આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફને ૧૮૬ કરોડની ચોખ્ખી ખોટ

22 July, 2021 01:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવા બિઝનેસ પ્રીમિયમમાં તેણે ૭૧ ટકાની વૃદ્ધિ કરી છે

પ્રતીકાત્મક તસવીર

આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફે મંગળવારે જણાવ્યા મુજબ કોરોના રોગચાળાને કારણે તેણે ૫૦૦ કરોડ રૂપિયાના ક્લેમ ચૂકવવા પડ્યા હોવાથી ગત એપ્રિલ-જૂન ક્વૉર્ટરમાં તેને ૧૮૬ કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ ગઈ છે. જોકે, નવા બિઝનેસ પ્રીમિયમમાં તેણે ૭૧ ટકાની વૃદ્ધિ કરી છે. ખાનગી ક્ષેત્રની બીજા ક્રમાંકની આ કંપનીએ ગયા વર્ષે સમાન ગાળામાં ૨૮૮ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો હતો. નવા બિઝનેસનું પ્રીમિયમ ૨૫૫૯ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. આ જ રીતે વીમાની રકમ ૮૯ ટકા વધીને ૧.૭૭ લાખ કરોડ રૂપિયા થઈ છે, જે બિઝનેસમાં મોટી વૃદ્ધિ દર્શાવે છે. આટલા બિઝનેસ સાથે તેણે બજારમાં ૧૪.૭ ટકા હિસ્સો પ્રાપ્ત કર્યો છે.

કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર એન. એસ. કન્નને જણાવ્યું હતું કે ૫૦૦૦ વીમાધારકોના કુલ ૧૧૦૦ કરોડ રૂપિયાના ક્લેમ મળ્યા હતા. એમાંથી ૬૦૦ કરોડના ક્લેમ રિઇન્શ્યૉરન્સ કંપનીઓએ ચૂકવ્યા હોવાથી કંપનીએ પોતે ૫૦૦ કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા છે. જોકે, એ ક્લેમની પૂરેપૂરી રકમ ચૂકવવામાં આવી નથી, પરંતુ નીતિને અનુલક્ષીને એ રકમ અલાયદી રાખવામાં આવી છે.

business news