, ૨૦૨૧ની ૩ મેએ ઑર્ડર નંબર ‘૪/૨૦૨૧-કસ્ટમ્સ’ ઇશ્યુ કરીને કેન્દ્ર સરકારે અમુક શરતોને આધીન નિર્દિષ્ટ કેનલાઇઝિંગ ઍજન્સીઝ દ્વારા કરવામાં આવતી આ ઉપકરણની આયાતને આઇજીએસટીની ચુકવણીમાંથી સંપૂર્ણ માફી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત નોટિફિકેશન્સ અને ઑર્ડર કસ્ટમ્સ ઍક્ટ, ૧૯૬૨ના સેક્શન ૨૫(૧) કે ૨૫(૨)ની જોગવાઈ હેઠળ ઇશ્યુ કરવામાં આવ્યા છે અને એ જીએસટી કાઉન્સિલની ભલામણો પર આધારિત નથી.

પરંતુ કેનલાઇઝિંગ ઍજન્સીઝ દ્વારા આયાત કરવામાં આવતા આ ઉપકરણને આઇજીએસટીમાંથી સંપૂર્ણ માફી અને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી વ્યક્તિ આ ઉપકરણ મહામુસીબતે વિદેશથી ભેટ સ્વરૂપે મેળવે તો એના પર ૧૨ ટકાના દરે કર ચૂકવવો પડે એવી અત્યંત વિસંગતિપૂર્ણ અને વિવાદાસ્પદ જોગવાઈની સામે પણ વિરોધનો વંટોળ ફૂંકાયો. વાત એટલે સુધી પહોંચી કે કોવિડનો સામનો કરી રહેલા ૮૫ વર્ષના દિલ્હીસ્થિત ગુરચરણ સિંહે આ મુદ્દે દિલ્હી હાઈ કોર્ટમાં ધા નાખી હતી અને વિદેશથી એના સંબંધી તરફથી સારવાર માટે ભેટરૂપે મોકલવામાં આવેલા આ ઉપકરણ પર ૧૨ ટકાના દરે લાગુ પડતી આઇજીએસટીની ‘લેવી’ની કાયદેસરતા પડકારી હતી. ૨૦૨૧ની ૨૧ મેએ હાઈ કોર્ટે એનો અત્યંત ચોંટદાર નિરીક્ષણો અને વિશદ્ છણાવટ ધરાવતો ચુકાદો આપીને ભેટરૂપે મળેલા અને વ્યક્તિગત વપરાશ માટે આયાત કરવામાં આવતા આ ઉપકરણ પર ૧૨ ટકાના દરે આઇજીએસટી લાગુ પાડતા નોટિફિકેશનને ગેરબંધારણીય ઠેરવ્યું હતું. જોકે, અપેક્ષા મુજબ જ સરકારે આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે અને હાલમાં જ સુપ્રીમ કોર્ટે આ ચુકાદાની સામે ‘સ્ટે’ આપ્યો છે.

આ સમગ્ર વિવાદનો કાયદાકીય દૃષ્ટિએ ભલે કોઈ પણ નિવેડો આવે, પરંતુ પ્રશ્ન એ છે કે આ વિવાદ જાગ્યો એ જ એક કમનસીબ બાબત નથી? આ જીવનરક્ષક ઉપકરણની ભેટ તરીકે વ્યક્તિગત વપરાશ માટે આયાત પર આઇજીએસટી લાદવાના પગલામાં ઔચિત્ય કેટલું? સરકાર જ્યારે આ ઉપકરણની અછતને સ્વીકારે છે ત્યારે એની આયાત પર કર લાદીને કોવિડનો સામનો કરી રહેલા દરદીઓને ‘પડ્યા પર પાટું’ નથી મારી રહી? કોઈ વ્યક્તિ સરળતાથી, તો કોઈ મહામુસીબતે ભેટ તરીકે આ ઉપકરણ વિદેશથી મેળવવામાં સફળ થાય ત્યારે એના પર ૧૨ ટકાના દરે આઇજીએસટી ચૂકવવો પડે એ પરવડે ખરું? શું આ જોગવાઈ સંપૂર્ણતઃ અતાર્કિક, ગેરવાજબી, અમાનવીય અને નોકરશાહી માનસનું પ્રતિબિંબ પાડનારી નથી? ‘કરમાફી’ કોને આપવી એ નિઃશંકપણે કેન્દ્ર સરકારનો અબાધિત અધિકાર છે, પરંતુ આ ‘કરમાફી’ની માગણી શું લોકહિતમાં નથી?

સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે આ ઉપકરણ કે અન્ય કોઈ પણ પ્રોડક્ટની આયાતને આઇજીએસટી સહિત કસ્ટમ્સ ડ્યુટીમાંથી માફી આપવાની સત્તા કેન્દ્ર સરકારને કસ્ટમ્સ ઍક્ટ, ૧૯૬૨ના સેક્શન ૨૫ અંતર્ગત ઉપલબ્ધ છે. આ સંદર્ભે કેન્દ્ર સરકાર જીએસટી કાઉન્સિલની ભલામણ માટે મોહતાજ નથી. વાસ્તવમાં, બંધારણીય જોગવાઈઓ તથા આઇજીએસટી ઍક્ટ, ૨૦૧૭ અને કસ્ટમ્સ ટૅરિફ ઍક્ટ, ૧૯૭૫ તથા કસ્ટમ્સ ઍક્ટ, ૧૯૬૨ની જોગવાઈઓનો બારીકાઈથી અભ્યાસ કરવામાં આવે તો એ ફલિત થાય છે કે કસ્ટમ્સ ડ્યુટી (આઇજીએસટી સહિત)માંથી કોઈ પણ પ્રકારે માફી આપવાની બાબતમાં જીએસટી કાઉન્સિલની કોઈ ભૂમિકા જ નથી અને આ પ્રકારની કોઈ ભૂમિકા કાયદાના ઘડવૈયાઓએ નિર્દિષ્ટ કરી નથી. તો પછી કયા આધારે કાઉન્સિલ આ મુદ્દે વિચારવિમર્શ કરવાની અને ‘ગ્રુપ ઑફ મિનિસ્ટર્સ’નું ગઠન કરવાની ચેષ્ટા કરી રહી છે?
આ નાટક ભજવાઈ રહ્યું છે ત્યારે અનેક ‘ગુરચરણ સિંહ’ હૉસ્પિટલના ખાટલે ચિત્કારી રહ્યા છે : ‘હું શ્વાસ લઈ શકતો નથી; મહેરબાની કરીને મને ઑક્સિજન કૉન્સન્ટ્રેટર આપો!’

business news goods and services tax