મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમની કામગીરી કેવી રીતે મૂલવવી જોઈએ?

05 January, 2023 03:12 PM IST  |  Mumbai | Amit Trivedi

ચ્યુઅલ ફંડ સ્કીમના કિસ્સામાં ભૂતકાળની કામગીરીનું સ્કીમના બેન્ચમાર્કની સરખામણીમાં મૂલ્યાંકન કરવું આવશ્યક છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અંધારી રાત્રે સ્ટ્રીટ લાઇટ હેઠળ કંઈક શોધી રહેલા એક માણસ વિશે એક સરસ જોક છે. કોઈએ તેની પાસે આવીને પૂછ્યું કે તે શું શોધી રહ્યો છે. માણસે કહ્યું કે તે પોતાનો પડી ગયેલો એક સિક્કો શોધી રહ્યો છે. અજાણી વ્યક્તિએ પૂછ્યું કે તેના હાથમાંથી સિક્કો કઈ જગ્યાએ પડી ગયો હતો. સામે જવાબ મળ્યો, શેરીના બીજા છેડે, અંધારા ખૂણામાં પડી ગયો હતો. અજાણી વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગઈ અને પૂછ્યું કે જો સિક્કો બીજા છેડે અંધારા ખૂણામાં પડી ગયો હતો તો એ સ્ટ્રીટ લાઇટની નીચે શા માટે શોધી રહ્યો છે. માણસે જવાબ આપ્યો, એ ખૂણામાં ખૂબ અંધારું છે, જ્યારે લાઇટના થાંભલાની નીચે પૂરતો પ્રકાશ છે.

સિક્કો પાડી નાખનાર વ્યક્તિનો જવાબ સાંભળીને કોઈને પણ હસવું આવશે, કારણ કે તેની ભૂલ બધાને સમજાય એવી છે. 

જોકે રોકાણની દુનિયામાં આપણને ખ્યાલ નથી હોતો કે આપણે પોતે પણ અનેક વાર આવું કરીએ છીએ. ચાલો આપણે એક ઉદાહરણ લઈએ કે લોકો સામાન્ય રીતે રોકાણ કરવા માટે મ્યુચ્યુઅલ ફન્ડ કેવી રીતે પસંદ કરે છે. મોટા ભાગના કિસ્સામાં, મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમની પસંદગી ભૂતકાળમાં મળેલા વળતરને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે. વળતર વિશેનો ડેટા લોકોને અનેક વેબસાઇટ પરથી મળી જતો હોય છે. જોકે સ્કીમની કામગીરી તો એક પરિણામ છે. ખરું મહત્ત્વ તો એ પરિણામ કેવી રીતે પ્રાપ્ત કરવામાં આવ્યું એ જાણવાનું છે. એ જાણવા માટે લોકોએ કેટલીક મહત્ત્વની બાબતોને ધ્યાનમાં લેવાની હોય છે. આ વિગતો શોધવા માટે થોડો પ્રયત્ન કરવો પડે છે. એ શોધખોળ માટે લોકો સામાન્ય રીતે ઉક્ત જોકમાંના માણસ જેવું વર્તન કરતા હોય છે, અર્થાત્ જ્યાં સિક્કો પડ્યો હોય ત્યાં નહીં, પરંતુ સ્ટ્રીટ લાઇટના થાંભલા પાસે શોધતા હોય છે.

મનોવૈજ્ઞાનિકો આને ‘અવેઇલિબિલિટી હ્યુરિસ્ટિક્સ’ કહે છે. એનો અર્થ એવો થયો કે લોકો જે સહેલાઈથી મળી જાય એવી અપૂરતી માહિતીના આધારે નિર્ણયો લેતા હોય છે. 

શું આનો અર્થ એ છે કે સ્કીમની ભૂતકાળની કામગીરી તરફ જોવું જ જોઈએ નહીં? ખરેખર એવું નથી, મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના કિસ્સામાં ભૂતકાળની કામગીરીનું સ્કીમના બેન્ચમાર્કની સરખામણીમાં મૂલ્યાંકન કરવું આવશ્યક છે - શું સ્કીમ બેન્ચમાર્ક કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહી છે કે ઓછું પ્રદર્શન કરી રહી છે? શું સ્કીમ બેન્ચમાર્ક કરતાં વધુ જોખમ લેવામાં આવ્યું છે? શું સ્કીમમાં ઓછા જોખમે વધુ વળતર પ્રાપ્ત કરી શકાયું છે? આ બધા સવાલોના જવાબ સ્કીમની ભૂતકાળની કામગીરી પરથી મળી જાય છે. આ સાથે જ આપણે પોર્ટફોલિયોમાં રહેલા જોખમના પ્રમાણ વિશે પણ જાણવું જરૂરી છે. આપણે અગાઉના લેખોમાં અનેક પ્રકારનાં જોખમો વિશે વાત કરી ચૂક્યા છીએ. એમાં ક્રેડિટ રિસ્ક, ઇન્ટરેસ્ટ રેટ રિસ્ક, ઇલ્લિક્વિડિટી રિસ્ક વગેરેનો સમાવેશ થાય છે.

ઉપરોક્ત મુદ્દાઓ ત્યારે જ અર્થપૂર્ણ બને છે, જ્યારે સ્કીમના રોકાણનાં લક્ષ્યોનો મેળ તમારાં પોતાનાં નાણાકીય લક્ષ્યોની સાથે થતો હોય. સેબીએ મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમના વર્ગીકરણ બાબતે બહાર પાડેલું પરિપત્રક રોકાણકારો માટે ઉપયોગી છે. રોકાણકારોએ દરેક શ્રેણીની અંદરોઅંદરની સ્કીમની જ તુલના કરવી જોઈએ, અલગ-અલગ શ્રેણીની સ્કીમની તુલના કરવી જોઈએ નહીં.

સ્કીમને લગતી માહિતી માટે સ્કીમ ઇન્ફર્મેશન ડોક્યુમેન્ટ, ફન્ડ ફેક્ટ શીટ જેવા દસ્તાવેજો વાંચી જવા જોઈએ. સ્કીમ્સની કામગીરીને લગતી માહિતી પૂરી પાડનારી કેટલીક નિષ્પક્ષ સર્વિસિસ પણ છે. જો તમે મ્યુચ્યુઅલ ફન્ડની સ્કીમ્સની જટિલતાઓને સમજી શકતા ન હો તો તમારે મ્યુચ્યુઅલ ફન્ડ ડિસ્ટ્રિબ્યુટર અથવા સેબીમાં નોંધાયેલા રોકાણ સલાહકારોની પ્રોફેશનલ મદદ લેવી જોઈએ.

business news