શું તમે જીવન-વીમા પૉલિસીનાં કૉમ્બિનેશન લીધાં છે?

21 September, 2022 04:00 PM IST  |  Mumbai | Priyanka Acharya

જીવન-વીમાની પૉલિસીઓમાં ટર્મ પ્લાન, મની બૅક પ્લાન, ચાઇલ્ડ પ્લાન, પૅન્શન પ્લાન, રેગ્યુલર ઇન્કમ પ્લાન, લિમિટેડ પ્રીમિયમ પ્લાન વગેરે પ્રકાર હોય છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

રેસ્ટોરન્ટમાં ઉત્તર ભારતીય વાનગી માટે ઑર્ડર આપતી વખતે ઘણા લોકોનો એક સામાન્ય સવાલ હોય છે કે વેજ-હન્ડી અને વેજ-કઢાઈમાં શું ફરક? આ બન્ને ડિશ વચ્ચે મામૂલી ફરક હોય છે. વેટર તો ફક્ત પીરસવાનું કામ કરે, તેને તફાવત વિશે વધારે ખબર હોતી નથી.

આપણે અલગ-અલગ મિશ્રણના આધારે વાનગી માટેના ઑર્ડર આપતા હોઈએ છીએ. શું આ વાતને આપણે જીવન-વીમા માટે પણ લાગુ પાડીએ છીએ? જીવન-વીમો દરેક પરિવાર માટે જરૂરી છે, પરંતુ એની ખ્યાતિ એટલી બધી નથી. એને વધુ આકર્ષક બનાવવામાં આવ્યો નથી, જટિલ ચોક્કસ બનાવાયો છે! 

સામાન્ય રીતે એજન્ટો પ્રીમિયમની રકમના આધારે અલગ-અલગ પાકતી મુદતના અને અલગ-અલગ કંપનીના અલગ-અલગ પ્લાનનાં કૉમ્બિનેશન બતાવતા હોય છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય પૉલિસીધારકને માફક આવે એટલી પ્રીમિયમની રકમમાં મહત્તમ લાભ આપવો. દા.ત. તમારું વર્ષનું પ્રીમિયમનું બજેટ ૧૨,૦૦૦ રૂપિયા હોય તો એજન્ટ કદાચ એક પ્લાનની બે, બીજાની બે અને ત્રીજાની એક એમ કુલ પાંચ અલગ-અલગ પૉલિસીઓ સૂચવશે. કદાચ તેઓ એક-એક લાખ રૂપિયાની પાંચ પૉલિસીઓ આપશે જે તમારી ૫૬ વર્ષની વયથી ૬૦મા વર્ષની વય સુધી દર વર્ષે પાકતી રહે.

અગાઉના એક લેખમાં આપણે જોયું હતું કે જીવન-વીમાની પૉલિસીઓમાં ટર્મ પ્લાન, મની બૅક પ્લાન, ચાઇલ્ડ પ્લાન, પૅન્શન પ્લાન, રેગ્યુલર ઇન્કમ પ્લાન, લિમિટેડ પ્રીમિયમ પ્લાન વગેરે પ્રકાર હોય છે; જ્યારે અલગ-અલગ પ્લાનનું કૉમ્બિનેશન લેવાનો કે અપાવવાનો સવાલ હોય ત્યારે અહીં જણાવાયેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએઃ

