શિવ નાડરે ચૅરમૅનપદેથી આખરે રાજીનામું આપ્યું

18 July, 2020 12:01 PM IST  |  Mumbai | Agencies

શિવ નાડરે ચૅરમૅનપદેથી આખરે રાજીનામું આપ્યું

શિવ નાડર અને રોશની નાડર

દેશની અગ્રણી આઇટી કંપની એચસીએલ ટેક્નૉલૉજીઝના ચૅરમૅનપદેથી શિવ નાડરે રાજીનામું આપ્યું છે અને એની સાથે કંપનીની કૅપ્ટનશિપમાં પરિવર્તન આવ્યું છે. શિવ નાડરે કંપનીના ચૅરમૅનપદેથી રાજીનામું આપ્યા બાદ હવે તેમની દીકરી રોશની નાડર મલ્હોત્રા ચૅરમૅનની જવાબદારી સંભાળશે. આજે શુક્રવારે કંપનીએ શૅરબજારને એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ માહિતી આપી હતી. અત્યાર સુધી રોશની નાડર મલ્હોત્રા કંપનીમાં નૉન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના પદે હતાં અને આજે ૧૭ જુલાઈથી જ તેમની કંપનીના ચૅરમૅનપદે નિમણૂક ગણાશે.

૩૮ વર્ષનાં રોશની ‘ફૉર્બ્સ’ની ‘ધ વર્લ્ડ્સ ૧૦૦ મોસ્ટ પાવરફુલ વુમન-૨૦૧૯’માં સામેલ છે. એટલું જ નહીં, આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા અનુસાર રોશની ૨૦૧૯માં ૩૬,૮૦૦ કરોડ રૂપિયાની સંપત્તિવાળી દેશની સૌથી ધનિક મહિલા છે.

રોશની શરૂઆતથી એચસીએલના તમામ વ્યૂહાત્મક નિર્ણયો લઈ રહ્યાં છે. આ જ કારણ છે કે તેમને માત્ર ૨૮ વર્ષની ઉંમરે કંપનીમાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર બનાવવામાં આવ્યાં હતાં.

અલબત્ત શિવ નાડર એચસીએલ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટરપદે અને ચીફ સ્ટ્રૅટેજી ઑફિસરપદે યથાવત્ રહેશે.

ઉલ્લેખનીય છે કે ૭૫ વર્ષના શિવ નાડરે અજય ચૌધરી, અર્જુન મલ્હોત્રા અને અન્ય પાંચ વ્યક્તિઓ સાથે મળીને એચસીએલ ટેક્નૉલૉજીઝની સ્થાપના કરી હતી.

business news