રિલાયન્સના ઐતિહાસિક રાઇટ ઇશ્યુની ભારે ડિમાન્ડ, 2 દિવસમાં 53 ટકાનો ઉછાળો

22 May, 2020 11:49 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

રિલાયન્સના ઐતિહાસિક રાઇટ ઇશ્યુની ભારે ડિમાન્ડ, 2 દિવસમાં 53 ટકાનો ઉછાળો

પ્રતીકાત્મક તસવીર

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના હાલના ૧૫ શૅર સામે ૧ શૅર રાઇટ (એટલે કે હકના ધોરણે) આપી ૫૩,૧૨૫ કરોડ રૂપિયા એકત્ર કરવા માટેના ઐતિહાસિક રાઇટ ઇશ્યુમાં રોકાણકારોનો રસ વધી રહ્યો છે. ૧૪ મેના રોજ કંપનીના ચોપડે હોય તેવા દરેકને આ શૅરના રાઇટ મળ્યા છે. આ ઇશ્યુ ૩ જૂન સુધી ખુલ્લો રહેવાનો છે. 

૧૨૫૭ રૂપિયાના ભાવે મળનારા આ રાઇટ ઇશ્યુમાં અરજી સાથે રોકાણકારે ૩૧૪.૨૫ રૂપિયા (એટલે કે ૨૫ ટકા) રકમ જ ભરવાની છે. બીજા ૨૫ ટકા મે ૨૦૨૧માં અને બાકીના ૫૦ ટકા કે ૬૨૮.૫૦ રૂપિયા નવેમ્બર ૨૦૨૧માં ભરવાના છે. દેશના કૉર્પોરેટ ઇતિહાસમાં આટલી મોટી રકમ એકત્ર કરવા માટે રાઇટ ઇશ્યુમાં આ સૌથી મોટું ભરણું છે. કંપની આ ઇશ્યુ થકી ઊભી થયેલી રકમના ૭૫ ટકા જેટલું દેવું ઘટાડવા માટે કરશે એવું કંપનીએ ઑફર દસ્તાવેજમાં જણાવ્યું છે.
ભારતમાં પ્રથમ વખત કોઈ પણ શૅરના રાઇટના હક્કની ખરીદી અને વેચાણ માટેની પણ સેબીએ મંજૂરી આપી છે. નૅશનલ સ્ટૉક એક્સચેન્જના ડેટા અનુસાર તા. ૨૦ એટલે કે બુધવારે રાઇટ ઇશ્યુ ખુલ્યો હતો અને એના પ્રથમ દિવસે આ હક્કના ભાવ ૪૦ ટકા વધીને બંધ આવ્યા હતા.
સેબીએ આપેલી નવી મંજૂરી અનુસાર રિલાયન્સના આ રાઇટના હક નૅશનલ સ્ટૉક એક્સચેન્જ પર આરઆઇએલ આરઈ અને બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ પર રિલાયન્સએલઆર કોડથી ટ્રેડ થઈ રહ્યા છે. કોઈ વ્યક્તિ આ ટ્રેડિંગમાં ભાગ લઈ એની ખરીદી કરી શકે છે અને એ વધારાના હક્ક મેળવી શકે છે. આ નવી સિસ્ટમ અનુસાર રિલાયન્સના હક્કનું સેટલમેન્ટ ટ્રેડ ટુ ટ્રેડ રીતે થશે અને એનું ટ્રેડિંગ ૨૯ મે સુધી ચાલશે.
આજે રાઇટના એન્ટાઇલમેન્ટનો ભાવ ૧૪.૭૭ ટકા વધી ૨૩૨ રૂપિયા બંધ રહ્યો હતો. રિલાયન્સના શૅરના ૧૪૪૦ રૂપિયાનો ભાવ આજે બંધ રહ્યો હતો. કંપની એક શૅર ૧૨૫૭ રૂપિયાના ભાવે આપી રહી છે.
રિલાયન્સમાં કંપનીના પ્રમોટર તરીકે મુકેશ અંબાણી અને તેમના કુટુંબના સભ્યો ૫૦.૦૩ ટકા હિસ્સો ધરાવે છે. રાઇટ ઇશ્યુમાં પ્રમોટર તરીકે તેઓ પણ ભાગ લેવાના છે. આ ઉપરાંત, કોઈ શૅરહોલ્ડર રાઇટ્સ જતા કરે તો તે ભરવા માટે પણ પ્રમોટર દ્વારા તૈયારી દેખાડવામાં આવી છે.

business news reliance