સરકાર ઘઉંનું ખુલ્લા બજારમાં વેચાણ શરૂ નહીં કરે તો ફ્લોર મિલોની મુશ્કેલી વધશે

11 May, 2022 05:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આગામી દિવસોમાં આટો-મેંદો, બ્રેડ-બિસ્કિટ સહિતની વસ્તુઓના ભાવ ઊંચકાય એવી ધારણા

પ્રતીકાત્મક તસવીર

ઘઉંની બજારમાં લાલચોળ તેજી જોવા મળી રહી છે અને બીજી તરફ સરકારની ટેકાના ભાવથી ખરીદી ૧૨ વર્ષના તળિયે પહોંચી છે, જેને પગલે કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે હજી સુધી ઓપન માર્કેટ સેલ સ્કીમ અંતર્ગત ઘઉં વેચાણની યોજના જાહેર કરી નથી. આ યોજના હેઠળ સરકાર ફ્લોર મિલો, વેપારીઓને ઑક્શન મારફતે સરકારી ઘઉંનું વેચાણ કરતી હોય છે, જેને પગલે ફ્લોર મિલોને ખુલ્લાં બજારમાં ઘઉં ન મળે તો સરકારી ઘઉં સરળતાથી મળતા હોય છે.
ફ્લોર મિલો સાથે સંકળાયેલાં સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ચાલુ વર્ષની ઓપન માર્કેટ સેલ સ્કીમની હજી જાહેરાત કરી નથી, જેને પગલે આગામી દિવસોમાં ઘઉંની તમામ પ્રોડક્ટના ભાવ ઊંચકાય એવી ધારણા છે. બ્રેડ, બિસ્કિટ, આટો-મેંદો સહિતની વસ્તુઓના ભાવમાં વધારો થાય એવી સંભાવના રહેલી છે.
ફ્લોર મિલોને જો એફસીઆઇના ઘઉં વાજબી ભાવથી નહીં મળે તો ખુલ્લાં બજારમાંથી ઊંચા ભાવથી ઘઉંની ખરીદી કરવી પડશે. વર્તમાન સમયમાં ફ્લોર મિલ ક્વૉલિટીના ઘઉંના ભાવ ૨૫૦૦ રૂપિયા આસપાસ ચાલી રહ્યા છે, જે અત્યારે પીક સ‌ીઝનનો ભાવ છે. ઘઉંની આવકો પૂરી થયા બાદ ઑફ સીઝનમાં ખુલ્લાં બજારમાં ભાવ વધી શકે છે અને જો એફસીઆઇ વેચાણ ન કરે તો મુશ્કેલી વધી જાય એવી ધારણા છે.
કેન્દ્ર સરકાર દર વર્ષે ઓપન માર્કેટ સેલ સ્કીમ લૉન્ચ કરીને ખુલ્લા બજારમાં ઘઉંના ભાવને નિયંત્રિત કરતી હોય છે. વીતેલા વર્ષમાં મિલોએ ૭૦થી ૮૦ લાખ ટન જેવા ઘઉંની આ સ્કીમ હેઠળ ખરીદી કરી હતી. એફસીઆઇ પાસે વધારે માત્રામાં સ્ટૉક પડ્યો હોય તો એનો નિકાલ કરવા માટે એફસીઆઇ ડિસ્કાઉન્ટ અને માલ ભાડામાં પણ રાહત આપતી હોય છે.
વીતેલા નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨માં ફ્લોર મિલોએ કુલ ૭૦ લાખ ટન ઘઉંની ખરીદી કરી હતી. જો આ વર્ષે એફસીઆઈ આ યોજના લૉન્ચ નહીં કરે તો મિલોને ખુલ્લાં બજારમાંથી ઘઉં ખરીદવા પડશે અને એ માટે ઊંચા ભાવ ચૂકવવાની ફરજ પડશે.

business news