શૅરબજારને ટકાવવામાં મ્યુચ્યુઅલ ફન્ડનો મોટો હાથ

13 April, 2023 04:29 PM IST  |  Mumbai | Jayesh Chitalia

માર્કેટ માટે મ્યુચ્યુઅલ ફન્ડ્સનો ટેકો મોટો બનતો જાય છે, જે હાલના અને ભાવિ સંજોગોને ધ્યાનમાં રાખતાં વધુ મહત્ત્વનો પણ બનતો જશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સામાન્ય રીતે શૅરબજારની તેજી કે મંદી માટે વિદેશી રોકાણકારોને વધુ જવાબદાર માનવામાં આવે છે, તેઓ ખરીદતા રહે તો તેજી અને તેઓ વેચતા રહે તો મંદી, એવી એક જબરદસ્ત છાપ છે, અમુક અંશે સાચી પણ ખરી. પરંતુ આ વિષયમાં જે યશ આપણાં મ્યુચ્યુઅલ ફન્ડ્સ સહિતનાં સ્થાનિક ફન્ડ્સને મળવો જોઈએ એ અપેક્ષા મુજબ મળતો નથી. સ્થાનિક મ્યુચ્યુઅલ ફન્ડ્સને તેજીનો યશ મળે યા ન મળે, પરંતુ બજારને ટકાવી રાખવાનો યશ તો મળવો જ જોઈએ. ફૉરેન ઇન્વેસ્ટર્સની સતત નેટ વેચવાલી સામે નેટ ખરીદી કરતાં રહીને આ ફન્ડ્સ જે રીતે બજારને ટેકો આપે છે અને તૂટી જવામાંથી બચાવે છે એની કદર થવી જોઈએ. આ કદરના ખરા હકદાર નાના-રીટેલ રોકાણકારો પણ ખરા, કારણ કે મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં તેમનું રોકાણ નોંધપાત્ર રહે છે. 

માનો કે ન માનો, હાલ ભારતીય મ્યુચ્યુઅલ ફન્ડ્સનો હિસ્સો ઇક્વિટી માર્કેટમાં ૫૦ ટકા આસપાસ રહ્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૩માં આ હિસ્સો ૫૦.૬ ટકા પર પહોંચી ગયો હતો. પાંચેક વરસ પહેલાં આ હિસ્સો આના ત્રીજા ભાગનો જ હતો. સ્થાનિક ફન્ડ્સ અત્યારે ૪૨ લાખ કરોડ રૂપિયાથી વધુની ઇક્વિટીનું મૅનેજમેન્ટ પોતાના હેઠળ ધરાવે છે. અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ સ્થાનિક ફન્ડ્સમાં મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઉપરાંત વીમા કંપનીઓ, નાણાસંસ્થાઓ, પેન્શન ફન્ડ્સ પણ સામેલ છે. હવે ખાસ ઉલ્લેખનીય ડેટા જોઈએ, ફેબ્રુઆરીમાં એફપીઆઇ (ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ)ના ૪૪.૨ લાખ કરોડ રૂપિયાની ઍસેટ્સ અન્ડર મૅનેજમેન્ટ સામે સ્થાનિક ફન્ડ્સની ૪૨.૯ લાખ કરોડ રૂપિયાની ઍસેટ્સ અન્ડર મૅનેજમેન્ટ હતી.  

વૉલેટિલિટીમાં સમતોલપણું

હાલ જ્યારે ગ્લોબલ માર્કેટમાં લાંબા સમયથી સતત વૉલેટિલિટી પ્રવર્તી રહી છે ત્યારે સ્થાનિક ફન્ડ્સ આપણી બજારને એનો સામનો કરવા સક્ષમ બનાવે છે, બજારને ટેકો પૂરો પાડે છે, બજારને સમતોલ રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અન્ય ઇમર્જિંગ માર્કેટ્સ કે વિકસિત માર્કેટ સામે ભારતીય માર્કેટનું ટકી રહેવાનું અને સારું વળતર આપવાનું નિમિત્ત બનવામાં સ્થાનિક ફન્ડ્સનો મોટો ફાળો રહ્યો ગણાય. છેલ્લા ૧૨ મહિનામાં આ ફન્ડ્સનું એકત્રિત રોકાણ ૧.૮૦ લાખ કરોડ રૂપિયા જેટલું રહ્યું છે, જેની સામે ફૉરેન ઇન્વેસ્ટર્સે ૮૫,૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચ્યા છે. ગયાં પાંચ વરસનાં લેખાંજોખા જોઈએ તો સ્થાનિક ફન્ડ્સ તરફથી ભારતીય ઇક્વિટીમાં ચાર લાખ કરોડ રૂપિયા રોકવામાં આવ્યા છે, જ્યારે એની સામે ફૉરેન ઇન્વેસ્ટર્સ તરફથી માત્ર એક લાખ કરોડ રૂપિયા મુકાયા છે. ઑગસ્ટ ૨૦૨૨ને બાદ કરતાં સ્થાનિક ફન્ડ્સે દર મહિને ભારતીય ઇક્વિટી માર્કેટમાં ૧૪,૦૦૦ કરોડથી વધુ સરેરાશ રોકાણ કર્યું છે. 

