પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગૅસની મોંઘવારીની જીવનજરૂરી ચીજો પરની અસર કેટલી વાસ્તવિક?

09 May, 2022 11:19 AM IST  |  Mumbai | Mayur Mehta

રશિયા-યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધથી ખાદ્ય તેલોમાં સતત વધતો ભાવવધારોઃ અનાજ, કઠોળ અને ખાંડના ભાવ પર મોંઘવારીની કોઈ અસર થઈ નથી, ઊલટા ભાવ ઘટ્યા છે

પ્રતીકાત્મક તસવીર

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૭૬ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું હોવાથી વૈશ્વિક બજારમાં ક્રૂડ તેલ અને નૅચરલ ગૅસના ભાવ સતત વધી રહ્યા છે એની અસરે ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગૅસના ભાવ સતત વધી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા એક વર્ષમાં લિટરે ૧૨થી ૧૫ રૂપિયા અને રાંધણ ગૅસના ભાવમાં ૧૫૦ રૂપિયાનો વધારો નોંધાયો છે. યુક્રેનથી આવતું સનફ્લાવર ઑઇલ અટકી જતાં અને ઇન્ડોનેશિયાએ પામતેલની નિકાસ બંધ કરતાં ખાદ્ય તેલોના ભાવ છેલ્લા છ મહિનાથી સતત વધી રહ્યા છે અને ખાદ્ય તેલોના ભાવ છેલ્લા છ મહિનામાં લગભગ બમણાથી વધુ વધ્યા છે. જોકે અનાજ-કઠોળ અને ખાંડના ભાવમાં કોઈ મોટો વધારો નથી અને કેટલીક ચીજોમાં ઊલટા ભાવ ઘટ્યા હોવાની માહિતી બજારમાંથી મળી રહી છે. 
તમામ સ્થિતિ પરથી એવું તારણ નીકળે છે કે મોંઘવારી વધી છે એ વાતથી ઇનકાર થઈ શકે એમ નથી, પણ મોંઘવારીનો જે વધુપડતો પ્રચાર થઈ રહ્યો છે એટલી મોંઘવારી વધી નથી. મોંઘવારીનો રાજકીય લાભ ઉઠાવીને સરકારે ઘઉં અને ચોખા સપ્ટેમ્બર સુધી મફતમાં દેવાનો જે નિર્ણય કર્યો છે એમાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને મોંઘવારીના નામે સરકારી અધિકારીઓ અને રાજકારણીઓ તેમની શક્તિ પ્રમાણે મોટો ભ્રષ્ટાચાર કરીને સરકારીની તિજોરીને લૂંટી રહ્યા છે, એ પણ એક હક્કીત છે.

