કાર ખરીદવા બાબતે તમે આ મુદ્દાઓનો વિચાર કર્યો છે ખરો?

02 August, 2021 04:02 PM IST  |  Mumbai | Khyati Mashru Vasani

કાર હવે લક્ઝરી નહીં, પરંતુ જરૂરિયાત બની ગઈ છે

પ્રતીકાત્મક તસવીર

ફાઇનૅન્શિયલ પ્લાનરો નિશ્ચિત સમયાંતરે ક્લાયન્ટ્સ સાથે નાણાકીય સ્થિતિની સમીક્ષા કરતા હોય છે. આવી જ એક સમીક્ષા હાલમાં મેં રાજ અને કવિતા (નામ બદલ્યાં છે) સાથે કરી. ગયા વર્ષે તેમણે નવી કાર ખરીદવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. તેમના એ નવા લક્ષ્ય બાબતે મારી સાથે થયેલી ચર્ચાનો સાર અહીં પ્રસ્તુત છે. તમે પણ કદાચ આવું લક્ષ્ય રાખ્યું હોય તો તમને એ મદદરૂપ થઈ શકે છે.

રાજની કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૦-’૨૧ માટે ૭૫,૦૦૦ રૂપિયાનું બોનસ આપવાનું જાહેર કર્યું હતું. સામાન્ય રીતે દર વર્ષે પહેલી જુલાઈએ તેની કંપની બોનસ જાહેર કરે છે. ગયા વર્ષે જુલાઈમાં આવનારું બોનસ નવેમ્બર-ડિસેમ્બરમાં પારિવારિક વેકેશન પાછળ ખર્ચવું એવું નક્કી કરાયું હતું, પરંતુ કોરોના રોગચાળાને લીધે એ પ્રવાસ શક્ય નહીં હોવાથી રાજ અને કવિતા બન્નેએ એ પૈસાનો ઉપયોગ નવી કારના ડાઉન પેમેન્ટ માટે કરવાનો વિચાર કર્યો.

મેં તેમને પૂછ્યું, ‘કાર તમારા માટે જરૂરિયાત છે કે ઇચ્છા છે?’

રાજેશની પાસે કુલ એક લાખ રૂપિયાની જોગવાઈ હતી. એમાં બોનસની રકમ સામેલ છે. કાર માટે બાકીની રકમની લોન લેવાનો તેમણે વિચાર કર્યો હતો. નવી કાર શક્ય ન હોય તો સેકન્ડ હેન્ડ કાર પણ ચાલશે, એવું રાજે વિચાર્યું હતું. પાંચેક લાખ કાર પાછળ ખર્ચવા એવું નક્કી કરાયું. ત્રણ વર્ષ રહીને કાર વેચી દેવી એવું પણ આયોજન હતું.

આ યુગલને કયો વિકલ્પ માફક આવશે એના વિશે તેમની સાથે ચર્ચા કરાઈ. પોતાની માલિકીની કાર સાથે સંકળાયેલી લાગણીઓને દૂર રાખીને આ મુદ્દે વાત કરવી એવું પહેલેથી નક્કી કરાયું હતું. આથી અમારી વાતચીતમાં નીચે મુજબના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા...

રાજને ઑફિસે અવરજવર કરવા માટે કંપની તરફથી પિક અપ અને ડ્રોપની સુવિધા મળેલી છે. આમ, તે પોતાની કારનો ઉપયોગ મુખ્યત્વે વીક-એન્ડમાં કરવાનો હતો. દર સપ્તાહે તેની કાર ૧૫૦ કિલોમીટરથી વધારે ચાલવાની ન હતી.

રાજે ત્રણ વર્ષે કાર વેચી દેવાનું વિચાર્યું હતું. કારને શરૂઆતનાં વર્ષોમાં વધારે ડેપ્રિશિયેશન લાગુ પડતું હોય છે. ત્રણ વર્ષમાં ૪૫ ટકા ડેપ્રિશિયેશન લાગશે એવું ધારીએ તો ત્રણ વર્ષ બાદ પાંચ લાખ રૂપિયાની કારનું મૂલ્ય ૨,૭૫,૦૦૦ રૂપિયા હશે.

દરેક વીક-એન્ડમાં કાર ૧૫૦ કિલોમીટર ચાલવાની હોય તો ત્રણ વર્ષે તેની કાર કુલ ૨૧,૬૦૦ કિલોમીટર (૧૫૦*૪*૩૬) ચાલશે. ચાલો, આપણે રાઉન્ડ ફિગર ગણીને ૨૨,૦૦૦ કિલોમીટરનો અંદાજ રાખીએ.

