સોના અને ચાંદીને શૅરબજારમાં ઘટાડાના જોખમ સામે હેજિંગનો ટેકો

27 November, 2020 11:51 AM IST  |  Mumbai | Bullion Watch

સોના અને ચાંદીને શૅરબજારમાં ઘટાડાના જોખમ સામે હેજિંગનો ટેકો

ગોલ્ડ

કોરોના વૅક્સિનમાં મળી રહેલી સફળતાના કારણે ૨૦૨૧માં વૈશ્વિક આર્થિક મંદી નાબૂદ થશે એવી ધારણા વચ્ચે નવેમ્બર મહિનામાં જોખમો સામે રક્ષણ આપતાં સોના અને ચાંદીમાં ભાવ ચાર મહિનાની નીચી સપાટીએ ગબડી પડ્યા છે, પણ બે દિવસથી એમાં નીચા મથાળે ટેકો મળી રહ્યો છે. સોનું ૧૮૦૦ ડૉલર અને ચાંદી ૨૩ ડૉલરની ઉપર રહેવામાં સફળ થયા છે.

અમેરિકામાં રોજગારીના આંકડા નબળા આવતાં બુધવારે શૅર નરમ રહ્યા હતા, યુરોપમાં પણ બિઝનેસ કૉન્ફિડન્સ ધારણા કરતાં નરમ રહેતાં શૅરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શૅરબજારમાં આ ઘટાડા સામે રોકાણને રક્ષણ આપવા માટે સોનામાં આંશિક રીતે હેજિંગ થઈ રહ્યું હોય એવી શક્યતા છે એટલે બે દિવસથી એમાં ઘટાડો અટક્યો છે, છતાં ભાવમાં કોઈ મોટી તેજી જોવા મળી રહી નથી.

બુધવારે સોનું ૦.૦૫ ટકા અને ચાંદી ૦.૨૧ ટકા વધ્યા હતા. ગઈ કાલે પણ સોનું મક્કમ હતું જયારે ચાંદીમાં થોડું નરમ હવામાન જોવા મળી રહ્યું છે. સાવચેતી અને જોખમ સામે રક્ષણના સંકેતમાં અત્યારે અમેરિકન ડૉલર ઇન્ડેક્સ પણ વધેલો છે. વિશ્વનાં છ મુખ્ય ચલણ સામે ડૉલરનું મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ બે દિવસના ઘટાડા પછી ગઈ કાલે ૦.૧૪ ટકા વધેલો છે. ડૉલરમાં વૃદ્ધિ જોકે સોનાના ભાવ પર બ્રેક લગાવે છે.

વૈશ્વિક બજારમાં સોનું ફેબ્રુઆરી વાયદો ૦.૩૯ ટકા કે ૭.૧૦ ડૉલર વધી ૧૮૧૮.૩ અને હાજરમાં ૦.૩૩ ટકા કે ૬.૦૩ ડૉલર વધી ૧૮૧૩.૫૯ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદી માર્ચ વાયદો ૦.૧૦ ટકા કે ૨ સેન્ટ વધી ૨૩.૪૭ અને હાજરમાં ૨૩.૩૬ ડૉલર પ્રતિ ઔંસની સ્થિર સપાટી પર છે.

સોના-ચાંદી : ભારતમાં હાજર અને વાયદામાં સામસામા રાહ

ચાલુ મહિનામાં તીવ્ર ઘટાડા, ભારતમાં વધી રહેલા કેસ, લગ્નની સીઝનનો અંત આવી રહ્યો છે ત્યારે સાવચેતી જોવા મળી રહી છે. ગઈ કાલે હાજરમાં સોના અને ચાંદી નરમ હતાં. મુંબઈ ખાતે હાજરમાં સોનું ૮૦ ઘટી ૫૦,૭૭૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૧૩૫ ઘટી ૫૦,૭૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતું. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૮,૫૨૪ ખૂલી, ઉપરમાં ૪૮,૮૦૦ અને નીચામાં ૪૮,૫૨૪ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૧૪ વધીને ૪૮,૭૨૭ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૭૦૫ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૮,૮૩૫ અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૧૦ ઘટીને ૧ ગ્રામદીઠ ૪૮૮૦ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૮૪ વધીને બંધમાં ૪૮,૭૫૨ રૂપિયાના ભાવ રહ્યા હતા.

હાજરમાં મુંબઈ ચાંદી ૧૩૦ ઘટી ૬૨,૩૨૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૮૦ ઘટી ૬૨,૩૦૦ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૬૦,૦૩૪ ખૂલી, ઉપરમાં ૬૦,૨૬૭ અને નીચામાં ૫૯,૪૫૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૬૬ વધીને ૬૦,૦૦૯ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૩૨૬ ઘટીને ૫૯,૮૯૪ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૧ વધીને ૫૯,૯૪૮ રૂપિયા બંધ રહ્યા હતા.

પાંચમા દિવસે પણ ડૉલર સામે રૂપિયો વધ્યો

શૅરબજારમાં સતત ઉછાળો, વિદેશી મૂડીપ્રવાહ છેલ્લાં ૨૦ વર્ષમાં સૌથી ઊંચા છે ત્યારે અને વૈશ્વિક બજારમાં ઇમર્જિંગ માર્કેટનું આકર્ષણ વધી રહ્યું હોવાથી સતત પાંચમા દિવસે ડૉલર સામે રૂપિયો ગઈ કાલે વધીને બંધ આવ્યો હતો. બુધવારે ડૉલર સામે ૭૩.૯૧ની સપાટીએ બંધ આવેલો રૂપિયો ગઈ કાલે ૭૩.૮૫ની ઉપરની સપાટીએ ખૂલ્યો હતો અને વધીને ૭૩.૭૫ થયો હતો, પણ દિવસના અંતે દિવસની ઉપરની સપાટીથી લપસી ૭૩.૮૮ બંધ આવ્યો હતો. આમ છતાં, દિવસના અંતે રૂપિયો આગલા બંધથી ત્રણ પૈસા વધ્યો છે.

business news