દેશમાં ઓમાઇક્રોનના કેસ વધશે તો પામતેલની આયાતને અસર થશે : સી

07 December, 2021 03:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પામતેલની આયાત ચાલુ વર્ષે ૭૮થી ૮૦ લાખ ટન થવાનો સીનો અંદાજ

પ્રતીકાત્મક તસવીર

દેશની ચાલુ સીઝન વર્ષમાં પામતેલની આયાત કુલ ૭૮થી ૮૦ લાખ ટન વચ્ચે થાય એવી સંભાવના છે, જે ગત વર્ષે ૮૩.૨૦ લાખ ટનની થઈ હતી એમ સૉલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (સી)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. બી. વી. મહેતાએ જણાવ્યું હતું. બીજી તરફ જો ઓમાઇક્રોન વાઇરસની અસર ભારતમાં વધશે તો પામતેલની બલ્ક માગ પર અસર પહોંચી શકે છે એવી સંભાવના પણ ડૉ. મહેતાએ વ્યક્ત કરી હતી.
ડૉ. મહેતાએ વધુમાં કહ્યું કે પામતેલની માગમાં સુધારો થયો છે. હોટેલ, રેસ્ટોરાં અને કાફે સેગમેન્ટની સ્થિતિ હવે નૉર્મલ થવા લાગી છે અને માગ વધી છે. કોરોના વાઇરસની મહામારી બાદ હવે માગ વધી હોવાથી પામતેલની આયાત ૮૦ લાખ ટન સુધી પણ પહોંચી શકે છે.
ઓમાઇક્રોન વાઇરસની અસર માટે સાવચેત રહેવું જરૂરી છે. જો ભારતમાં પણ એની અસર વધારે દેખાશે તો ફૂડ સેક્ટર અને આયાત પર અસરકર્તા સાબિત થઈ શકે છે. ખાદ્ય તેલના ઊંચા ભાવથી પણ ઑલઓવર માગ પર થોડી અસર પહોંચી શકે છે.
ભારતમાં ક્રૂડ પામતેલ અને પામ કર્નલની આયાત વધીને ૭૭ લાખ ટનની થવાનો અંદાજ છે, જે ગત વર્ષે ૭૬.૩ લાખ ટનની થઈ હતી. જ્યારે રિફાઇન્ડ પામોલીનની આયાત ૧ લાખ ટનની થઈ શકે છે, જે ગત વર્ષે ૬૯,૦૦૦ ટનની થઈ હતી.
રિફાઇન્ડ પામોલીનની આયાત ૩૧ ડિસેમ્બર સુધી નિયંત્રણમુક્ત આયાત છે. જો નિયંત્રણમુક્ત આયાતનો નિર્ણય વધુ સમય માટે લંબાશે તો ક્રૂડ પામતેલની જગ્યાએ રિફાઇન્ડની આયાત આવી શકે છે. દેશનાં પોર્ટ પર પહેલી નવેમ્બરના રોજ ૫.૬૫ લાખ ટનનો સ્ટૉક પડ્યો છે જે ઑક્ટોબરમાં ૮.૪૫ લાખ ટનનો પડ્યો હતો, જ્યારે નવેમ્બર ૨૦૨૦ના રોજ ૫.૫૮ લાખ ટનનો સ્ટૉક હતો.
દેશની ખાદ્ય તેલની કુલ આયાત ચાલુ વર્ષે ૧૩૦ લાખ ટન થવાનો અંદાજ છે, જે ગત વર્ષે ૧૩૧.૩ લાખ ટનની થઈ હતી. 

business news