ત્રણ વર્ષમાં કારના વીમા પાછળ થનારો ખર્ચ ૨૫,૦૦૦ રૂપિયા થાય.

ત્રણ વર્ષમાં કારના ઈંધણ પાછળ થનારો ખર્ચ ઃ પ્રતિ લિટર ૧૨ કિલોમીટર ચાલે. આમ, ૨૨,૦૦૦ કિલોમીટર પ્રવાસ માટે ૧૮૩૩ લિટર પેટ્રોલ જોઈએ. આ ગણતરી મુજબ ૧,૮૪,૦૦૦ રૂપિયાનો ખર્ચ થાય (૧૮૩૩ કિલોમીટર*૧૦૦ રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ).

બૅન્કને ચાર લાખ રૂપિયાની લોન માટે ચૂકવાયેલું વ્યાજ : ત્રણ વર્ષની મુદત માટે ૮ ટકા પ્રતિ વર્ષ વ્યાજના હિસાબે અંદાજે ૭૫,૦૦૦ રૂપિયા થાય (રિડ્યુસિંગ બૅલૅન્સના આધારે).

ત્રણ વર્ષ માટેનો સમારકામ, સર્વિસિંગ, વૉશિંગ, પાર્કિંગ વગેરેનો ખર્ચ આશરે ૫૦,૦૦૦ રૂપિયા થાય.

ઉપરોક્ત બધા ખર્ચને ધ્યાનમાં લેતાં રાજનો કાર પાછળનો કુલ ખર્ચ ૬,૦૯,૦૦૦ રૂપિયા થાય. કાર ત્રણ વર્ષમાં ૨૨,૦૦૦ કિલોમીટર ચાલી એટલે પ્રતિ કિલોમીટરનો ખર્ચ ૬,૦૯,૦૦૦/૨૨,૦૦૦ = ૨૭.૬૮ રૂપિયા થાય. રાઉન્ડ ફિગર ગણીએ તો દરેક કિલોમીટરના ૨૮ રૂપિયા થાય.

અહીં જણાવવું રહ્યું કે આજકાલ ઓલા અને ઉબર ઠેકઠેકાણે સહેલાઈથી ઉપલબ્ધ થાય છે. આવામાં માણસે પાર્કિંગ, મેઇન્ટેનન્સ, રિપેર્સ વગેરેની કડાકૂટ વિશે પણ વિચાર કરવો રહ્યો. જો બીજાં લક્ષ્યો હજી બાકી હોય તો કારનું લક્ષ્ય પછીથી પૂરું કરવાનો વિકલ્પ રાખી શકાય. અહીં યાદ રાખવું કે કાર ઍસેટ નહીં, પણ લાયેબિલિટી હોય છે. કાર હવે લક્ઝરી નહીં, પરંતુ જરૂરિયાત બની ગઈ છે, પરંતુ જો પોતાની કાર વધારે વપરાવાની ન હોય તો પૂરતી નાણાકીય સગવડ થઈ જાય ત્યારે જ કાર ખરીદવાનું નક્કી કરવું જોઈએ.

સવાલ તમારા…

બજાર અત્યારે સર્વોચ્ચ શિખરની આસપાસ રહે છે. શું મારે મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોમાં નફો અંકે કરી લેવો જોઈએ?

માર્કેટ ઉપર હોય કે નીચે, પોર્ટફોલિયોની સમીક્ષા અને પુનઃ રચના દર વર્ષે થવી જોઈએ. મ્યુચ્યુઅલ ફંડ્સે ઇક્વિટી બજારના ઉછાળાને લીધે ઊંચું વળતર આપ્યું છે. આમ, પોર્ટફોલિયોમાં ઇક્વિટીનું પ્રમાણ વધી ગયું હોય એ સ્વાભાવિક છે. પોર્ટફોલિયોમાં ઇક્વિટી અને ડેટનું સંતુલન પણ પૂર્વનિર્ધારિત ગુણોત્તર મુજબ કરવામાં આવવું જોઈએ. જો તમે મધ્યમ કે ઓછું જોખમ લેવાવાળી વ્યક્તિ હો તો તમારે નફો અંકે કરીને પોર્ટફોલિયોને પુનઃ સંતુલિત કરવો જોઈએ. જોકે, હાલ બજારમાં પુષ્કળ પ્રમાણમાં પ્રવાહિતા ઉપલબ્ધ હોવાથી જેઓ વધુ જોખમ લેવા તૈયાર રહેતા હોય તેઓ રોકાણ રાખી મૂકી શકે છે.

business news