News In Short: આઇસી15 ઇન્ડેક્સમાં ૪૬૮ પૉઇન્ટની વૃદ્ધિ, પણ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ચિંતાની સ્થિતિ

05 July, 2022 08:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિંગાપોરની વૉલ્ડ કંપનીએ ઉપાડ, ટ્રેડિંગ અને ડિપોઝિટ અટકાવી દીધાં

પ્રતીકાત્મક તસવીર

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મિશ્ર વલણને પગલે આઇસી15 ઇન્ડેક્સમાં સોમવારે થોડો સુધારો થયો હતો, પરંતુ એકંદરે માર્કેટની સ્થિતિ નરમ હતી. એનું એક કારણ એ હતું કે વધુ ને વધુ કંપનીઓ ડિફૉલ્ટ કરે એવી આશંકા છે. 
સિંગાપોરની ક્રિપ્ટો લૅન્ડર કંપની વૉલ્ડે રોકાણકારોને ઉપાડ, ટ્રેડિંગ અને ડિપોઝિટ માટે મનાઈ ફરમાવી દીધી છે. કંપની સામેના આર્થિક સંકટને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલાં સેલ્સિયસ અને થ્રી ઍરોઝ કૅપિટલ નાણાભીડનો સામનો કરી રહી છે. 
દરમ્યાન માર્કેટ કૅપિટલાઇઝેશનમાં ૩.૩૩ ટકાની વૃદ્ધિ થઈને આંક ૮૯૦.૦૬ અબજ ડૉલર પર પહોંચ્યો છે. બીટકૉઇન હજી ૨૦,૦૦૦ ડૉલરની નીચે (૧૯,૬૬૨.૮૬) ડૉલર પર ટ્રેડ થઈ રહ્યો છે. ઇથેરિયમમાં સોમવારે ૪.૭૧ ટકાનો વધારો થતાં ભાવ ૧૧૦૩.૨૦ ડૉલર થયો હતો. અગાઉ ક્રિપ્ટોવાયરે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી15 સોમવારે બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૧.૮૩ ટકા (૪૬૮ પૉઇન્ટ) વધીને ૨૫,૯૫૬ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૨૫,૪૮૭ ખૂલીને ૨૬,૧૪૭ સુધીની ઉપલી અને ૨૫,૨૦૫ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

સ્ટાર્ટઅપ્સ માટે ગુજરાત, કર્ણાટક સૌથી શ્રેષ્ઠ રાજ્યો

ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન માટેના વિભાગ દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રૅન્કિંગ અનુસાર, ઊભરતા ઉદ્યોગસાહસિકો માટે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસાવવામાં ગુજરાત, મેઘાલય અને કર્ણાટક શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્યો તરીકે ઊભરી આવ્યાં છે. કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા અને તેલંગણને ટૉપ પર્ફોર્મર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં હતાં તેમ વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલે રાજ્યોના સ્ટાર્ટઅપ રૅન્કિંગ ૨૦૨૧ની યાદી જાહેર કરી હતી તેમાં જણાવ્યું હતું.

છ મોટાં શહેરોમાં ભાડાની જગ્યામાં અઢી ગણો વધારો

કોલિયર્સ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર કૉર્પોરેટ્સની માગમાં વધારો થવાને કારણે છ મોટાં શહેરોમાં એપ્રિલ-જૂન દરમ્યાન ભાડાની ઑફિસની જગ્યામાં વાર્ષિક ધોરણે ૨.૫૦ ગણો વધારો જોવા મળ્યો છે.
કોલિયર્સ ઇન્ડિયાએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઑફિસ સ્પેસનું ગ્રોસ લીઝિંગ ગત વર્ષે સમયગાળામાં ૫૬ લાખ સ્ક્વેર ફીટ હતું. કોવિડ રોગચાળાની મજબૂત બીજી લહેરને કારણે ગયા વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમ્યાન આવાસ તેમ જ ઑફિસની માગ પર ખરાબ અસર પડી હતી. જાન્યુઆરી-જૂન 2022 દરમ્યાન, કોલિયર્સે જણાવ્યું હતું કે ઑફિસ સ્પેસની કુલ ભાડાપટ્ટાની જગ્યા છ શહેરોમાં ૨.૫ ગણાથી વધુ વધીને ૨૭૫ લાખ સ્ક્વેર ફીટ થઈ હતી, જે અગાઉના વર્ષના સમાન સમયગાળામાં ૧૦૩ લાખ સ્ક્વેર ફીટ હતી.

કૉપરમાં દાયકાનો સૌથી મોટો ત્રિમાસિક કડાકો

વૈશ્વિક બેઝ મેટલમાં મંદી વકરી છે અને ખાસ કરીને કૉપર વાયદામાં છેલ્લા એક દાયકાનો સૌથી મોટો ત્રિમાસિક કડાકો બોલી ગયો હતો. લંડન મેટલ એક્સચેન્જ ખાતે એપ્રિલથી જૂન મહિનાના સમયગાળામાં ૨૦ ટકાનો કડાકો બોલ્યો છે, જે ૨૦૧૧ પછીનો સૌથી મોટો કડાકો હતો. કૉપરમાં ઘટાડા વિશે ઍનલિસ્ટો કહે છે કે ચીનમાં કોવિડ લૉકડાઉન અને આર્થિક વૃદ્ધિ ધીમી થવાથી માગમાં ઘટાડો થયો હતો. મેટલના ઍનલિસ્ટોને એવો પણ ડર છે કે નજીકના ગાળામાં વધુ ઘટાડો થશે, કારણ કે મધ્યસ્થ બૅન્કો ઝડપી વ્યાજદરમાં વધારો કરે છે જે વૃદ્ધિને અટકાવશે. કૉમર્સ બૅન્કના વિશ્લેષક ડેનિયલ બ્રિઝમૅને જણાવ્યું હતું કે અમે હજી પણ અમેરિકામાં મંદીના કારણે ધાતુઓમાં ઘટાડો જોઈ રહ્યા છીએ. લંડન મેટલ એક્સચેન્જ ખાતે કૉપરના ભાવ ઘટીને આઠ હજાર ડૉલરની નજીક આવી ગયા છે. કૉપર વાયદો એપ્રિલથી જૂન અંત સુધીમાં ૨૦.૩ ટકાથી વધુ ઘટ્યો છે. ૨૦૨૦ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે ભારતમાં કોરોનાની એન્ટ્રી થઈ એ ત્રિમાસિક ગાળામાં ભાવ ૧૯.૮ ટકા જ ઘટ્યા હતા, જેની તુલનાએ પણ આ વર્ષે વધારે ઘટાડો છે.

business news