માગ અને પુરવઠાની ચિંતા વચ્ચે પણ ક્રૂડ ઑઈલમાં ઊંચા ભાવનો દોર

07 May, 2020 02:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માગ અને પુરવઠાની ચિંતા વચ્ચે પણ ક્રૂડ ઑઈલમાં ઊંચા ભાવનો દોર

ક્રૂડ ઑઈલ

એપ્રિલ મહિનામાં ક્રૂડ ઑઈલના અમેરિકન વાયદામાં નેગેટિવ ભાવ જોવા મળ્યા પછી પરંપરાગત ઇંધણના મહત્ત્વના સ્રોત એવા ક્રૂડ ઑઈલના ભવિષ્ય અંગે લોકોએ પૂર્ણવિરામ મૂકી દીધા હતા, પણ એ પછીના ૧૨ ટ્રેડિંગ સત્રમાંથી ક્રૂડ ઑઈલના ભાવ નવ સત્રમાં વધ્યા છે. આજે પણ ક્રૂડ ઑઈલની માગ, હાથ ઉપર રહેલો સ્ટૉક અને પુરવઠા અંગે ચિંતા છે, પણ કોરોના વાઇરસના કારણે લાદવામાં આવેલું લૉકડાઉન ધીમે ધીમે વૈશ્વિક સ્તરે ઊઠી રહ્યું છે, લોકોના આવાગમન ઉપર નિયંત્રણ હટી રહ્યા છે ત્યારે અર્થતંત્રનું બેન્ચમાર્ક ગણાતા ક્રૂડ ઑઈલના ભાવ પણ સતત વધી રહ્યા છે.

અમેરિકામાં ઉત્પાદન થતું હોય એવા ક્રૂડ ઑઈલના બેન્ચમાર્ક ગણાતા ક્રૂડ ઑઈલના ભાવ તા. ૨૮ એપ્રિલે ફરી ૧૦.૦૭ ડૉલર પ્રતિ બેરલ થઈ ગયા હતા ત્યારે બજારમાં એવી ચિંતા હતી કે મે વાયદાની જેમ જૂન વાયદો પણ નેગેટિવ બંધ રહેશે, કારણ કે અમેરિકામાં ક્રૂડ ઑઈલના સંગ્રહ માટે હવે જગ્યા બચી નથી, પણ ભાવમાં છેલ્લા છ દિવસથી સતત વધારો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઑઈલનો વાયદો આ નીચલા મથાળેથી ૧૫૬ ટકા વધી આજે ૨૫.૭૩ ડૉલર પ્રતિ બેરલ થઈ ગયો હતો.

અરબ દેશો અને અન્ય વૈશ્વિક બજારમાં ત્રીજા ભાગના ક્રૂડ ઑઈલનું માપદંડ ગણાતા લંડનના બ્રેન્ટ ક્રૂડ ઑઈલના વાયદામાં પણ આવો જ ઉછાળો જોવા મળ્યો છે. તા. ૨૮ એપ્રિલે ૧૮.૭૧ ડૉલરની બે દાયકાની સૌથી નીચી સપાટી પછી ભાવ સાત સત્રમાં સતત વધ્યા છે. આજે ભાવ એક તબક્કે ૩૨.૧૮ ડૉલર પ્રતિ બેરલ જોવા મળ્યા હતા. આ સાત દિવસમાં ભાવ ૭૨ ટકા વધી ગયા છે.

જો કે આજે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ હોવાથી અમેરિકન વાયદો ૨૭ સેન્ટ કે ૧.૧ ટકા ઘટી ૨૪.૨૯ ડૉલર પ્રતિ બેરલ અને લંડન ખાતે બ્રેન્ટ ૨૦ સેન્ટ કે ૦.૭૦ ટકા ઘટી ૩૦.૭૭ ડૉલર પ્રતિ બેરલ ચાલી રહ્યા છે. અમેરિકામાં ક્રૂડનો સ્ટૉક ૮૪ લાખ બેરલ વધ્યો હોવાના આંકડા જાહેર થયા હોવાથી બજારમાં ફરી માગ કરતાં પુરવઠો વધારે હોવાની ચિંતાએ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે.

business news