અનલૉક થવાને પગલે ઉદ્યોગોમાં અચ્છે દિનની આશા : નિષ્ણાતો

23 June, 2021 03:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિયલ એસ્ટેટ, ફાર્મા, આરોગ્ય સેવા, શિક્ષણ, ઊર્જા, ફર્નિચર, સ્ટીલ-ટ્યુબ્સ, હૉસ્પિટાલિટી અને કાનૂની ક્ષેત્રના અગ્રણીઓનું કહેવું છે કે અર્થતંત્રની ગાડી પાટા પર ચડી રહી છે

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના રોગચાળાને લીધે આર્થિક મોરચે માર પડ્યો હોવા છતાં હવે દેશભરમાં અનલૉકને પગલે આર્થિક પ્રવૃત્તિઓ વધી રહી છે. આ ઉપરાંત રિઝર્વ બૅન્કે હાલમાં બહાર પાડેલા અર્થતંત્રની સ્થિતિ વિશેના અહેવાલને પગલે ઉદ્યોગજગતમાં આશાવાદ જન્મ્યો છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે કોરોનાનાં નિયંત્રણો વચ્ચે પણ ઔદ્યોગિક ઉત્પાદન અને નિકાસમાં વૃદ્ધિ થઈ છે. આ ઉપરાંત વર્તમાન નાણાકીય વર્ષનું જીએસટીનું કલેક્શન પાછલા વર્ષની તુલનાએ વધુ રહ્યું છે.

રિયલ એસ્ટેટ, ફાર્મા, આરોગ્ય સેવા, શિક્ષણ, ઊર્જા, ફર્નિચર, સ્ટીલ-ટ્યુબ્સ, હૉસ્પિટાલિટી અને કાનૂની ક્ષેત્રના અગ્રણીઓનું કહેવું છે કે અર્થતંત્રની ગાડી પાટા પર ચડી રહી છે. એસ ગ્રુપના સીએમડી અજય ચૌધરીએ કહ્યું હતું કે ઔદ્યોગિક ક્ષેત્રમાં સુધારો થવા લાગ્યો છે. રોકાણકારોનું માનસ પણ તેજીતરફી છે તેથી ઓછા ભાવે મળી રહેલા રેડી ટુ મૂવ ઇન અને પ્રોજેક્ટ પૂરો થવાની તૈયારીમાં હોય એવાં ઘરમાં જવા માટે લોકો તૈયાર છે. નિકોલસ હેલ્થકૅરના સીઈઓ કપિલ જૈને કહ્યું હતું કે મહત્ત્વપૂર્ણ દવાઓ અને ઉપકરણોની માગ અને પુરવઠા વચ્ચેના તફાવતને ઝડપથી દૂર કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. આરોગ્ય સેવા ક્ષેત્રે ઝડપી પ્રગતિ થઈ રહી છે. એપીએલ એપોલોના સીએમડી સંજય ગુપ્તાએ કહ્યા મુજબ રિઝર્વ બૅન્કના અહેવાલને પગલે સકારાત્મકતા ફેલાઈ છે. 

business news