24 April, 2023 03:11 PM IST | Mumbai | Khyati Mashru Vasani
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આજકાલ મોટી સંખ્યામાં લોકોને સ્ટૉક્સ અને મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં રસ જાગ્યો છે. હોય જ ને, કારણ કે ભારત સૌથી વધુ સ્થિતિસ્થાપક અને સૌથી ઝડપથી વિકસતું સ્ટૉક માર્કેટ ધરાવનાર અર્થતંત્ર બન્યું છે. આ વર્ષે સમગ્ર વિશ્વમાં મંદી વ્યાપી જવાની છે અને ભારત પણ એની અસરથી મુક્ત રહી શકશે નહીં. હજી પણ ઘણા લોકોને પોતાની મહેનતની કમાણીનું રોકાણ શૅરબજારમાં કરવાથી ડર લાગે છે. એનું સૌથી મોટું કારણ એ છે કે આ બજારમાં નાણાં ગુમાવવાં પડે છે એવી એક માન્યતા છે. ખરી રીતે તો શૅરબજારને લગતી સાચી માહિતી ન હોવાને કારણે આવો ડર લાગતો હોય છે. આ ભીતિ કેવી રીતે દૂર કરવી એના વિશે આજે આપણે વાત કરવાના છીએ.
૧. બજારની સમજ કેળવવી : સૌથી પહેલાં તો આ બજાર કેવી રીતે કામ કરે છે એ સમજી લેવું. બજારના મૂળભૂત સિદ્ધાંતોને સમજી લેવાનું જરા પણ અઘરું નથી. આ સમજ પ્રાપ્ત કર્યા બાદ રોકાણના નિર્ણયો લેવાનું સહેલું બની જાય છે.
૨. લક્ષ્યો નક્કી કરવાં : આગામી પાંચ કે દસ વર્ષ પછીનાં નાણાકીય લક્ષ્યો નક્કી કરી લેવાં. આ જમાનામાં ફુગાવાને ધ્યાનમાં લઈને જ કોઈ પણ ગણતરી કરવાની હોય છે. સ્ટૉક માર્કેટમાં કરાયેલું રોકાણ એ લક્ષ્યો સુધી પહોંચવામાં સહાયક ઠરે છે. લક્ષ્યો વિશે નિર્ણય લેવાયો હોય તો રોકાણ કરવાનો ઉદ્દેશ્ય પ્રાપ્ત થાય છે.
૩. નાની રકમથી રોકાણ શરૂ કરવું : શૅરબજારમાં મોટી રકમથી જ રોકાણ શરૂ કરવું જરૂરી નથી. તમે જ્યારે ઓછી રકમ રોકો ત્યારે એનું નુકસાન થવાનો ડર ઓછો લાગતો હોય છે. જેમ-જેમ તમે માર્કેટને સમજતા જાઓ તેમ-તેમ રોકાણનું પ્રમાણ વધારી શકો છો. તમને માફક આવે એટલું જ રોકાણ કરવું અને એમાં ડાઇવર્સિફિકેશન કરવું, અર્થાત્ એક જ ક્ષેત્રના સ્ટૉક્સમાં બધું રોકાણ કરવું નહીં.
૪. રોકાણનો વ્યૂહ ઘડવો : તમને રોકાણ કરવાનો અગાઉ કોઈ અનુભવ ન હોય તો પણ કોઈ વાંધો નથી. તમે રોકાણનો વ્યૂહ ઘડીને આગળ વધી શકો છો. આ વ્યૂહ ઘડ્યા બાદ રોકાણ પર નજર રાખવાનું સહેલું બની જાય છે. તમને આ વ્યૂહને લગતી ઘણી બધી માહિતી ઑનલાઇન મળી શકે છે.
૫. નાણાકીય નિષ્ણાતની મદદ લો : તમે નાણાકીય નિષ્ણાતની સહાયથી પોતાનું નાણાકીય આયોજન કરી શકો છો, જેમાં રોકાણનો સમાવેશ થાય છે. તેઓ નિષ્પક્ષ રીતે નિર્ણયો
લેવામાં તમને મદદ કરતા હોય છે.
સાથે-સાથે તમને કોઈ ચિંતા સતાવતી હોય તો એનું નિરાકરણ પણ તેઓ લાવી શકે છે.
૬. નિરાશ થવું નહીં : તમે આયોજન કર્યું હોય, વ્યૂહ ઘડ્યા હોય તો પણ તમને સફળતા મળે નહીં અથવા અપેક્ષા કરતાં ઓછું વળતર મળે એવું શક્ય છે. એ બાબતને તમે પોતાના માટેનો બોધપાઠ ગણી શકો છો. તમે આ અનુભવના આધારે ભાવિ વ્યવહારો કરી શકો છો. રોકાણમાં ક્યારેક નુકસાની ખાવી પડતી હોય છે એ વાત પહેલેથી ધ્યાનમાં રાખી હોય તો નિરાશા આવતી નથી.
૭. શૅરબજારમાં રોકાણ કરવાનું પાછળ ઠેલવું નહીં : શૅરબજારમાં રોકાણ કરવા માટે કોઈ નિશ્ચિત સમય હોતો નથી. ગમે ત્યારે રોકાણની શરૂઆત કરી શકાય છે. જેટલી વહેલી
શરૂઆત થાય અને વધુ સમય સુધી રોકાણ રહેવા દેવાય તો સારું વળતર મળવાની સંભાવના વધી જાય છે. તમને ઓછા જોખમે નિયમિતપણે વળતર મળતું રહે એવા પ્રકારનું રોકાણ પણ આ બજારમાં શક્ય છે.
૮. વૉલેટિલિટીની અસર મન પર થવા દેવી નહીં : શૅરબજારમાં વૉલેટિલિટી અંતરંગ હિસ્સો હોય છે અને એનાથી બચવાનો કોઈ જ રસ્તો નથી. ખરું પૂછો તો આ વૉલેટિલિટીને લીધે જ બજારમાં વૃદ્ધિને પોષક વાતાવરણ તૈયાર થાય છે. તમારે ઉતાર-ચડાવથી ગભરાયા વગર લાંબા સમય સુધી ધીરજપૂર્વક રોકાણ કરતાં રહેવું એ ઊંચું વળતર મેળવવાનો સારો રસ્તો છે. શૅરબજારના પ્રખ્યાત રોકાણકાર વૉરન બફેટે તો કહ્યું છે કે બીજા લોકો ડરતા હોય ત્યારે આપણે રોકાણની હિંમત રાખવી અને બીજા લોકો લોભી થઈને રોકાણ માટે દોડ મૂકતા હોય ત્યારે આપણે ડરીને એક બાજુએ બેસી જવું.
અર્થાત્ બજાર ઘટતું હોય ત્યારે કરેલી ખરીદી લાંબા ગાળે લાભદાયક ઠરતી હોય છે.
ટૂંકમાં શૅરબજારમાં રોકાણ કરવાથી ડરવાની જરાય જરૂર નથી.