હોટેલ્સ, રેસ્ટોરાં બંધ રહેતાં દેશની ખાદ્યતેલ માગ 20 લાખ ટન ઘટશે

11 July, 2020 11:44 AM IST  |  Mumbai | Mumbai correspondent

હોટેલ્સ, રેસ્ટોરાં બંધ રહેતાં દેશની ખાદ્યતેલ માગ 20 લાખ ટન ઘટશે

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસ, લૉકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોના કારણે દેશમાં ખાદ્યતેલની માગ ચાલુ વર્ષે ૧૫થી ૨૦ લાખ ટન ઘટે અને તેના કારણે આયાત પણ ૧૩ ટકા જેટલી ઘટે એવી શક્યતા છે. હોટેલ્સ, રેસ્ટોરાં અને કેટરિંગ સર્વિસ ઉપર નિયંત્રણના કારણે ખાદ્યતેલના વર્ષ (નવેમ્બર ૨૦૧૯થી ઑક્ટોબર ૨૦૨૦)માં માગ ઘટી શકે છે.

ખાદ્યતેલ ઉપરાંત ખાંડ, દૂધની બનાવટો અને શાકભાજીની માગમાં પણ હોટેલ્સ અને રેસ્ટોરૉ બંધ રહેતા અથવા તો તેમની કામગીરી ઉપર નિયંત્રણ રહેતા ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારત જોકે ખાંડ અને દૂધની નિકાસ કરે છે પણ લગભગ પોતની જરૂરિયાતની ૬૦થી ૭૦ ટકા ખાદ્યતેલની આયાત કરે છે. દેશમાં આયાત આ વર્ષે ૧૩ ટકા ઘટે તો કદાચ આયાત ૨૦ લાખ ટન ઘટી ૧૨૯થી ૧૩૦ લાખ ટન વચ્ચે રહે તેવી શક્યતા છે.

દેશમાં ખાદ્યતેલનો કુલ વપરાશ ૨૩૦ લાખ ટન જેટલો છે તેમાં આ વર્ષે લગભગ ૨૦ લાખની માગ ઘટે એવી શક્યતા છે જેની સીધી અસર ઓછી આયાતના રૂપમાં જોવા મળશે. વર્તમાન વાવેતરમાં ખાદ્યતેલનું વાવેતર સારું એવું વધ્યું છે એટલે તેમના હાથ ઉપરનો સ્ટૉક બજારમાં આવી રહ્યો છે અને તેનું પિલાણ કરી તેલ બજારમાં આવી રહ્યું છે એટલે સ્થાનિક પુરવઠો વધ્યો છે અને આયાત ઉપર નિર્ભરતા ઘટી છે.

નવેમ્બરથી જૂન સુધીમાં ૮૧ લાખ ટન ખાદ્યતેલની આયાત જોવા મળી છે જે ગત વર્ષ કરતાં ૧૪.૫ ટકાનો ઘટાડો દર્શાવે છે. કેન્દ્ર સરકારે રિફાઇન્ડ તેલની આયાત ઉપર નિયંત્રણ મૂક્યા હોવાથી તેની આયાતમાં જંગી ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્રણ વર્ષ પહેલાં દેશમાં કુલ ખાદ્યતેલ પુરવઠામાં આયાતનો હિસ્સો ૭૪ ટકા હતો જે આ વર્ષે ઘટીને ૬૨ ટકા થાય તેવી શક્યતા છે.

ખાદ્યતેલના છૂટક વેચાણ ઉપર પ્રતિબંધ

લોકોને ગુણવત્તાવાળી અને ચોક્કસ માત્રામાં ચીજો મળે એના ભાગરૂપે કેન્દ્ર સરકારે રીટેલ સ્તર ઉપર છૂટક વેચતા તેલ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો છે. પેકેજિંગના કારણે ગ્રાહકોને તેલ થોડું મોંઘું મળશે પણ ગુણવત્તા જાળવવા માટે આ પગલું આવકાર્ય છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે, કોઈ પણ ખાદ્યતેલનું પેકિંગ માત્ર નવા ડબ્બા કે નવા મટીરિયલનો ઉપયોગ કરીને જ કરવાનો આદેશ આપ્યો છે. 

business news