ઇન્ટરનૅશનલ ગ્રેન કાઉન્સિલના તાજા રિપોર્ટ પ્રમાણે વૈશ્વિક બજારમાં પણ એપ્રિલમાં ભાવ નજીવા ઘટ્યા હતા, જે માર્ચમાં ભાવ આસમાની ઊંચાઈએ પહોંચ્યા હતા. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સતત લંબાતું જતું હોવાથી અનાજનું પરિવહન અટક્યું હોવાથી જે-તે દેશોમાં કૃત્રિમ અછતનું ચિત્ર ઊભું થયું છે. ફાઓ (ફૂડ અને ઍગ્રીકલ્ચર ઑર્ગેનાઇઝેશન) કે જે યુનાઇટેડ નૅશન્સની સંસ્થા છે એના ડેપ્યુટી ડિરેક્ટર જોસેફ શ્મિધુબરે તાજેતરમાં જણાવ્યું હતું કે ‘આ ક્ષણે આપણે યુક્રેનમાં લગભગ ૨૫૦ લાખ ટન અનાજની નિકાસ કરી શકાય એવી લગભગ પ્રતિકૂળ પરિસ્થિતિ છે, પરંતુ એ માત્ર માળખાકીય સુવિધાના અભાવે, બંદરોની નાકાબંધીને કારણે નિકાસ થઈ શકતી નથી. જુલાઈ અને ઑગસ્ટમાં આગામી કાપણી દરમિયાન આ સ્થિતિ રહી તો સ્ટોરેજની સમસ્યા ઊભી થાય એવી પણ સંભાવના રહેલી છે. યુદ્ધ હોવા છતાં લણણીની સ્થિતિ એટલી ભયંકર દેખાતી નથી. એનો ખરેખર અર્થ એ થઈ શકે કે યુક્રેનમાં સ્ટોરેજની પૂરતી ક્ષમતા નથી. ખાસ કરીને જો યુક્રેનથી નિકાસ માટે ઘઉંના કોરિડોર ખોલવામાં ન આવ્યા હોય મોટી અસર દેખાય છે. મૉસ્કોએ ફેબ્રુઆરીના અંતમાં ‘વિશેષ લશ્કરી કાર્યવાહી’ શરૂ કરી ત્યારથી યુક્રેનને દરિયાઈ માર્ગને બદલે પશ્ચિમ સરહદ પર અથવા એનાં નાનાં ડેન્યુબ નદીનાં બંદરોથી ટ્રેન દ્વારા અનાજની નિકાસ કરવાની ફરજ પડી છે.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિનો જો ઉકેલ આવે તો વિશ્વમાં અનાજ-કઠોળની સ્થિતિ તાત્કાલિક સુધરી શકે છે. ઉપરાંત ભારતમાં ઘઉં અને ચોખાનું સરપ્લસ ઉત્પાદન થતું હોવાથી અહીં અનાજના ભાવવધારાની સમસ્યા ખરેખર નથી, છતાં પણ પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગૅસના ભાવવધારાને કારણે સાર્વત્રિક મોંઘવારીનો વધુ પડતો પ્રચાર થઈ રહ્યો છે. આવી જ સ્થિતિ ખાંડની છે, હાલ ઉનાળુની કાળઝાળ ગરમી છતાં છેલ્લાં બે સપ્તાહ દરમિયાન ખાંડના ભાવ ઘટ્યા છે. ખાંડનું મુખ્ય સેન્ટર ગણાતા ઉત્તર પ્રદેશમાં ખાંડના ભાવ પ્રતિ ક્વિન્ટલ ૩૬૦૦ રૂપિયાની નીચે આવી ગયા છે. એ જ રીતે મુંબઈમાં ખાંડના ભાવ ઘટ્યા છે. એક માત્ર ખાદ્ય તેલોના ભાવ સતત વધ્યા છે.

મોંઘવારીના વધુ પડતા પ્રચારથી કેટલાંક લેભાગુ તત્ત્વો વધુ ભાવે વેચીને ફાયદો મેળવે છે : રમણીકભાઈ છેડા - પ્રેસિડન્ટ, મુંબઈ ગ્રેન ડીલર્સ અસોસિએશન