સ્માર્ટ ફન્ડ મૅનેજર્સની ભૂમિકા

વર્તમાન સંજોગોમાં જ્યારે માર્કેટ આડેધડ વધ-ઘટ કરે છે ત્યારે મ્યુચ્યુઅલ ફન્ડ્સ સ્માર્ટ ઇન્વેસ્ટર્સ તરીકે કામ કરી રહ્યાં છે. અમુક અપવાદને બાદ કરતાં હાલના સંજોગોમાં હોશિયાર ફન્ડ મૅનેજર્સની જરૂરિયાત વધુ છે, કારણ કે સંજોગો જેટલા અનિશ્ચિતતાવાળા અને કટોકટીવાળા હોય ત્યારે જોખમ વધતું હોય છે અને તકો પણ વધતી હોય છે. આ સમયમાં જ્યારે-જ્યારે માર્કેટ તૂટે છે ત્યારે ફન્ડ્સ સક્રિય થઈને ઘટેલા ભાવોએ ખરીદતા જાય છે, જેનો લાંબે ગાળે લાભ થવાનો છે. દરમ્યાન નિયમન સંસ્થા સેબીએ એપ્રિલ ૨૦૨૪ સુધીમાં તમામ ઑલ્ટરનેટિવ ફન્ડ્સનાં યુનિટ્સ ફરજિયાત ડિમેટ કરાવવાની સૂચના આપી છે. સેબીએ સેલ્ફ સ્પૉન્સર્ડ ઍસેટ મૅનેજમેન્ટ કંપનીને પણ મંજૂરી આપી છે, એ મ્યુચ્યુઅલ ફન્ડ બિઝનેસ ચાલુ રાખી શકશે. આ ઉપરાંત ફ્રૅન્કલિન ટેમ્પલ્ટનના કિસ્સાને ધ્યાનમાં રાખી સેબીએ હવે યુનિટધારકોનાં હિતોની રક્ષા માટે એએમસી બોર્ડ, ટ્રસ્ટીઝની જવાબદારી વધારી દીધી છે. આમ સેબી રોકાણકારોનાં હિતોની રક્ષાને તેમ જ વિશ્વાસને ધ્યાનમાં રાખી સતત મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગ પર નિયમન વધારતું રહ્યું છે. મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગ આગામી સમયમાં વધુ વિકાસ કરશે એ નિશ્ચિત છે. આ ઉદ્યોગમાં રોકાણકારોની સંખ્યા પણ સતત વધતી રહેવાનું નિશ્ચિત ગણાય છે.

સવાલ તમારા…

આ સમયમાં મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાઓમાં રોકાણ વધારવું જોઈએ કે બજાર ઘટવાની રાહ જોવી જોઈએ?

હાલનો સમય ગ્લોબલ સિચુએશનને કારણે વૉલેટાઇલ છે અને રહેશે. આ સમયમાં રોકાણ વધારવાની તમારી ક્ષમતા હોય તો ચોક્કસ વધારી શકાય. તમારે લાંબા ગાળાનો અભિગમ રાખવો પડે. એસઆઇપીમાં ટૉપઅપ કરી શકાય, લમસમ રોકાણ પણ કરી શકાય. જોકે તમારી જોખમ લેવાની ક્ષમતાને આધારે તેમ જ તમારા ઇન્વેસ્ટમેન્ટ ઍડ્વાઇઝરની સલાહ લઈ આગળ વધવું જોઈએ.

business news jayesh chitalia share market