નાસ્દાક, બિટકોઇન અને બુલિયનમાં જોરદાર વેચવાલી : રૂપિયામાં ઉછાળો

07 September, 2020 09:32 AM IST  |  Mumbai | Biren Vakil

નાસ્દાક, બિટકોઇન અને બુલિયનમાં જોરદાર વેચવાલી : રૂપિયામાં ઉછાળો

કરન્સી

અમેરિકી શૅરબજાર નાસ્દાક અને એસએન્ડપીમાં જોરદાર વેચવાલીએ ઝડપી કરેક્શન આવતા વિશ્વભરનાં શૅરબજારોમાં તેજીમાં ભંગ પડ્યો છે. નાસ્દાક ૧૨૫૦૦થી ઘટી ૧૧૫૦૦ થયો છે. કેન્ડલસ્ટિક ચાર્ટ મુજબ ટોપ ઉપર હેંગિંગ મૅન જેવી બેરિશ કેન્ડલ અને કમ્બાઇન કેન્ડલમાં એબેન્ડન બેબી ટોપ (પશ્ચિમી ચાર્ટ મુજબ આઇલૅન્ડ બાર રિવર્સલ) પેટર્ન જોવા મળી છે. આ પેટર્ન રૅર જોવા મળે છે અને મંદીની પેટર્ન ગણાય છે. જે રીતે વેચવાલી આવી છે એ જોતા કામચલાઉ તેજીમાં વિરામ દેખાય છે. એક રીતે જોઈએ તો વેચવાલી બાસ્કેટ સેલિંગ દેખાય છે. તમામ રિસ્કી એસેટસ જેવી કે બુલિયન, બિટકોઇન, ક્રૂડ ઑઇલ વગેરેમાં વ્યાપક વેચવાલી આવી છે. ડોલેક્સમાં મંદી અટકી છે. યુરોમાં તેજી અટકી છે. શુક્રવારના નો ફાર્મ પે રોલમાં બેકારીદર ૨ ટકા ઘટી ૮.૪ ટકા આવ્યો છે એ ઉપલક રીતે સારું છે, પણ ટેમ્પરરી બેકારીની તુલનાએ કાયમી બેકારો વધ્યા છે. કોવિડ લૉકડાઉનમાં કુલ ૩.૨ કરોડ બેકાર થયા હતા એમાંથી ૭૫ લાખ રોજગારી પાછી આવી છે, પણ હજી ઘણા લોકો બેકાર છે. ફેડે લાંબો સમય લિક્વિડિટી આપવાની વાત કરી છે એ વાત હાલમાં ડિસ્કાઉન્ટ થઈ ગઈ છે. ફન્ડોને નક્કર સ્ટિમ્યુલસ જોઈએ છે. શૅરબજાર તૂટશે તો હું ચૂંટણી હારી જઈશ એવો ફડકો ટ્રમ્પને છે એટલે હેજ ફન્ડોને બજાર તોડીને ફેડ પાસે ખંડણી માગતા ફાવી ગયું છે. લાવો પૈસા નહીંતર બજાર તોડીએ છીએ. ડાઉ ૨૫૦૦૦ નીચે જાય એટલે નવું સ્ટિમ્યુલસ આવ્યું સમજો!

વૈશ્વિક ભૂરાજકીય મામલે ઠેરઠેર ભારેલો અગ્નિ છે. લદાખમાં ચીન અને ભારતની સેનાઓ સામસામે છે. સાઉથ ચાઇના સીમાં તાઇવાન અને ચીન વચ્ચે તનાવ વધ્યો છે. યુરોપમાં બાલ્ટિક સમુદ્રમાં રશિયન વિમાનો ઘરઘરાટી બોલાવે છે અને નાટોનાં વિમાનો પણ સામો જવાબ આપે છે. મેડિટેરિયન સીમાં ટર્કી અને ગ્રીસ નૌકા સૈન્યો વચ્ચે છમકલા થાય છે. ટર્કી પર યુદ્ધનો ઉન્માદ છવાયો છે. ભારતે પણ સાઉથ ચાઇના સીમાં યુદ્ધજહાજ તહેનાત કર્યા છે. રશિયન પ્રમુખ પુતિનના વિરોધી એલેકસ નાવલીનને નોવિચોક નામનું ઝેર અપાયાના જર્મન આક્ષેપો પછી યુરોપ અને રશિયા વચ્ચે તનાવ વધશે. બેલારુસમાં જનતા પર દમન કરવા બદલ પ્રમુખ લુકાશેન્કો પર મેગન્સિકી પ્રતિબંધો લગાવાયા છે.

રૂપિયાની વાત કરીએ તો ડૉલર સામે રૂપિયાની તેજી થોડી ધીમી પડી છે, પણ રૂપિયો યુરો ને પાઉન્ડ સામે જોરદાર ઉછળ્યો છે. રૂપિયો ૭૨.૭૮ થયા પછી ૭૩.૧૩ બંધ રહ્યો હતો. છેલ્લે ઓટીસી બજારમાં ૭૩.૩૧ બંધ હતો. યુરો સામે રૂપિયો ૮૯થી સુધરી ૮૬.૫૦ અને પાઉન્ડ સામે ૯૯થી સુધરી ૯૭.૩૦ રહ્યો હતો.

સ્થાનિક બજારોની વાત કરીએ તો જીડીપીમાં ૨૩.૮ ટકા જેવો મોટો ઘટાડો અને બજેટખાધ બેકાબૂ થઈ રહી છે. માળખાગત રીતે રૂપિયો ઘટવાના અનેક કારણો હોવા છતાં હાલમાં બજાર તેજ રહેવાનું કારણ વિદેશી મૂડીરોકાણમાં એકધારો વધારો અને આયાતોમાં મોટા ઘટાડાને કારણે ચાલુ ખાતાની પુરાંત તેજી માટે કારક બળ છે. રિઝર્વ બૅન્કે રૂપિયાની ઝડપી તેજી રોકવા અંદાજે ૫૦ અબજ ડૉલર ખરીદી દરમ્યાનગીરી કરી, પણ ડૉલરની આવક વધતાં આખરે દરમ્યાનગીરીમાં પારોઠનાં પગલાં ભર્યાં પછી રૂપિયામાં જોરદાર ઉછાળો આવ્યો છે. રૂપિયો ૭૬.૮૮થી સુધરીને ૭૩.૩૦ થયો છે. રૂપિયામાં સપોર્ટ ૭૨.૮૫, ૭૨.૪૪ અને રેઝિસ્ટન્સ ૭૩.૩૭, ૭૩.૮૪, ૭૪.૪૦ છે.

વૈશ્વિક બજારમાં ડોલેકસ ૧૦૪થી ઘટીને ૯૨ થઈ ૯૩.૧૦ આવ્યો છે. ડૉલરની મંદી અમેરિકી નિકાસો માટે ફાયદાકારક છે. યુરો ઝડપી ૧.૨૦ થઈ જતા યુરોની નિકાસ પર નેગેટિવ અસરની દહેશતે ઇયુ નેતાઓએ યુરોની તેજી અટકે એવા વિધાનો કર્યા હતા. દરમ્યાન ચીને અમેરિકી ટ્રેઝરી હોલ્ડિંગ ઘટાડવાનું એલાન કર્યું છે. ચીન અને અમેરિકા વચ્ચે વેપારી તનાવ છે, લશ્કરી તનાવ પણ છે. છાના ખૂણે કરન્સીવૉરની શક્યતા નકારાય નહીં. એશિયામાં યુઆન હાલમાં મજબૂત છે. એશિયન ઇમર્જિંગ કરન્સી પણ મજબૂત છે.

business news