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ, કોરોનાની સ્થિતિ અને અન્ય ઘટનાક્રમને પગલે જીવનજરૂરી ચીજોના ભાવ જરૂર વધ્યા છે, પણ જેટલો પ્રચાર થઈ રહ્યો છે એટલી મોંઘવારી નથી. ખાદ્ય તેલોના ભાવ સતત વધી રહ્યા છે એ હકીકત છે. યુક્રેનથી સનફ્લાવર ઑઇલનો પુરવઠો અટકી જતાં તેમ જ ઇન્ડોનેશિયાએ પામતેલની નિકાસ પર પ્રતિબંધ મૂકતાં ખાદ્ય તેલોના ભાવ છેલ્લા ત્રણ-ચાર મહિનામાં લગભગ બમણા વધી ગયા છે, પણ અનાજ-કઠોળના ભાવ વધવાને બદલે ઘટ્યા છે. ખાંડના ભાવ પણ છેલ્લાં બે-ત્રણ અઠવાડિયાંથી સતત ઘટી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગૅસના ભાવ સતત વધી રહ્યા હોવાથી મોંઘવારીનો વધુપડતો પ્રચાર થઈ રહ્યો છે, એના કારણે કેટલાક વેપારીઓ એનો લાભ ઉઠાવીને વધુ ભાવ પડાવી રહ્યા છે, પણ જો વેપારી કે ખરીદી કરનાર જાતે જ ભાવ પૂછીને ખરીદી કરે તો ઘટેલા ભાવે ચીજવસ્તુ બજારમાંથી મળી શકે છે. આવા અનુભવો કેટલાય વેપારીઓને થયા છે. સરકારે ઘઉં-ચોખા સહિત અનાજનું મફત વિતરણ સપ્ટેમ્બર સુધી લંબાવી દેતાં મોંઘવારીની હવા વધુ ફેલાઈ રહી છે. મસાલાની કેટલીક આઇટમોના ભાવ વધ્યા છે, જેમાં મરચાંના ભાવ ગયા વર્ષ કરતાં ઘણા વધુ છે. એ જ રીતે ધાણાના ભાવ પણ વધુ છે, પણ મસાલા આઇટમોના ભાવ વધવાનાં કારણો અલગ જ પ્રકારનાં છે. કેટલીક મસાલા આઇટમોની સપ્લાય-ડિમાન્ડ અસમતોલ થવાથી દર વર્ષે ભાવ વધે છે. 

સરકારે મફતમાં અનાજ આપવાને બદલે ગરીબોને રોકડ સહાય આપવી જોઈએ : ભીમજીભાઈ ભાનુશાળી - સેક્રેટરી, ગ્રોમા (ધી ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્ઝ મર્ચન્ટ્સ અસોસિએશન)

આમ જનતા પર મોંઘવારીને માર સતત વધી રહ્યો છે, એનો ઇનકાર થઈ શકે એમ નથી. રશિયા અને યુક્રેન વચ્ચે સતત લંબાતા યુદ્ધથી તમામ ચીજોના ભાવ સતત વધી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા હોવાથી એની અસરે તમામ આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન મોંઘું બની રહ્યું હોવાથી એની અસર તમામના ભાવ પર પડી રહી છે. રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે નૅચરલ ગૅસના ભાવ વૈશ્વિક બજારમાં ૧૩થી ૧૪ વર્ષની ઊંચાઈએ પહોંચ્યા હોવાથી અહીં રાંધણ ગૅસના ભાવ પણ એકધારા વધી રહ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે જ્યાં સુધી યુદ્ધ ચાલશે ત્યાં સુધી ભાવ સતત વધતા રહેશે એવી ધારણા છે. સરકાર દ્વારા મોંઘવારીને રોકવા શક્ય તમામ પગલાં લેવાઈ રહ્યાં છે, પણ આંતરરાષ્ટ્રીય ફલક પર સ્થિતિ બગડી રહી હોવાથી મોંઘવારીને રોકવા સરકારના હાથ બંધાયેલા છે. દેશના ગરીબોને ઘઉં-ચોખા સહિત અનાજ મફતમાં આપવાની મુદત સરકારે સપ્ટેમ્બર સુધી લંબાવી છે. સરકારની આ યોજનાથી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. સરકારે ખરેખર મફત અનાજ-કઠોળને બદલે ગરીબોનો રોકડ સહાય આપવી જોઈએ કે જેથી ગરીબોને જે ચીજવસ્તુની જરૂરત હોય એ ખરીદી શકે. સરકારની આ યોજનાથી ગરીબોને લાભ મળવો જોઈએ એના કરતાં વચેટિયા વધુ લાભ મેળવી રહ્યા છે અને ગરીબોને સરકારની યોજનાનો જે લાભ મળવો જોઈએ એ મળતો નથી. 

business news