ઘણા લોકોને જીવન-વીમાની પૉલિસીઓના પ્રકાર વિશે ખબર હોતી નથી. તેમને આકર્ષક નામ સાથે એક પ્રેઝન્ટેશન આપવામાં આવે છે. લેનારને તો વર્ષે કેટલું પ્રીમિયમ આવશે એની સાથે જ નિસ્બત હોવાથી તેઓ સાંભળવા ખાતર સાંભળી લે અને છેલ્લે કૉમ્બિનેશન નક્કી કરી લે. હકીકતમાં દરેક વ્યક્તિએ પોતાને આપવામાં આવનારા પ્લાનની તમામ વિગતો ચકાસી લેવી જોઈએ. પોતાને એક પ્લાન મળી રહ્યો છે કે પાંચ પ્લાનનું કૉમ્બિનેશન આપવામાં આવી રહ્યું છે, એક પૉલિસી છે કે પાંચ છે, એની પાકતી મુદત કેટલાં વર્ષની છે વગેરે વગેરે.
અલગ-અલગ મુદતની પૉલિસીઓ લેનારે કેટલાં વર્ષ સુધી પ્રીમિયમ ભરવાનું છે અને કયા વર્ષે કેટલી રકમ હાથમાં આવવાની છે એની માહિતીની નોંધ કરી લેવી જોઈએ. દા.ત. જો તમને ત્રણ પૉલિસીઓ આપવામાં આવી હોય, જેની મુદત ૧૦ વર્ષ, ૧૫ વર્ષ અને ૧૬ વર્ષ છે, તો એમાંથી કોઈ એક પૉલિસીનું પ્રીમિયમ ૧૧મા વર્ષથી ભરવાની જરૂર ન હોય એવું શક્ય છે. ૧૬મા વર્ષે પૉલિસી પાકે ત્યારે તમને વધારે રકમની જરૂર પડવાની હોય, પણ તમને આપવામાં આવેલી પૉલિસી અનુસાર ધારણા કરતાં ઓછી રકમ મળવાની હોય એવું બની શકે છે.
આમ કયા વર્ષે કેટલી રકમની જરૂર પડશે એવા અંદાજના આધારે પણ પૉલિસી નક્કી કરી શકાય છે. જીવન-વીમા પૉલિસીમાં અધવચ્ચેથી ફેરફાર કરી શકાતો નથી. આ જ કારણ છે કે તમે જ્યારે અરજી કરો ત્યારે જ તમારા મગજમાં દરેક પૉલિસી વિશે સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ.

જો તમે કૉમ્બિનેશન લીધું હોય તો દરેક પૉલિસીનો અલગ-અલગ દસ્તાવેજ તમારી પાસે હોવો જોઈએ. આજકાલ ઘણી કંપનીઓ પૉલિસીના ડૉક્યુમેન્ટ એજન્ટ મારફત મોકલવાને બદલે સીધા પૉલિસીધારકોને મોકલી આપે છે. આથી દરેક પૉલિસીની ડિજિટલ અને ફિઝિકલ નકલ તમારી પાસે છે કે નહીં એ જોઈ લેવું. પૉલિસીનાં નિયમો અને શરતો પર પણ નજર કરી જવું. જો તમારી ધારણા મુજબની પૉલિસી ન હોય તો ફ્રી લુક પિરિયડ દરમ્યાન તમે એ પાછી આપી શકો છો. 

ફક્ત પ્રીમિયમની રકમના આધારે પૉલિસી લેવામાં આવે ત્યારે ઘણી વાર કેટલીક પૉલિસીઓ લૅપ્સ થઈ જતી હોય છે. પૉલિસીધારક પાસે ભવિષ્યમાં ધારણા કરતાં ઓછી આર્થિક શક્તિ હોય ત્યારે આવી શક્યતા વધી જાય છે. આવા સંજોગોમાં કઈ પૉલિસી રાખવી અને કઈ લૅપ્સ થવા દેવી અથવા કોનું પ્રીમિયમ થોડા દિવસ રહીને ભરીએ તો ચાલે એ બધી બાબતોનો વિચાર કરી લેવો. બધી પૉલિસીઓ લૅપ્સ થવા દેવાને બદલે જેટલી બચતી હોય એટલી બચાવી લીધેલી સારી. પૉલિસી સરન્ડર કરતી વખતે પણ નિષ્ણાતની મદદ લઈને યોગ્ય વિકલ્પની પસંદગી કરવી. 

આજે એક વાતનો પુનરોચ્ચાર કરીને કહેવાનું કે જીવન-વીમા પૉલિસી પ્રીમિયમની રકમના આધારે નહીં, પણ હ્યુમન લાઇફ વૅલ્યુના આધારે ખરીદવાની હોય છે. તમે ભલે ટર્મ પ્લાન અને એન્ડોવમેન્ટ પ્લાન, સિંગલ પ્રીમિયમ અને ક​ન્ટિન્યુઅસ પ્રીમિયમ, ચાઇલ્ડ પ્લાન અને નૉર્મલ પ્લાન એ બધાનું કૉમ્બિનેશન લેતા હોય, આખરે તો એ બધાનું મૂલ્ય તમારી હ્યુમન લાઇફ વૅલ્યુને અનુલક્ષીને જ નક્કી કરવાનું હોય છે. 

business news